મોર્નિંગ ન્યૂઝ બ્રીફઆજે સ્વાગત કાર્યક્રમમાં CMને રજૂઆત કરી શકાશે:લઠ્ઠાકાંડમાં 30થી વધુના મોત બાદ 15 આરોપીની ધરપકડ, મધ્ય પ્રદેશ સહિત 5 રાજ્યમાં ભારે વરસાદની આગાહી

13 દિવસ પહેલા

નમસ્કાર,
આજે બુધવાર, તારીખ 27 જુલાઈ, અષાઢ વદ ચૌદસ
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે રાજ્ય સ્વાગત કાર્યક્રમ, સ્વર્ણિમ સંકુલ-2 ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકોની રજૂઆતો સાંભળશે
2) ગુજરાતમાં આજે ધોરણ 9થી 12ની પ્રથમ એકમ કસોટી, એક-એક કલાકના બે સેશન રહેશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) ચૂંટણીમાં ફ્રી ઓફર્સથી સુપ્રીમ કોર્ટ નાખુશ, કહ્યું- પોલિટિકલ પાર્ટીઓ લાલચ આપે છે; તેને રોકવા કેન્દ્ર સરકાર ઝડપથી કોઈ રસ્તો કાઢે
સુપ્રીમ કોર્ટે ચૂંટણી દરમિયાન મફત યોજનાઓ ઉપર પ્રતિબંધ મુકવાની વાત કરી છે. આ માટે કેન્દ્ર સરકારને આદેશ પણ આપવામાં આવ્યા છે કે તે ઝડપથી આ દિશામાં કોઈ રસ્તો શોધે. હવે આગામી 3 ઓગસ્ટના રોજ આ કેસમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. મતદાતાઓને આકર્ષવા આકર્ષવા માટે મફત યોજનાઓની જાહેરાત અંગે સુપ્રીમ કોર્ટે ગત 3 માર્ચે વાંધો ઉઠાવ્યો હતો અને ત્યારબાદ આ અંગે અરજદારે અરજી પરત ખેંચી લીધી હતી, અલબત મંગળવારે સર્વોચ્ચ અદાલતે આ પ્રકારના અન્ય એક પેન્ડિંગ કેસમાં સુનાવણી કરતા આ આદેશ આપ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર
2) રાજકોટમાં કેજરીવાલની GST પર સ્ટ્રાઇક:સરકારે વેપારીઓને ડરાવી રાખ્યા છે, હવે હવા પર GST વસૂલે તો નવાઈ નહીં!
રાજકોટમાં આપના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટાઉન હોલ ખાતે ચેમ્બર ઓફ કોમર્સ અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના 500થી વધુ હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. અહીં તેમણે GST પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સરકારે વેપારીઓને ડરાવી રાખ્યા છે. આ સરકારે દૂધ, દહીં, છાશ પર GST લગાવ્યો, હવે તો હવા પર પણ GST વસૂલે તો નવાઈ નહીં!
વાંચો સમાચાર વિગતવાર
3) સુરતમાં બાળકી પર રેપ-સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરી હત્યા કરનારને કોર્ટે ફાંસીની સજા ફટકારી, પથ્થરથી હત્યા કરી ખાડામાં દાટી દીધી હતી
સુરતના પુણામાં 3 વર્ષની બાળકીના બળાત્કાર-સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્ય બાદ માથામાં પત્થર મારી હત્યા કરી ખાડામાં દાટવાના કેસમાં આરોપી રામપ્રસાદ સિંહને કોર્ટે 20 જુલાઈના રોજ તકસીરવાર ઠેરવ્યો હતો. 26 જુલાઈએ આ કેસનો ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. જેમાં નરાધમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આરોપી સામે સમગ્ર કેસ મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ચલાવ્યો હતો. જેમાં 15થી વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા.
વાંચો સમાચાર વિગતવાર
4) ) લઠ્ઠાકાંડ 8 ગામના 36ને ભરખી ગયો, 15 આરોપીની ધરપકડ,પોલીસે કહ્યું, 'કેમિકલ સીધુ જ પાણીમાં નાખી પીવડાવાયું'
બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી 36 લોકોનાં મોત થયા છે. જેમાં બોટાદના 25 અને ધંધુકાના 11 વ્યક્તિના મોત થયા છે. 30 વધારે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ છે. જેમાં અમુકની હાલત ગંભીર છે. લઠ્ઠાકાંડના જયેશ નામના મુખ્ય આરોપીની પીપળજથી ધરપકડ કરાઈ હતી. આરોપીએ 600 લીટર કેમિકલ પૂરું પાડ્યું હતું. AMOS કેમિકલ કંપનીમાંથી મેથિનોલ લવાયું હતું. ATS,ક્રાઈમ બ્રાન્ચની ટીમ કંપની સુધી પહોંચી છે. એસપી કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, કેમિકલ સીધુ જ પાણીમાં નાખી પીવડાવાયું હતું'
