મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:પંચમહાલમાં GFL કંપનીના બોઇલરમાં બ્લાસ્ટ થતાં 5નાં મોત, દેશમાં કન્યાના લગ્નની વયમર્યાદા 21 વર્ષ કરતું બિલ કેબિનેટમાં મંજૂર

એક મહિનો પહેલા

નમસ્કાર,

આજે શુક્રવાર, તારીખ 17 ડિસેમ્બર, માગશર સુદ ચૌદસ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) અમદાવાદ સહિત રાજ્યમાં આજે 273 બાર એસોસિયેશનની આજે ચૂંટણી યોજાશે
2) ગુજરાતમાં 5 દિવસ સુધી કાતિલ ઠંડી મોજું ફરી વળશે, આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડ વેવની આગાહી
3) આજથી અમરેલી, જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાને જોડતી વેરાવળ-અમરેલી અને જૂનાગઢ-અમરેલી રૂટની મીટરગેજ ટ્રેન શરૂ થશે
4) પંચમહાલના પાવાગઢ સ્થિત મહાકાળી માતા મંદિર નિર્માણકાર્યને પગલે પાંચ દિવસ બંધ રહ્યા બાદ આજથી ફરી દર્શનાર્થીઓ માટે ખૂલશે
5) રાજકોટના સરધારમાં સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આજે ફૂલડોલોત્સવ, રાસોત્સવ, કીર્તન, ભક્તિ સહિતના કાર્યક્રમ
6) બેંકના ખાનગીકરણ સામે રાષ્ટ્રવ્યાપી બે દિવસીય હડતાળનો બીજો દિવસ, કરોડોનાં ટ્રાન્ઝેક્શન અટકશે
7) વારાણસીમાં મુખ્યમંત્રી પરિષદ બાદ દેશભરના 200 મેયરનું સંમેલન, નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી ઉદઘાટન કરશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) દેશમાં છોકરીઓની લગ્નની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ થશે, તમામ ધર્મ અને વર્ગ પર લાગુ થશે આ કાયદો
કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે બે મોટા સુધારા સાથે જોડાયેલા બિલને મંજૂરી આપી છે. પ્રથમ સુધારો છોકરીઓના લગ્નની ઉંમર સાથે સંકળાયેલો છે. કેબિનેટે છોકરીઓ અને છોકરાઓનાં લગ્નની ન્યૂનતમ ઉંમર એકસરખી, એટલે કે 21 વર્ષ કરવાના બિલને મંજૂરી આપી છે. આ કાયદો લાગુ થયો તો તમામ ધર્મો અને વર્ગોમાં છોકરીઓના લગ્નની ન્યૂનતમ ઉંમર બદલાઈ જશે.
વાંચો સમાચાર વિગતવાર

2) આણંદમાં પ્રી-વાઇબ્રન્ટ ઇવેન્ટમાં PM મોદીએ કહ્યું- એ ભ્રમ છે કે કેમિકલ વગર સારી ખેતી ન થાય, આ વહેમ કાઢી કેમિકલના વિકલ્પો પર કામ કરવું પડશેઆણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રી-વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, આપણા મનમાં ભ્રમ છે કે કેમિકલ વગર ખેતી સારી નહીં થાય, પણ એ સત્યથી વિપરીત છે. પહેલાંના જમાનામાં પણ ખેતી થતી હતી અને આવક પણ થતી હતી, જેથી આ વહેમ કાઢી કેમિકલના વિકલ્પો પર કામ કરવું પડશે.
વાંચો સમાચાર વિગતવાર

3) પંચમહાલના ઘોઘંબાની GFL કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે વિકરાળ આગ, 5નાં મોત, બ્લાસ્ટના ધડાકા 10 કિમી દૂર સુધી સંભળાયા
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજિતનગર ખાતે રેફરન ગેસ બનાવતી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપની (GFL) કંપનીમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 5 લોકોના મોત થયા છે. આ ઘટનામાં 15 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં હાલોલ, કાલોલ, ગોધરા તેમજ ખાનગી કંપનીના ફાયર ફાઇટરોએ 5 કલાકની જહેમત બાદ આગ પર કાબૂમાં મેળવ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

