• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • DivyaBhaskar Morning Podcast: 8664 Gram Panchayat Elections Out Of 10,879 Will Be Held In Gujarat Today; After Port, Airport, Green Energy, Adani Has Ventured Into Cement Sector

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:ગુજરાતમાં જાહેર થયેલી 10,879 પૈકીની 8664 ગ્રામ પંચાયતની આજે ચૂંટણી યોજાશે; પોર્ટ, એરપોર્ટ, ગ્રીન એનર્જી બાદ સિમેન્ટ ક્ષેત્રે અદાણીએ ઝંપલાવ્યું

એક મહિનો પહેલા

નમસ્કાર,

આજે રવિવાર, તારીખ 19 ડિસેમ્બર, માગશર સુદ પૂનમ

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે રાજ્યમાં 8664 ગ્રામ પંચાયતોમાં 8560 સરપંચ પદ માટે કુલ 27,200 ઉમેદવારો વચ્ચે જંગ; સુરક્ષા બંદોબસ્તમાં 51,747 પોલીસ જવાનો ખડેપગે રહેશે
2) આજે અમદાવાદ સાયન્સ સિટી ખાતે નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ પ્રોગ્રામ અને ગુજરાત સ્ટેમ ક્વિઝનું શિક્ષણ મંત્રી કરશે
3) ખોડલધામ સમિતિના બે સ્થળે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન, ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલ હાજરી આપશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ધર્માંતરણ અને હવાલાકાંડ:વડોદરાના આફમી ચેરિટેબલ ટ્રસ્ટનું FCRA રજિસ્ટ્રેશન રદ, હવેથી વિદેશમાંથી ભંડોળ નહીં મેળવી શકે
બહુચર્ચિત ધર્માંતરણ અને હવાલાકાંડમાં વડોદરાના આફમી ચેરિટેબલ ટ્રસ્ટનું ગૃહ મંત્રાલય દ્વારા FCRA રજિસ્ટ્રેશન રદ કરી દેવાયું છે. જોકે સત્તાવાળાઓ પાસેથી કોઇ સમર્થન મળ્યું ન હતું. FCRA રજિસ્ટ્રેશન રદ થવાના કારણે હવેથી વિદેશમાંથી ભંડોળ નહીં મેળવી શકે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણનો મામલો સામે આવતા તપાસનો રેલો વડોદરા પહોંચ્યો હતો. જેમાં આફમી ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સલાઉદ્દીન શેખની સીધી સંડોવણી હોવાથી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે ઉત્તર પ્રદેશ પોલીસે અગાઉ દિલ્હી ખાતેથી ઉમર ગૌતમની ધરપકડ કરી હતી. આમ સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમની ધર્માંતરણ મુદ્દે ધરપકડ કરવામાં આવી હતી.
વાંચો સમાચાર વિગતવાર

2) પોર્ટ, એરપોર્ટ, ગ્રીન એનર્જી બાદ સિમેન્ટ ક્ષેત્રે અદાણીએ ઝંપલાવ્યું; રૂ. 35,000 કરોડના રોકાણ સાથે કચ્છમાં પ્લાન્ટ સ્થાપશે
પોર્ટ, એરપોર્ટ સંચાલન, ગ્રીન એનર્જી બાદ સિમેન્ટ ક્ષેત્રે પણ અદાણી ગ્રુપે​ ઝંપલાવ્યું છે. ગત વર્ષે એરપોર્ટ મેનેજમેન્ટ સર્વિસીઝમાં આવ્યા બાદ કંપની હવે સિમેન્ટનું ઉત્પાદન કરવા જઈ રહી છે. આ અંગે જાણકાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અદાણી ગ્રુપ કચ્છના મુંદ્રા તાલુકાના ટૂંડાવાંઢ ગામ પાસે એક ઇન્ટિગ્રેટેડ સિમેન્ટ પ્લાન્ટ સ્થાપશે. આ અંગે રેગ્યુલેટરી અને પર્યાવરણને લગતી મંજૂરીઓ માટે કંપની ઓક્ટોબરમાં અરજી કરેલી છે.
વાંચો સમાચાર વિગતવાર

3) ઓમિક્રોન સંક્રમણ વચ્ચે તબીબો કહે છે- શાળા બંધ કરવાની જરૂર નથી, બાળકોમાં ઝડપથી વેક્સિનેશન શરૂ કરવાની જરૂર
એક તરફ રાજ્યમાં ઓમિક્રોનના 10 કેસ નોંધાઈ ચૂક્યા છે. જો કે, જામનગરના 3 દર્દીએ ઓમિક્રોનને માત આપી છે. ત્યારે હવે રાજ્યની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. પહેલા વડોદરા, સુરત અને હવે અમદાવાદની શાળામાં વિદ્યાર્થીઓને કોરોના સંક્રમણ લાગ્યું છે. ત્યારે દિવ્યભાસ્કરે અમદાવાદ, રાજકોટ, સુરત અને જામનગરના નામાંકિત પલ્મોનોજિસ્ટ તબીબો સાથે વાત કરી હતી. તેમનું કહેવું છે કે, હાલ ફરીથી શાળા બંધ કરવાની કે નિયંત્રણ લાદવાની હાલ જરૂર જણાઇ રહી નથી. સાથે જ બાળકોમાં કોરોના વેક્સિનેશનની કામગીરીને અમલમાં લાવવાની જરૂરિયાત ગણાવી હતી.
વાંચો સમાચાર વિગતવાર