વાંચો સમાચાર વિગતવાર
5) સંસદના ચોમાસું સત્રનો 7મો દિવસે ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાંથી વિપક્ષના 19 સાંસદ એક સપ્તાહ માટે સસ્પેન્ડ, તૃણમૂલના 7 MPનો સમાવેશ
સંસદમાં ચોમાસું સત્રનો મંગળવારે 7મો દિવસ હતો. વિપક્ષે GST અને મોંઘવારીના મુદ્દે ભારે હોબાળો કર્યો હતો. ત્યારબાદ રાજ્યસભામાંથી વિપક્ષના 19 સાંસદને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરાયા હતા. વિપક્ષે ભારે હોબાળો કરતા રાજ્યસભાની કાર્યવાહી પહેલા એક કલાક માટે અને ત્યારબાદ સંપૂર્ણ દિવસ માટે મોકૂફ રખાઈ હતી. બીજી બાજુ લોકસભાની કાર્યવાહી શરૂ થયા બાદ 2 વાગ્યા સુધી ગૃહની કાર્યવાહી મુલત્વી રાખવામાં આવી હતી.
વાંચો સમાચાર વિગતવાર
6) MP સહિત 5 રાજ્યોમાં ભારે વરસાદની આગાહીથી એલર્ટ, બિહારમાં વિજળી પડતાં 11નાં મોત, APમાં પૂરના કારણે 7 લોકોના મોત
દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. ઘણી જગ્યાઓ પર પૂરની સ્થિતિ ઊભી થઈ છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગલા 24 કલાકમાં ગોવા, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો કેરળ, કર્ણાટક, દિલ્લી અને હરિયાણામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર
7) બરોડા ડેરીની સભા તોફાની બની,પશુપાલકોનું શોષણ કરાતું હોવાના આક્ષેપ કરીને સભાસદોએ હોબાળો મચાવ્યો, સત્તાધારી અને વિરોધી જૂથ વચ્ચે ઝપાઝપી
વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની સૌથી મોટી બરોડા ડેરીની કેલનપુર દાદા ભગવાન મંદિર સ્થિત હોલ ખાતે મંગળવારે 65મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. વાર્ષિક હિસાબો સહિતના ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. દરમિયાન પ્રશ્નોત્તરી દરમિયાન જિલ્લાની વિવિધ મંડળીઓ દ્વારા પ્રશ્નો કરવામાં આવતા સભાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સભામાં ઉપસ્થિત વિરોધી જૂથ અને સત્તાધારી પક્ષનું જૂથ આમને-સામને આવી ગયું હતું. એક તબક્કે બંને જૂથ વચ્ચે ઝપાઝપી થઇ હતી. જોકે, પોલીસે બંને જૂથના લોકોને છૂટા પાડી મામલો શાંત પાડ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશન કૌભાંડમાં ફારુક અબ્દુલ્લા સામે EDની ચાર્જશીટ દાખલ કરવામાં આવી
2)PM મોદીથી લઈને રક્ષામંત્રી રાજનાથ સિંહે શહીદોને યાદ કર્યા, ત્રણેય સેનાના પ્રમુખોએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી
3) કેજરીવાલે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું, ભાવનગરમાં કહ્યું- ગાંધીના ગુજરાતમાં નશાબંધી છતાં બેફામ દારૂ વેચાય છે
4) નવસારીમાં વિરોધને લાઠીચાર્જથી ડામી બુલડોઝરથી મંદિર તોડાયું; સ્થાનિકોએ રામધૂન બોલાવી અને રાષ્ટ્રગીત ગાઈ વિરોધ કર્યો
5) ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ માટે રાહત, 6 મહિના માટે કોસ્ટલ શિપિંગને શિપ અને પોર્ટ ચાર્જમાંથી મુક્તિ
6) અમદાવાદમાં પાણીજન્ય રોગો વધ્યા, ઝાડા ઉલટીના 615, કમળાના 193 અને ટાઇફોઇડના 165 કેસ નોંધાયા
7) લઠ્ઠાકાંડ મામલે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ: ઈસુદાન ગઢવી

આજનો ઈતિહાસ
વર્ષ 1897માં અંગ્રેજો દ્વારા બાળ ગંગાધર તિલકને સૌ પ્રથમ વખત ધરપકડ કરવામાં આવી હતી

આજનો સુવિચાર
આજને શ્રેષ્ઠ બનાવો, કાલ આપોઆપ રોશન થશે.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...