4) ગ્રામપંચાયત ચૂંટણીમાં હસ્તક્ષેપ ન કરવાનું ગુજરાત હાઈકોર્ટનું વલણ, બેઠકોમાં રોસ્ટર બાબતે ચૂંટણી બાદ પિટિશન કરવાની કોર્ટે આપી છૂટ
રાજ્યમાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં અલગ અલગ મુદ્દે થયેલી વિવિધ અરજીઓનો ગુજરાત હાઈકોર્ટે નિકાલ કર્યો છે. 19 ડિસેમ્બરે રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજશે. તે સંદર્ભે વડોદરા, ગાંધીનગર, સુરત, વલસાડ, તાપી, નવસારી, બનાસકાંઠા સહિતના જિલ્લામાં મતદાર યાદી તથા ઉમેદવાર માટે નિયત કરાયેલી અનામત બેઠકોમાં રોસ્ટરનું યોગ્ય પાલન ન થતું હોવાની અરજી કરવામાં આવી હતી. જોકે હવે ગુજરાત હાઈકોર્ટે તેની સમક્ષ આવેલ વિવિધ અરજીઓનો નિકાલ કરતા ચૂંટણી પ્રક્રિયામાં હવે કોઈ કાયદાકીય બાબતની અડચણ નહીં આવે.
વાંચો સમાચાર વિગતવાર

5) પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે આગામી 48 કલાકમાં હાડ થીજવતી ઠંડી પડવાની સંભાવના
આગામી 5 દિવસમાં દેશના અનેક ભાગોમાં શીતલહેર આવી શકે છે. હવામાન વિભાગે ગુરુવારે ઉત્તર ભારત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. વિભાગે તેના ડેઈલી બુલેટિનમાં જણાવ્યું છે કે દેશના કેટલાક ભાગોમાં તાપમાનમાં ઘટાડો થવાનો છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 17 થી 21 ડિસેમ્બર દરમિયાન કોલ્ડ વેવની સંભાવના છે. આગામી 4થી 5 દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારત સિવાય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થઈ શકે છે.
વાંચો સમાચાર વિગતવાર

6) મોહન ભાગવતના કાર્યક્રમમાં ભોજન માટે ખુરશીઓ ઊડી, લંચ પેકેટ વહેંચવાને લઈને NCC કેડેટ્સ અને આઝાદ હિન્દ સેના વચ્ચે મારામારી
ચિત્રકૂટમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતના કાર્યક્રમમાં જમવાને લઈને મારપીટ થવાની ઘટના સામે આવી છે. ભાગવતના સ્ટેજ પરથી ઉતરવાની સાથે જ સુરક્ષામાં તહેનાત NCC કેડેટ્સ અને આઝાદ હિન્દ સેનાના યુવકોમાં લંચ પેકેટ વહેંચવા દરમિયાન હોબાળો થયો. આશરે 20 મિનિટ સુધી બંને બાજૂથી હવામાં ખુરશીઓ સામસામે ફેંકવામાં આવી. સ્થિતિ કાબૂમાંથી બહાર થતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. ત્યાર બાદ વિવાદ શાંત થયો.
વાંચો સમાચાર વિગતવાર

