મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ગુજરાત ATSએ મુન્દ્રા પોર્ટથી 376 કરોડનું હેરોઇન ઝડપ્યું, કેરળમાં RSSના કાર્યાલય પર બોમ્બ ફેંકાયો

3 મહિનો પહેલા

નમસ્કાર,

આજે બુધવાર, તારીખ 13 જુલાઈ, અષાઢ સુદ પૂનમ (ગુરૂ પૂર્ણિમા)

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 13 જિલ્લામાં રેડ એલર્ટ
2) ગુજરાતભરમાં આજે વિવિધ આશ્રમ અને ગુરૂકુળ ખાતે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી થશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ગુજરાત ATSએ 376 કરોડનું હેરોઇન ઝડપ્યું, આયાત કરેલા કાપડના રોલમાં વીંટીને છુપાવ્યો હતો જથ્થો, જાણો મોડસ ઓપરેન્ડી
કચ્છના મુન્દ્રા પોર્ટથી ગુજરાત ATSએ રૂ. 376 કરોડની કિંમતનું 75 કિલો હેરોઇનનો જથ્થો ઝડપ્યો છે. UAEના અજમલ ફ્રી ઝોનમાંથી આ કન્ટેઈનર મુન્દ્રા પોર્ટ પર આવ્યું હતું અને તેમાં રહેલું ડ્રગ્સ પંજાબ મોકલવાનું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. DIG દીપન ભદ્રનને પંજાબ પોલીસથી બાતમી મળી હતી કે, છેલ્લા દોઢ બે મહિનાથી મુન્દ્રા પોર્ટ ખાતે એક શંકાસ્પદ કન્ટેનર પડેલું છે અને તેમાં માદક પદાર્થનો જથ્થો હોવાની શક્યતા છે. આ કન્ટેનર દ્વારા મુન્દ્રાથી પંજાબમાં ડિલિવરી થવાની છે.
વાંચો સમાચાર વિગતવાર

2) ગુજરાતમાં વહીવટી તંત્ર સ્ટેન્ડ બાય, 28 હજારનું સ્થળાંતર, 15 સ્ટેટ હાઇવે પર વાહન વ્યવહાર બંધ, 105 ગામમાં અંધારપટ
સોમવારે ગુજરાતમાં વરસાદનું જોર પ્રમાણમાં ઘટ્યું હતું. જો કે, રાજ્યનું વહીવટી તંત્ર હજુ પણ સ્ટેન્ડ ટૂ છે.અત્યાર સુધી 28 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે. તો 15 સ્ટેટ હાઈવ પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે અને 105 ગામોમાં અંધારપટ છવાયો છે. મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ અંગે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠકકરી હતી. ત્યારબાદ મીડિયાને માહિતી આપી હતી.
વાંચો સમાચાર વિગતવાર

3) PMએ દેવઘરમાં બાબા વૈદ્યનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી; કહ્યું- અગાઉ શિલાન્યાસ થતા...પથ્થર લટકેલા રહેતા, અમે એવું થવા દેતા નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ઝારખંડની ધાર્મિક નગરી દેવઘર પહોંચ્યા હતા. તેમણે અહીં એરપોર્ટ અને એઈમ્સ સહિત સંખ્યાબંધ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ વડાપ્રધાને 10 કિલોમીટરનો રોડ શૉ કરી 12 જ્યોતિર્લિંગ પૈકી એક બાબા વૈદ્યનાથના દર્શન તથા પૂજન કર્યું હતું. બાબા ધામમાં તેમણે એક રેલીને સંબોધિત કરી હતી અને અગાઉની સરકારોની આકરી ટીકા કરી હતી.
વાંચો સમાચાર વિગતવાર

4) કેરળમાં RSSના કાર્યાલય પર બોમ્બ ફેંકાયો, સમગ્ર વિસ્તારમાં ખળભળાટ, પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહી છે
કેરળના કન્નુર જિલ્લાના પય્યાનુર ખાતે RSSના કાર્યાલય પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલો મંગળવારે સવારે કરાયો હતો, જેમાં બિલ્ડિંગના કાચ તૂટી ગયા હતા. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
વાંચો સમાચાર વિગતવાર

