મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:આજે ગુજરાતમાં PM મોદીના જન્મદિને 7100 રામમંદિરમાં આરતી, ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળની ખાતાં ફાળવણી, સેન્સેક્સ પ્રથમવાર 59,200ને પાર

એક મહિનો પહેલા

નમસ્કાર,

આજે શુક્રવાર, તારીખ 17 સપ્ટેમ્બર, ભાદરવા સુદ અગિયારસ.

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ, ગુજરાતના 7100 રામ મંદિરમાં આરતી અને રામધૂન, 71 બાળકોની ઓપન હાર્ટ સર્જરી થશે
2) અમદાવાદમાં PMના જન્મદિને લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં મિયાવાકી પદ્ધતિથી 71 જાતનાં 71000 વૃક્ષો વાવી મિની જંગલ ઊભું કરાશે
3) અમદાવાદમાં સવારે છ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી મેગા વેક્સિનેશન ડ્રાઇવ, 91 સ્થળે કોરોના સામે વેક્સિન અપાશે
4) કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ સુરત ખાતે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી નિમિત્તે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે
5) અમદાવાદના બાપુનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું આયોજન

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) રાજેન્દ્ર ત્રિવેદીને કાયદો, હર્ષ સંઘવીને ગૃહ, મનીષા વકીલને મહિલા અને બાળ કલ્યાણ, વાઘાણીને શિક્ષણ, મેરજાને શ્રમ વિભાગ ફાળવાયો
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની શપથવિધિ તમામ નવા સભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યા છે. ત્યારે સ્વર્ણિમ સંકુલ ખાતે શપથગ્રહણ કર્યા બાદ કેબિનેટ, રાજ્ય કક્ષા અને સ્વતંત્ર હવાલા મેળવનાર મંત્રીઓ સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સ્વર્ણિમ સંકુલ ખાતે પહેલી કેબિનેટ બેઠક મળી હતી. બેઠક બાદ તમામને ખાતાની ફાળવણી કરાઈ છે. જેમાં રાજેન્દ્ર ત્રિવેદીને મહેસૂલ અને કાયદો, હર્ષ સંઘવીને ગૃહ, મનીષા વકીલને મહિલા અને બાળ કલ્યાણ, જીત વાઘાણીને શિક્ષણ, રાઘવજી પટેલને કૃષિ, બ્રિજેશ મેરજાને શ્રમ અને રોજગાર, પ્રદીપ પરમારને સામાજીક અને ન્યાય ખાતું ફાળવવામાં આવ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

2) શેરબજારનો નવો રેકોર્ડ,સેન્સેક્સે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત 59200ને પાર, નિફ્ટી 17600ને પાર
સેન્સેક્સે નવો ઈતિહાસ રચ્યો છે. પ્રથમ વખત સેન્સેક્સ 59200 અને નિફ્ટી 17600ને પાર પહોંચ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ 418 અંક વધી 59141 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 110 અંક વધી 17629 પર બંધ રહ્યો હતો. આ પહેલા સેન્સેક્સ 58881 અને નિફ્ટી 17539 પર ખુલ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

3) કોહલી નહીં રહે T-20નો કેપ્ટન,વિરાટે લીધો T-20 વર્લ્ડ કપ પછી કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય, પોસ્ટમાં વર્ક લોડનો ઉલ્લેખ કર્યો
UAEમાં આયોજિત T-20 વર્લ્ડ કપ પછી વિરાટ કોહલીએ કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો. આ અંગે તેણે સોશિયલ મીડિયામાં ભાવુક પોસ્ટ શેર કરી માહિતી આપી છે. જોકે છેલ્લા કેટલાક સમયથી કોહલી કેપ્ટનશિપ છોડી શકે છે, એવી ચર્ચા થઈ રહી હતી. આ અંગે ઘણી અટકળો પણ લગાવાઈ રહી હતી, જોકે BCCIના કેટલાક અધિકારીએ આ સમાચારની ખંડણી પણ કરી હતી. તેવામાં હવે વિરાટ કોહલી પછી રોહિત શર્મા ઈન્ડિયન ટીમનો કેપ્ટન બની શકે છે, તેવી ચર્ચાઓએ પણ વેગ પકડ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

4) ભાજપે અપનાવ્યો કોંગ્રેસનો 'કામરાજ પ્લાન','સિનિયર નેતાઓને હોદ્દા પરથી દૂર કરી સંગઠનને મજબૂત બનાવો'
દેશમાં 2014થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ સરકારનું શાસન ચાલી રહ્યું છે. સતત બે ટર્મ સુધી લોકસભામાં ભાજપના વિજય બાદ હવે વડાપ્રધાન મોદીએ આગામી 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખી કેન્દ્રીય મંત્રીમંડળથી માંડીને ભાજપશાસિત રાજ્યોમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળમાં ધરખમ ફેરફારો કરવાની સ્ટ્રેટેજી અપનાવી છે, જેમાં ગુજરાતમાં તો નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સહિત આખું મંત્રીમંડળ દૂર કરીને નવા અને યુવા સભ્યોને મંત્રીપદ આપીને 'કામરાજ પ્લાન'નો મોટો દાખલો બેસાડ્યો છે. આજથી 58 વર્ષ પહેલાં કોંગ્રેસના નેતા કે. કામરાજ પ્લાનમાં એવું હતું કે સિનિયર નેતાઓ, જે વર્ષોથી હોદ્દા પર છે તેમણે રાજીનામાં આપીને પક્ષના સંગઠનને મજબૂત બનાવવા કામે લાગવું જોઈએ.
વાંચો સમાચાર વિગતવાર

