• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • DivyaBhaskar Morning Brief: Lights Off From 12 To 4 Am In Cities Suggestion Of Governor Acharya Devvrat, Controversy Over Akshay's Ram Setu

મોર્નિંગ ન્યૂઝ બ્રીફCWGમાં ભારતને ગોલ્ડ-સિલ્વર-બ્રોન્ઝ મેડલ:શહેરોમાં રાતે 12થી 4 વાગ્યા સુધી લાઈટ બંધ રાખવા આચાર્ય દેવવ્રતનું સૂચન, અક્ષયની રામસેતૂ પર વિવાદ

14 દિવસ પહેલા

નમસ્કાર,
આજે રવિવાર, તારીખ 31 જુલાઈ, શ્રાવણ સુદ ત્રીજ
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આવકવેરા રિટર્નની આજે છેલ્લી તારીખ, ITR ફાઈલ કરવા માટે ગણતરીના કલાકો જ બાકી
2) ઇંગ્લેન્ડના બર્મિંઘમમાં કૉમનવેલ્થ ગેમ્સમાં આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મહિલા ટી-20 મેચ રમાશે
3) રાજકોટમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 75 કવિઓનો 24 કલાકનો અખંડ કાવ્ય મહાકુંભ
4) MP પ્રકાશ જાવડેકર આજે ગાંધીનગરમાં શૈક્ષણિક અને અમદાવાદમાં ભાજપ આયોજીત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ઉપસ્થિત રહેશે
5) રાજકોટમાં વધતા કોરોનાના કેસને 25 જગ્યાએ વેક્સિન અપાશે, 18થી 59 વર્ષના લોકોને પ્રિકોશન ડોઝ પણ અપાશે
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ કહ્યું- ગુજરાતી-રાજસ્થાનીઓને કાઢી મૂકશો તો મહારાષ્ટ્રમાં પૈસો જ નહીં બચે; સંજય રાઉત લાલઘૂમ
મહારાષ્ટ્રમાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના નિવેદનથી વધુ એક વિવાદ ઊભો થયો છે. એક કાર્યક્રમમાં સંબોધન કરતાં રાજ્યપાલે એવું કહી દીધું હતું કે જો મુંબઈ-થાણેથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને કાઢી મૂકીશું તો તમારો અહીં કોઈ રૂપિયો નહીં બચે. આ જે આર્થિક પાટનગર છે એ પછી આર્થિક પાટનગર કહેવાશે જ નહીં. નિવેદન સામે ઉદ્ધવે કહ્યું કે રાજ્યપાલે મહારાષ્ટ્રમાં દરેક વસ્તુનો આનંદ લીધો છે. હવે સમય આવી ગયો છે કે તેઓ કોલ્હાપુરી ચંપલ પર જુએ. તો સંજય રાઉત આ નિવેદનથી લાલઘૂમ થયા હતા.
વાંચો સમાચાર વિગતવાર
2) રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સૂચન, શહેરોમાં રાત્રે 12થી 4 વાગ્યા સુધી મુખ્ય માર્ગોની લાઈટ બંધ રાખો, પૂનમે તો આખી રાત્રી બંધ રાખો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં વીજ બચાવ માટે કેટલાક સૂચન કર્યા હતા. જેમાં તેમણે કહ્યુ હતું કે, નગરો અને મહાનગરોમાં મધ્યરાત્રીના 12 વાગ્યા પછી પરોઢના ત્રણ કે ચાર વાગ્યા સુધી મુખ્ય માર્ગોની લાઇટ્સ બંધ કરવાથી પણ વીજળીની મોટી બચત થઈ શકે તેમ છે. મધ્યરાત્રીના આ કલાકોમાં નગરો અને મહાનગરોના મુખ્ય માર્ગો પર ઓછામાં ઓછી અવરજવર હોય છે. એટલું જ નહીં, પૂનમની રાત્રીએ પણ નગરો અને મહાનગરોમાં મુખ્ય માર્ગોની લાઈટ્સ બંધ રાખવાથી વીજળીની મોટી બચત થશે અને પર્યાવરણને લાભ થશે. આ દિશામાં વિચારવા તેમણે અનુરોધ કર્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર
3) ગુજરાતમાં 47% ગોળ ગંદો વેચાય છે! ફૂડ સેફ્ટી તપાસમાં થયો ઘટસ્ફોટ; રાજકોટના ગોળમાં 10% પણ શુદ્ધતા ના દેખાઈ
ગોળની તપાસ માટે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ પહેલીવાર દેશના દરેક રાજ્યના 249 જિલ્લામાંથી 3,060 નમૂના ભેગા કર્યા છે. પરિણામ ચોંકાવનારાં છે. ઘણાં રાજ્યોમાં વેચાતા ગોળમાં કેમિકલ જોવા મળ્યું છે. ઘણાં શહેર તો એવાં છે, જેમના નમૂના ફેલ સાબિત થયા છે. કુલ દેશનાં બજારોમાં 36% ગોળ ગુણવત્તા કરતાં ખરાબ નોંધાયો છે. ગુજરાતનો ગોળ પણ ગુણવત્તામાં 46.9% ખરાબ નોંધવામાં આવ્યો છે, જ્યારે સર્વે પ્રમાણે ગુજરાતના રાજકોટ શહેરના ગોળમાં તો 10% પણ શુદ્ધતા જોવા મળી નથી.
વાંચો સમાચાર વિગતવાર
4) દારૂ મુદ્દે જગદીશ ઠાકોરનો આક્ષેપ- દારૂના ધંધામાં 30 ટકા સંગઠન, 30 ટકા પોલીસ અને 40 ટકા બૂટલેગરનો હિસ્સો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને સૌરાષ્ટ્ર પ્રભારી રામકિશન ઓઝા કચ્છ બાદ મોરબીની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં યુવાનોની બેરોજગારી, નશાખોરી, લઠ્ઠાકાંડ અને લમ્પી વાયરસ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પત્રકાર પરિષદ યોજીને જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, દારૂના ધંધામાં પોલીસના 30 ટકા, સંગઠનના 30 ટકા અને 40 ટકા હિસ્સો બૂટલેગરને મળે છે. ક્યાં કોણ દારૂનો વેપલો કરશે તે પણ ભાજપ સંગઠન નક્કી કરે છે.
વાંચો સમાચાર વિગતવાર
5) સુબ્રહ્મણ્યમ સ્વામીએ કહ્યું, એક્ટર પર કેસ કરીશું; દેશમાંથી બહાર કરવાની માગણી કરીશું; અક્ષય કુમાર પર રામસેતુની ઇમેજ બગાડવાનો આક્ષેપ
અક્ષય કુમાર તથા 'રામસેતુ' હાલમાં ભાજપ નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીના નિશાન પર છે. તેમણે સો.મીડિયામાં બે પોસ્ટ શૅર કરીને ફિલ્મના મેકર્સ તથા અક્ષય કુમાર પર કોર્ટ કેસ કરવાની માહિતી આપી હતી. તેમનો આરોપ છે કે ફિલ્મમાં ઐતિહાસિક રામસેતુ અંગે ખોટાં તથ્યો બતાવવામાં આવ્યા છે. સ્વામીએ એમ પણ કહ્યું હતું કે અક્ષય કુમાર વિદેશી નાગરિક છે અને તેઓ તેને દેશમાંથી બહાર જવાનું પણ કહી શકે છે.
વાંચો સમાચાર વિગતવાર
6) લઠ્ઠાકાંડ વિશે એક શબ્દ બોલ્યા વિના ડ્રગ્સને આગળ ધરી ગૃહ રાજ્યમંત્રીએ વિપક્ષ પર આક્ષેપો કર્યા, વિપક્ષ પોલીસનું મોરલ ડાઉન કરે છે!
અમદાવાદની એચ.કે કોલેજમાં આજે e-FIRને લઈને કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા.તાજેતરમાં થયેલા લઠ્ઠાકાંડને લઈને નહીં પણ ડ્રગ્સને લઈને ગૃહ રાજ્યમંત્રી જાહેર સ્ટેજ પરથી વિપક્ષ પર આક્ષેપ કર્યા છે કે, ડ્રગ્સ મામલે વિપક્ષ રાજનીતિ કરીને પોલીસનું મોરલ ડાઉન કરે છે.
વાંચો સમાચાર વિગતવાર
7) આ દિલ્હીની નહીં ગુજરાતની સરકારી સ્કૂલ છે:ગામડાંમાં બનેલી આ હાઈટેક સ્કૂલમાં શહેર છોડીને ભણવા આવે છે ડોક્ટર, વકીલ, અધિકારીનાં સંતાનો