5) રાજકોટમાં જળસંકટને દૂર થશે; ભાદર 2નો 1, આજી 2ના 8 અને ન્યારી 2 ડેમના 6 દરવાજા ખોલાયા, લાલપરી ડેમ ઓવરફ્લો
રાજકોટ જિલ્લામાં મેઘરાજાએ જળસંકટ દૂર કર્યું હોય તેમ લાગે છે. ધોરાજી પાસેના ભાદર 2 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલાયો છે. પડધરી પાસેના આજી 2 ડેમના 8 દરવાજા બે ફૂટ સુધી તો ન્યારી 2 ડેમના 6 દરવાજા 3 ફૂટ સુધી ખોલાયા છે. રાજાશાહી વખતનો રાજકોટનો લાલપરી ડેમ ઓવરફ્લો થયો છે.
વાંચો સમાચાર વિગતવાર

6) અમેરિકા ભાગી જવાની તૈયારીમાં હતા રાષ્ટ્રપતિ રાજપક્ષેના ભાઈ, એરપોર્ટ સ્ટાફે પાછા કાઢ્યા
શ્રીલંકામાં ગોટબાયા રાજપક્ષેના ભાઈ બાસિલ રાજપક્ષે સોમવારે દેશ છોડીને અમેરિકા જવાની ફિરાકમાં હતા, જોકે એરપોર્ટ ઈમિગ્રેશન સ્ટાફના વિરોધ પછી તેમને પાછા ફરવાનો વારો આવ્યો હતો. એક તરફ, સામાન્ય માણસોને ખાવાનાં ફાંફા છે, ત્યારે બાસિલે અમેરિકા જવા માટે 1.13 લાખ શ્રીલંકન રૂપિયામાં બિઝનેસ ક્લાસની ચાર ટિકિટ બુક કરાવી હતી.
વાંચો સમાચાર વિગતવાર

7) રાજકોટમાં રેલનગર અન્ડરબ્રિજ અને પોપટપરાનું નાલુ પાણીમાં ગરકાવ, અનરાધાર વરસાદમાં પ્રજા ત્રસ્ત
ભારે વરસાદની આગાહી સાચી ઠરી હોય તેમ મંગળવાર બપોરના 12 વાગ્યા સુધીમાં રાજકોટમાં ધોધમાર 11 ઇંચ વરસાદ વરસ્યો હતો. અનરાધાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાયા હતા. જેને પગલે લોકો હેરાન-પરેશાન બની જાય છે. રેલનગર અન્ડરબ્રિજ અને પોપટપરના નાલામાં બન્યું છે. રાજકોટ મનપા પ્રિ-મોન્સૂનના નામે લાખો રૂપિયા ખર્ચે છે, પરંતુ વર્ષો જૂના પ્રશ્નનો ઉકેલ આવતો નથી.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) CM ભૂપેન્દ્ર પટેલે છોટાઉદેપુરના બોડેલી અને નવસારી જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું
2) ઓપરેશન લોટસ પાર્ટ-2માં કોંગ્રેસના ધારાસભ્યો પર નજર, ભાજપ હવે ગુજરાત-હિમાચલ, ઝારખંડમાં MLAને તોડવા માટે ખાસ ટીમ બનાવી
3) નર્મદા જિલ્લામાં 12 કલાકમાં 20 ઈંચ વરસાદ; કરજણ નદીમાં પૂરની સ્થિતિ, અનેક ગામો સંપર્ક વિહોણા
4) ગોધરામાં ઘરો પાણીમાં ડૂબતાં પરિવારો આખી રાત ભૂખ્યા-તરસ્યા બેસી રહ્યાં, ચારેકોર પાણી વચ્ચે માસૂમ ફસાઈ
5) અંજારમાં સાડા આઠ ઇંચ અને ભુજમાં 8 ઇંચ વરસાદ ખાબકતાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, ઘરોમાં પાણી ઘૂસ્યાં, સ્કૂલ-બસ ફસાઈ
6) જાંબુઘોડામાં 5 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબકતાં અનેક ગામોમાં પાણી ભરાયાં, જનજીવન અસ્તવ્યસ્ત
7) મધ્યપ્રદેશથી અમરેલી જતી મિની બસ પૂરમાં ફસાઈ, ફાયરબ્રિગેડે બસને દોરડાથી બાંધી 25 લોકોને બચાવ્યા
8) શિવસેના પ્રમુખ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં NDA ઉમેદવારનું સમર્થન કરશે; રાઉતે કહ્યું- મુર્મૂને સમર્થન, ભાજપને નહીં

આજનો ઈતિહાસ
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં વર્ષ 2011મા આજના દિવસે બોમ્બ વિસ્ફોટ થયા હતા, આ ઘટનામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

આજનો સુવિચાર
એવી વસ્તુ પર પોતાનો અધિકાર ન બતાવો, જેના માટે તમે પરસેવો પાડ્યો ન હોય કે સંઘર્ષ ન કર્યો હોય.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...