મોર્નિંગ ન્યૂઝ બ્રીફગુજરાતમાં આજથી કૃષિક્ષેત્રે ડ્રોન ટેક્નોલોજી:કેજરીવાલે ગૂગલી ફેંકી- અમિત શાહ ગુજ.ના CM પદનો ચહેરો બનશે?, ચીને તાઈવાન પર 11 બેલિસ્ટિક મિસાઇલ છોડી

13 દિવસ પહેલા

નમસ્કાર,
આજે શુક્રવાર, તારીખ 5 ઓગસ્ટ, શ્રાવણ સુદ આઠમ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) ભાવ વધારો, બેરોજગારી અને GSTમાં વધારો સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે
2) ગાંધીનગર કૃષિક્ષેત્રે ડ્રોન ટેક્નોલોજી યોજનાનો ઈસનપુર મોટા ગામથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ
3) આજથી 2 દિવસ ગાંધીનગરમાં રાજ્યના કલેક્ટરોની આચાર સંહિતા, ચૂંટણી ખર્ચ, વનરેબલ બૂથ સહિતના મુદ્દે તાલીમ
4) મહારાષ્ટ્રની શિંદે-ફડણવીસ કેબિનેટનું વિસ્તરણ થશે, 5 ધારાસભ્યોને લોટરી લાગી શકે છે
5) RBIની નાણા નીતિની સમીક્ષા કરવા માટેની બેઠકનો આજે છેલ્લો દિવસ
6) આજથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે, રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) અમિત શાહ ગુજરાતના CM પદનો ચહેરો બનશે? કેજરીવાલે ચૂંટણી સમયે ટ્વીટ કરી ચૂંટલો ખણ્યો, ભાજપે કહ્યું-ટ્વીટનો જવાબ ના હોય
આપ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારી મામલે કોંગ્રેસ અને ભાજપ કરતાં આગળ ચાલી રહી છે. 10 ઉમેદવારોના નામ જાહેર કરી ચૂકી છે, ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપને ચૂંટલો ખણતા ટ્વીટ કર્યું કે, આપ ગુજરાતમાં ઝડપથી આગળ વધી રહી છે, ભાજપ હડબડાટમાં છે. શું ખરેખર આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાં અમિત શાહજીને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવા જઈ રહ્યો છે? ભૂપેન્દ્રભાઈ પટેલના કામથી ભાજપ પણ નારાજ છે?
વાંચો સમાચાર વિગતવાર
2) ચીનની તાઈવાનની વિરુદ્ધ મિલિટ્રી ડ્રીલ, તાઈવાનના સમુદ્રી તટ પાસે 11 બેલેસ્ટિક મિસાઈલ છોડી; 5 જાપાનની નજીક પડી
ચીન અને તાઈવાન વચ્ચેનો વિવાદ સતત વધી રહ્યો છે. અમેરિકાના સ્પીકર નેન્સી પેલોસી તાઈવાનથી પરત ફર્યા પછી ચીન એગ્રેસિવ બન્યું છે. ગુરુવારે ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી(PLA)એ તાઈવાનની આસપાસના 6 વિસ્તારમાં સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે.
વાંચો સમાચાર વિગતવાર
3) નેશનલ હેરાલ્ડ કેસ પર રાહુલ બોલ્યા- અમે નરેન્દ્ર મોદીથી ડરતા નથી, જે કરવું હોય તે કરી લો; પાત્રાનો જવાબ- ભાગવા નહીં દઈએ
નેશનલ હેરાલ્ડ કેસમાં EDની તપાસ દરમિયાન યંગ ઈન્ડિયાની ઓફિસને સીલ કર્યા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. રાહુલે કહ્યું હતું કે 'અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી ડરતા નથી. તેમને જે કરવુ હોય તે કરી લે. અમારુ કામ સંવિધાનની રક્ષા માટે લડવાનું છે, દેશના સન્માન માટે લડવાનું છે. આ યુધ્ધ ચાલુ રહેશે. હવે સત્યાગ્રહ નહિ, રણસંગ્રામ થશે'.
વાંચો સમાચાર વિગતવાર
4) અંકલેશ્વરમાં યુનિયન બેંકમાંથી ચાર બુકાનીધારી રૂ. 22.70 લાખ લૂંટી ભાગ્યા, પોલીસે પીછો કરતાં સામસામે ફાયરિંગ થયું, એક લૂંટારું ઘાયલ
અંકલેશ્વર શહેરના પિરામણ નાકા પાસે આવેલી યુનિયન બેંકમાં ભર બપોરના સમયે ત્રાટકેલા ચાર જેટલા અજાણ્યા ઈસમોએ બંદૂકની અણીએ બેંકમાંથી લૂંટ ચલાવી હતી. બેંકનો ગેટ બંધ કરી કર્મચારી અને ગ્રાહકોને બંધક બનાવી આ શખસોએ રૂ. 22.70 લાખની લૂંટ આચરી હતી. બેંકમાંથી લૂંટ કરી સુરત તરફ ભાગેલા લૂંટારુઓનો પોલીસે પીછો કર્યો હતો. જેમાં બંને વચ્ચે સામ સામે ફાયરિંગમાં ઘાયલ થયા બાદ એક લૂંટારુ પકડાઈ ગયો હતો. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં તેમજ અન્ય એક રહીશે પોતાના મોબાઈલમાં કેદ કરી હતી.
વાંચો સમાચાર વિગતવાર