દિલ્હીની સ્કૂલને ટક્કર આપે એવી ગુજરાતમાં પણ સ્કૂલ છે. ગામડાંમાંથી મોટી ફી ભરી અભ્યાસ માટે બાળકો શહેર તરફ વળી રહ્યા છે, ત્યારે જામકંડોરણાના ખોબા જેવડા દૂધીવદર ગામમાં આ ટ્રેન્ડ ઊલટો છે, કારણ કે અહીં શહેરમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે. દૂધીવદરની સરકારી પ્રાથમિક સ્કૂલમાં છેલ્લાં ચાર વર્ષમાં ખાનગી સ્કૂલમાં અભ્યાસ છોડી 80 જેટલાં બાળકો આ સરકારી સ્માર્ટ સ્કૂલમાં અભ્યાસ માટે આવી રહ્યાં છે.
વાંચો સમાચાર વિગતવાર
8) અર્પિતા સાથે જોડાયેલી 8 કંપનીનાં બેંક ખાતાં ફ્રીઝ; EDની કસ્ટડીમાં પાર્થ ચેટર્જીનો ઘટસ્ફોટ, બોલ્યા- નેતાઓના કહેવાથી નોકરી આપી
પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસમાં લાગેલી EDને શનિવારે પૂર્વ શિક્ષણમંત્રી પાર્થ ચેટર્જીની નજીકની અર્પિતા મુખર્જીથી જોડાયેલી 8 કંપનીનાં બેંક ખાતાંને ફ્રીઝ કર્યા હતાં. 7મા દિવસે ચાલેલી પૂછપરછમાં પાર્થે કૌભાંડ વિશે ખુલાસો કરતાં કહ્યું હતું કે તેણે નેતાઓની કહેવાથી નોકરી આપી હતી.
વાંચો સમાચાર વિગતવાર
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) EDએ HALના ફંડની હેરાફેરીના મામલે 2.39 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી
2) આવતા અઠવાડિયે સોનિયા-મમતાની બેઠક, વેરવિખેર વિપક્ષને એક કરવા દીદીની પહેલ; એજન્ડામાં ED અને તપાસ એજન્સીઓના દુરુપયોગનો મામલો
3) કોમનવેલ્થ ગેમ્સનો બીજો દિવસે વેઇટલિફ્ટિંગમાં ભારતે જીત્યા 3 મેડલ, મીરાબાઈ ચાનુને ગોલ્ડ, સંકેતે સિલ્વર અને ગુરૂરાજા પુજારીએ બ્રોન્ઝ પોતાના નામે કર્યા
3) ગુજરાતમાં છેલ્લા સાત માસમાં ઘર છોડી ભાગેલા 487 બાળકોનું પરિવાર સાથે પુનઃમિલન થયું
4) શંકરસિંહે કોંગ્રેસમાં જોડાવા ફરી હવા તેજ કરી,‘કોંગ્રેસ દારૂબંધી હટાવવાની જાહેરાત કરે તો તેમાં જોડાઉં’
5) સુરતમાં સ્પાની આડમાં ચાલતો દેહ વેપારનો વ્યવસાય ઝડપાયો, સંચાલક સહિત બે મહિલાઓ પકડાઈ
6) વેરાવળના RFOએ મદદ કરવાના બહાને પરિણીતા પર દુષ્કર્મ આચર્યુ, ધાક ધમકી આપી શારીરિક શોષણ કરતો
7) કોરોના સાથે સ્વાઈન ફ્લુનો ખતરો, અમદાવાદની સોલા સિવિલમાં સ્વાઈન ફ્લુના એક દર્દીનું મોત, બીજો દર્દી બાયપેપ પર સારવાર હેઠળ
8) પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે રાજકોટમાં કહ્યું- 2024માં પણ ભાજપ 362 સીટ સાથે ફરી સત્તા પર આવશે

આજનો ઈતિહાસ
31 જુલાઈ, 1933નાં રોજ ગાંધીજીએ અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમ છોડી દીધો. ગાંધીજીએ અંગ્રેજ સરકાર વિરૂદ્ધ અનેક જન આંદોલનનું નેતૃત્વ કર્યું અને સાબરમતી આશ્રમ સત્યાગ્રહ અને દાંડી માર્ચ જેવા આંદોલનનું સાક્ષી રહ્યું.

આજનો સુવિચાર
ચમત્કારોની રાહ ના જુઓ, તમારું આખું જીવન જ ચમત્કાર છે. - આલ્બર્ટ આઈન્સ્ટાઈન
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...