4) પેપર લીક કાંડમાં હિંમતનગરના દર્શન વ્યાસના ઘરમાંથી રૂ. 23 લાખ જપ્ત, પ્રાંતિજ કોર્ટે 8 આરોપીઓના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
હિંમતનગરના દર્શન વ્યાસના ઘરે તપાસ કરતાં પોલીસે તેના ઘરેથી રૂપિયા 23 લાખ રોકડ જપ્ત કર્યા હતા. જ્યારે શનિવારે વધુ બે આરોપીને ઝડપી લઇ રૂ. 23 લાખ જેટલી રકમ જપ્ત કરી છે. જ્યારે 11 પૈકીના 8 આરોપીને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરીને પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જો કે નામદાર કોર્ટે 8 આરોપીઓના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

5) પેપર લીક કાંડે મુખ્યમંત્રીની ઊંઘ ઉડાડી, પરીક્ષા રદ કરવા અને અસિત વોરાની હકાલપટ્ટી મુદ્દે મુખ્યમંત્રી બંગલે બેઠકોનો દોર
ગુજરાત ગૌણ સેવા મંડળની હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યાનો પર્દાફાશ થયા બાદ સરકારમાં દોડધામ મચી જવા પામી છે. એટલું જ નહીં, આ પરીક્ષા યથાવત રાખવી કે રદ્દ કરવી તે અંગેનો નિર્ણય લેવાની સાથે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાની હકાલપટ્ટી કરવી કે નહીં. તે મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને બેઠકો ચાલી હતી. સાથે સાથે ભાજપ હાઇકમાન્ડનું પણ સતત માર્ગદર્શન લેવામાં આવી રહ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

6) PMએ ગંગા એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કરી શાહજહાંપુરમાં કહ્યું- પહેલા દીકરીઓનું સ્કૂલ-કોલેજોમાં જવું મુશ્કેલ હતું, રમખાણો થતા હતા, હવે સ્થિતિમાં સુધારો થયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાહજહાંપુરમાં 594 કિલોમીટર લાંબા ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કર્યો છે. આ દરમિયાન રેલીને સંબોધતા મોદીએ કહ્યું કે પહેલા દીકરીઓની સુરક્ષા પર સતત સવાલો ઉઠતા રહે છે, તેમનું સ્કૂલ કોલેજ જવુ પણ મુશ્કેલ બનાવી દીધું હતું. ક્યારે કઈ જગ્યાએ રમખાણો થઈ જાય કોઈ કહી નહોતું શકતું, પરંતુ છેલ્લા સાડા 4 વર્ષોમાં યોગીજીની સરકારે સ્થિતિમાં સુધારો લાવવા ખૂબ જ પરિશ્રમ કર્યો છે. સ્થિતિ બદલાઈ ગઈ છે.
વાંચો સમાચાર વિગતવાર

7) કર્ણાટકમાં બે ઈન્સ્ટિટ્યુટમાં કોરોના વિસ્ફોટ, એક સાથે 33 કેસ સામે આવ્યા, આ પૈકી પાંચ કેસ ઓમિક્રોન પોઝિટિવ
કર્ણાટકની બે શૈક્ષણિક સંસ્થામાં કોરોના વિસ્ફોટની સ્થિતિ સામે આવી છે. એક સંસ્થામાં કોરોનાના 14 કેસ સામે આવ્યા છે તો અન્ય એક સંસ્થામાં 19 કેસ સામે આવ્યા છે. ચિંતાની વાત એ છે કે આ 33 કેસમાં પાંચ ઓમિક્રોન વેરિયન્ટના કેસ છે. આ ઉપરાંત UKથી આવેલી એક વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ જણાયો છે.કર્ણાટક સરકાર આ કેસોની સ્થિતિને ખતરાની ઘંટડી સમાન માને છે. એક સાથે એક જ જગ્યાએ આટલી મોટી સંખ્યામાં લોકો સંક્રમિત મળી આવવા તે રાજ્ય સરકાર માટે પરેશાનીની વાત છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) અગ્નિ પ્રાઈમ મિસાઈલનું ઓડિશામાં સફળ પરિક્ષણ કરાયું, 1 થી 2 હજાર કિલોમીટર દૂરની મારક ક્ષમતા ધરાવે છે
2) પાકિસ્તાન બ્લાસ્ટમાં 14ના મોત થયા, ગેસ લીકના કારણે વિસ્ફોટ થતા બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો કાટમાળમાં ફસાયા; રેસ્ક્યૂ ઓપરેશન જારી
3) વાયબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ વચ્ચે ગાંધીનગરના એક સહિત રાજ્યમાં ઓમિક્રોનના 3 નવા કેસ નોંધાયા, કુલ આંકડો 10 પર પહોંચ્યો
4) સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ રહી ચુકેલા જસ્ટિસ નાણાવટીનું 86 વર્ષની ઉંમરે અમદાવાદમાં નિધન, ગોધરા કાંડ અને 1984ના તોફાનોની તપાસ કરી હતી

આજનો ઈતિહાસ
વર્ષ 1961માં આજના દિવસે ભારતીય સેનાએ ગોવાને 450 વર્ષના પોર્ટુગીઝોની ગુલામીમાંથી સ્વતંત્રતા અપાવી હતી

આજનો સુવિચાર
જેનામાં એકલા ચાલવાનો જુસ્સો હોય છે, એક દિવસ તેના પાછળ કાફલો હોય છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...