5) સાબરકાંઠામાં કોઈ નવજાત શિશુને ખેતરમાં દાટી ગયું, હલતી જમીનને જોઈ મજૂરે બૂમાબૂમ કરી, ખોદ્યું તો જીવતી બાળકી નીકળી
સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ગાંભોઈમાં GEB પાસેના એક ખેતરમાંથી જમીનમાં દાટેલી નવજાત બાળકી મળી આવી હતી. આ નવજાત બાળકી જીવિત મળી આવતાં લોકોમાં આશ્ચર્યની સાથે કોઈ ચમત્કાર થયો હોવાની લાગણી ફેલાઈ છે. ઘટનાને પગલે 108 ઈમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી, બાદમાં માસૂમને હાલ હિંમતનગર સિવિલમાં સારવારાર્થે ખસેડાઈ છે.
વાંચો સમાચાર વિગતવાર
6) અદાણીએ CNGના ભાવમાં 1.49 રૂપિયાનો વધારો કર્યો, બે દિવસમાં 3.48નો વધારો થયો, નવો ભાવ આજથી લાગુ
ગુજરાતમાં ગેસની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના કાળ દરમિયાન વેપાર ધંધાને પડેલા ફટકા બાદ સામાન્ય વર્ગના લોકો માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે સીએનજી ગેસની કિંમતોમાં પણ સતત વધારો થઈ રહ્યો હોવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પેટ્રોલપંપ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે, અદાણી ગ્રુપ દ્વારા બીજી ઓગસ્ટે CNG ગેસમાં પ્રતિ કિલોએ 1.99 રૂપિયાનો વધારો જાહેર કર્યો હતો. ત્યારે બે જ દિવસમાં ફરીવાર 1.49 રૂપિયાનો વધારો કરીને મોંઘવારીમાં સામાન્ય માણસને વધુ એક ફટકો પડ્યો છે. ગુરૂવારથી સીએનજી ગેસનો નવો ભાવ લાગુ થયો છે. છેલ્લા બે જ દિવસમાં અદાણીએ રૂપિયા 3.48નો ભાવ વધારો કર્યો છે.
વાંચો સમાચાર વિગતવાર
7) ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ દીકરીના સંતાનોએ જંત્રીના 4.90 ટકાની સ્ટેમ્પ ડ્યુટીના બદલે 300 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે
હવે ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ વખતે દીકરીનાં સંતાનોને પણ જંત્રીના 4.90 ટકાની સ્ટેમ્પ ડ્યુટીના બદલે ફક્ત 300 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે.ગુજરાત સરકારે મહેસૂલી સેવાઓ વધુ સુલભ નિર્ણય લીધો છે. સરકારે મહેસૂલી નિયમોમાં નીતિવિષયક મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. ખેતીની જમીન જ્યારે સખાવતી હેતુસર કોઈ પણ સરકારી/અર્ધસરકારી/સ્થાનિક સ્વરાજની સંસ્થાને બિનઅવેજમાં ભેટ કરવામાં આવે ત્યારે પ્રવર્તમાન સ્ટેમ્પ ડ્યુટીના બદલે ફક્ત 1000 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી જ ભરવાની રહેશે. એટલે કે સ્ટેમ્પ ડ્યુટીનું અગાઉ પડતું ભારણ હવે રહેશે નહીં.
વાંચો સમાચાર વિગતવાર
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) મલ્લિકાર્જુન ખડગે યંગ ઈન્ડિયા ઓફિસ પહોંચ્યા, કહ્યું- EDએ મને પૂછપરછ માટે બોલાવ્યો
2) સૂર્યકુમાર ટી-20 રેન્કિંગમાં નંબર 2, નંબર વન પાકિસ્તાની બેટર બાબરથી માત્ર 2 પોઈન્ટ પાછળ
3) SCમાં મહારાષ્ટ્ર સંકટ પર સુનાવણી સોમવાર સુધી ટળી, સિબ્બલની અપીલ- મામલો બંધારણીય બેંચને ન મોકલો 4) લઠ્ઠાકાંડમાં મિથેનોલનો સપ્લાયર વોન્ટેડ, અનેક રહસ્ય AMOS કંપનીના માલિક સાથે ગાયબ; SIT 10 દિવસમાં ચાર્જશીટ પૂર્ણ કરશે
5) જામનગરની જીજી હોસ્પિટલમાં મંકીપોક્સનો એક શંકાસ્પદ કેસ નોંધાયો, સેમ્પલ અમદાવાદ મોકલાયા
6) વડોદરામાં ટ્યુશન ક્લાસના શિક્ષકે વિદ્યાર્થિનીને વોડકા પીવડાવી, દીકરી લથડીયા ખાતી ઘરે પહોંચતા પરિવાર ચોંક્યો
7) અમદાવાદ એરપોર્ટ પર ગો ફર્સ્ટની ફ્લાઇટને બર્ડ હિટ, 25 મિનિટ ફ્લાઇટ હવામાં રહી બાદમાં લેન્ડ કરાઈ

આજનો ઈતિહાસ
5 ઓગસ્ટ, 2011નાં રોજ નાસાના વૈજ્ઞાનિકોએ સાયન્સ પત્રિકામાં મંગળ ગ્રહ પર પાણી હોવાનો દાવો વ્યક્ત કર્યો હતો.

આજનો સુવિચાર
જીવન હંમેશા એક તક આપે છે, તેને ‘આજ’ કહેવાય છે.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...