5) બેડ બેન્ક અંગે મોટી જાહેરાત, રૂપિયા 30,600 કરોડની સરકારી ગેરન્ટીને મંજૂરી મળી, બેડ લોનના બદલામાં સિક્યોરિટીઝ રિસીપ્ટ ઈશ્યુ કરાશે
નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (NARCL) એટલે કે બેડ બેન્ક તરફથી અવેજમાં જે સિક્યોરિટી રિસીપ્ટ ઈશ્યુ કરવામાં આવનાર છે તેના માટે સરકારે રૂપિયા 30,600 કરોડની ગેરન્ટી આપવાની જાહેરાત કરી છે. સરકાર દ્વારા આપવામાં આવનાર આ ગેરન્ટી પાંચ વર્ષ માટે રહેશે, જેના મારફતે અસ્કયામતોને લગતા પ્રશ્નોને સમયસર ઉકેલવામાં મદદ મળશે, તેમ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું. બેન્કો માટે બેડ લોનની અવેજમાં NARCL 15 ટકા રકમ રોકડમાં અને 85 ટકા માટે સિક્યોરિટી રિસીપ્ટ ઈશ્યુ કરવામાં આવશે.
વાંચો સમાચાર વિગતવાર

6) કુંવરજી બાવળીયાને પડતા મુકાતા ગુરૂવારે બપોર વિંછિયા બંધ રહ્યું, બાવળીયાએ કહ્યું- નો રિપીટની થિયરીને તમામ લોકોએ સ્વીકારવી જોઈએ
ભાજપ દ્વારા નો રિપીટ થીયરી અપનાવાતા મંત્રીમંડળમાં સિનિયર નેતાઓનું પત્તું કપાયું હતું. આથી જસદણ-વીંછિયા તાલુકાના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને મંત્રી મંડળમાંથી બાદબાકી કરાતા ગુરૂવારે સમગ્ર વિછિયામાં બંધનું એલાન અપાતા બપોર સુધી આંશિક બંધ રહ્યું હતું. લોકોની નારાજગી મુદ્દે કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, નો રિપીટની થિયરીને તમામ લોકોએ સ્વીકારવી જોઈએ.
વાંચો સમાચાર વિગતવાર

7) વારાણસીના ગંગાઘાટની થીમ પર કેવડિયામાં નર્મદાઘાટ તૈયાર, સુરક્ષિત નર્મદા સ્નાન અને રોજ આરતી થશે, મોદી મહાઆરતી કરી ઘાટને ખુલ્લો મૂકશે
ઉત્તરપ્રદેશના વારાસણીના ગંગાઘાટની થીમ પર ગુજરાતના કેવડિયા નજીક ગોરા ખાતે 14 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદાઘાટ તૈયાર થઇ રહ્યો છે. આ ઘાટ પર રોજ આરતી થશે અને શ્રદ્ધાળુઓ નર્મદા નદીના આ ઘાટ પર સુરક્ષિત રીતે સ્નાન કરી શકશે. 131 મીટર લાંબો અને 47 મીટર પહોળો ઘાટ બની રહ્યો છે. શૂલપાણેશ્વર મંદિરથી સીધા ઘાટ પર જવાય એવો રસ્તો પણ બનીને તૈયાર થઈ રહ્યો છે. આ ઘાટની કામગીરી હવે પૂર્ણતાના આરે છે. પીએમ મોદી મહાઆરતી કરીને આ ઘાટનું લોકાર્પણ કરશે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) ઉત્તર કોરિયાએ દુનિયાની ચિંતામાં વધારો કર્યો,પહેલીવાર ટ્રેન પરથી મિસાઇલ પરીક્ષણ કર્યું, સંયુક્ત રાષ્ટ્રે શાંતિ અને સુરક્ષા માટે જોખમ ગણાવ્યું
2) અમેરિકા અને બ્રિટનની મદદથી ઓસ્ટ્રેલિયા બનાવે છે પરમાણુ સબમરીન, ગભરાયેલા ચીને કહ્યું- શીતયુદ્ધની માનસિકતા છોડવાની જરૂર
3) રક્ષા મંત્રાલયની નવી ઓફિસનું ઉદઘાટન,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું રક્ષા મંત્રાલયનું ઉદઘાટન, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની નિંદા કરનાર પર સાધ્યું નિશાન
4) આગામી વિધાનસભા ચૂંટણીમાં વરાછા બેઠક જીતવી અઘરી, ભાજપના મતદારો ભાજપથી વિમુખ થયા, વરાછા આપનું એપી સેન્ટર: કુમાર કાનાણી
5) સુરતના હજીરા રોડ પર ઊભેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં બે ભાઈ સહિત 3નાં મોત, 2 ગંભીર, કટરથી પતરું કાપી મૃતદેહો બહાર કઢાયા

આજનો ઈતિહાસ
આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. વર્ષ 1950માં 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના વડનગરમાં નરેન્દ્ર મોદીનો જન્મ થયો હતો

અને આજનો સુવિચાર
ધારેલા પૈસા કમાઈ લો તો સફળતા કહેવાય અને જ્યાં પણ જાઓ ત્યાં ઓળખાણ ના આપવી પડે એને સિદ્ધિ કહેવાય.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...