7) વિજય દિવસની 50મી વર્ષગાંઠે PM મોદી નેશનલ વોર મેમોરિયલ ખાતે સ્વર્ણિમ વિજય મશાલ પ્રજ્વલિત કરી; દેશના ખૂણેખૂણામાં લઈ જવાશે
વડાપ્રધાન મોદી ગુરુવારે નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા. અહીં તેમણે 1971ના યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને સ્વર્ણિમ વિજય મશાલના સ્વાગત અને સન્માન સમારોહમાં ભાગ લીધો હતો. વડાપ્રધાને શ્રદ્ધાંજલિ સમારોહ દરમિયાન ચાર મશાલની જ્યોતને વોર મેમોરિયલ પર અમર જવાન જ્યોતિ સાથે ભેળવી દીધી હતી. મશાલને દેશના ખૂણેખૂણામાં લઈ જવાશે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) રાહુલ ગાંધી વડાપ્રધાન બની શકે છે, કોંગ્રેસ વિના મજબૂત વિપક્ષ શક્ય નથીઃ પ્રશાંત કિશોર
2) આમોદના કાંકરિયામાં થયેલા ધર્માંતરણ મામલે વધુ 6 આરોપીની ધરપકડ, અત્યાર સુધીમાં 10 ઝડપાયા
3) રવીન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નથી, બધી વાતો અફવા અને સત્યથી વેગળી: પત્ની રિવાબાની સ્પષ્ટતા
4) ગુજરાતમાં પાંચમો કેસ વિજાપુરના પિલવાઈમાં નોંધાયો, કોરોના સંક્રમિત સાસુ-વહુમાંથી વહુનો રિપોર્ટ પોઝિટિવ
5) ગુજરાતમાં 'ઘરના ઘર'ની સરકારી યોજનાઓ ઝડપથી પુરી કરવા અધિકારીઓની એક ટીમ બનશે, વિસંગતતા દૂર કરી સરળ બનાવાશે
6) UPમાં 6 વર્ષ બાદ શિવપાલ અને અખિલેશનું ગઠબંધન, બંને સાથે મળીને ચૂંટણી લડશે તો 60-70 વિધાનસભા બેઠકો પર અસર પડી શકે છે
7) જનરલ નરવણે CDS નહીં, પણ COSCના અધ્યક્ષ બન્યા, આર્મી ચીફને ત્રણેય સેનાની ચીફ ઓફ સ્ટાફ કમિટીની જવાબદારી મળી
8) લાલ ગ્રહ પર મોટા જથ્થામાં પાણી મળી આવ્યું, નેધરલેન્ડ દેશ જેવડા વિસ્તારમાં પાણી ફેલાયેલું જોવા મળ્યું; યુરોપ અને રશિયાની એજન્સીને મોટી સફળતા
9) ગ્રુપ કેપ્ટન વરૂણસિંહના પિતાએ અંતિમ સંસ્કારનું સ્થળ બદલ્યું; કહ્યું-મારા દીકરાના કારણે લોકોને ટ્રાફીકની સમસ્યા ના થવી જોઈએ
10) હત્યાની આરોપી માતા ઈન્દ્રાણીનો દાવો- મારી દીકરી જીવતી છે, CBI કાશ્મીર જઈને શોધે

આજનો ઈતિહાસ
અમેરિકાના પશ્ચિમી વર્જિનિયાના હટિંગટન શહેરના એક બિશપે પોતાના બાળકોને એક રમકડું આપ્યું હતું. આ રમકડું ફ્રાંસના એરોનોટિક સાયન્ટિસ્ટ અલ્ફોન્સે પેનાઉડના આવિષ્કાર પર આધારિત એક મોડલ હતું. જે બાદ આ રમકડાંથી પ્રેરિત થઈને બે ભાઈઓએ 17 ડિસેમ્બર, 1903નાં રોજ જમીનથી 120 ફુટ ઉપર 12 સેકન્ડ સુધી ઉડાન ભરવામાં સફળતા મેળવી હતી. આ બંને ભાઈઓ હતા વિલ્બર અને ઓરવિલ રાઈટ, જેઓએ પહેલી વખત કોઈ વિમાન ઉડાવ્યું હતું. આ વિમાનનું નામ બંને ભાઈઓએ રાઈટ ફ્લાયર રાખ્યું હતું.

આજનો સુવિચાર
પગમાં થતી ઈજા સંભાળીને ચાલવાનું શીખવે છે, મનમાં લાગતી ઈજા સમજદારીથી જીવવાનું શીખવાડે છે...

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...