મોર્નિંગ ન્યૂઝ બ્રીફદ્રૌપદી મુર્મુ દેશના 15મા રાષ્ટ્રપતિ બન્યાં:બોટાદમાં ઝેરી દારૂ પીવાથી 8નાં મોત, આજે કેજરીવાલનો રાજકોટમાં વેપારી સાથે સંવાદ

23 દિવસ પહેલા

નમસ્કાર,
આજે મંગળવાર, તારીખ 26 જુલાઈ, અષાઢ વદ તેરસ
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે દિલ્હીના મુખ્યમંત્રી આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ રાજકોટમાં વેપારીઓ સાથે સંવાદ કરશે
2) આજે ગુજરાતના સામાન્યથી ભારે વરસાદની આગાહી, રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે
3) રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં રામનાથ મંદિરના જીર્ણોધ્ધાર માટે રાજ્ય સરકારમાં ગ્રાન્ટ માગવાની દરખાસ્ત મૂકાશે
4) કોરોનાકાળમાં બંધ રહેલી આણંદ-ગોધરા વચ્ચે 2 મેમુ ટ્રેનો આજથી ફરી શરૂ થશે
5) આજે બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભા યોજાશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) દ્રૌપદી મુર્મુ દેશના 15મા રાષ્ટ્રપતિ બન્યા, કહ્યું- જનતાનું હિત મારા માટે સર્વોપરી છે, CJI રમન્નાએ શપથગ્રહણ કરાવ્યા
દ્રૌપદી મુર્મુ (64 વર્ષ) એ સોમવારે, 25 જુલાઈએ દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. તેઓ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ એન વી રમન્નાએ દ્રૌપદી મુર્મુને પદના શપથ લેવડાવ્યા હતા. તેમને 21 તોપોની સલામી આપવામાં આવી હતી.
વાંચો સમાચાર વિગતવાર
2) બોટાદના રોજિદમાં ઝેરી દેશી દારૂ પીતા 10થી વધુનાં મોત, 5થી વધુની હાલત ગંભીર; DySPની અધ્યક્ષતામાં SITની રચના; દારૂ બનાવનાર-વેચનારની ધરપકડ
બોટાદ જિલ્લામાં બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીતાં10થી વધુ લોકોનાં મોત તેમજ 5થી વધુ લોકોની હાલત ગંભીર થઈ હોવાની ચકચારી ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ એક્શનમાં આવી છે અને DySPની અધ્યક્ષતામાં SITની રચના કરાઈ છે. તપાસ બાદ સરકારને રિપોર્ટ સોંપાશે. કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવારાર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરાયા છે. તમામે નભોઈ ગામેથી દેશી દારૂ પીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. દારૂ બનાવનાર અને દારૂ વેચનારની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી.
વાંચો સમાચાર વિગતવાર
3) આફ્રિકામાં ગ્રોસરી શોપ ચલાવતા ભરૂચના બે સગા ભાઇઓ પર ફાયરિંગ, એકનું મોત, બીજાને હાથમાં ગોળી વાગી
ભરૂચ જિલ્લાના બે સગા ભાઈઓ ઉપર દક્ષિણ આફ્રિકાના ઝામ્બિયામાં ફાયરિંગ થયું હતું. ગોળીબારમાં ગ્રોસરી શોપ ચલાવતા ભરૂચના ટંકારિયાના બે સગા ભાઇઓ પૈકી એકનું મોત નીપજ્યું હતું. હુમલો લૂંટના ઇરાદે કરાયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે, હુમલાની ઘટનાના અહેવાલો બાદ ભરૂચ જિલ્લાના ટંકારિયામાં રહેતા યુવાનોના પરિવારમાં ગમગીની ફેલાઈ છે. ભરૂચ જિલ્લાના મોટી સંખ્યામાં યુવાનો આફ્રિકાના દેશોમાં રોજગારી માટે વસ્યા છે. જેમના પરિવારજનો તેમની સુરક્ષાને લઈ ચિંતિત છે.
વાંચો સમાચાર વિગતવાર
4) સરદાર સરોવર નર્મદા ડેમના ભૂગર્ભ જળ-વિદ્યુત મથકમાં દરરોજ સરેરાશ રૂા.40 લાખનું વિજ ઉત્પાદન, 20 મિલિયન યુનિટનું કાર્ય પ્રગતિ પર
છેલ્લા દસેક દિવસથી સરદાર સરોવર નર્મદા ડેમના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા દરરોજ સરેરાશ રૂ.40 લાખની કિંમતની 20 મિલિયન (લાખ) યુનિટનું વિજ ઉત્પાદન થઈ રહ્યું છે. વિજ ઉત્પાદન બાદ ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા દરરોજ આશરે સરેરાશ 45 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નદી બે કાંઠે વહેતી થઈ છે. કેનાલ હેડ પાવર હાઉસના 01 યુનિટ મારફત દરરોજ સરેરાશ રૂા.1 લાખની કિંમતનું 0.5 મિલિયન (લાખ) યુનિટનું વિજ ઉત્પાદન કરવામાં આવે છે.
વાંચો સમાચાર વિગતવાર
5) નીતિન ગડકરીએ કહ્યું- મન થાય છે કે રાજકારણ છોડી દઉં, 'ગાંધીના સમયમાં પોલિટિક્સ વિકાસ માટે થતી હતી, હવે તેનો હેતુ માત્ર સત્તા'
હાલની રાજકીય વ્યવસ્થાને લઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના મનની વાત જીભે આવી ગઈ છે. ગડકરીને હાલમાં જ એક કાર્યક્રમમાં કહ્યું કે, ક્યારેક-ક્યારેક મન થાય છે કે રાજકારણ છોડી દઉં. સમાજમાં બીજા પણ કામો છે, જે રાજનીતિ વગર પણ કરી શકાય છે. ગડકરીએ કહ્યું કે, મહાત્મા ગાંધીના સમયની રાજનીતિ અને આજની રાજનીતિમાં ઘણો જ બદલાવ જોવા મળી રહ્યો છે. બાપૂના સમયમાં રાજનીતિ દેશ, સમાજના વિકાસ માટે થતી હતી, પરંતુ હવે રાજનીતિ માત્ર સત્તા માટે થાય છે. તેમને કહ્યું કે આપણે સમજવું પડશે કે રાજનીતિનો શો હેતુ છે. શું તે સમાજ, દેશના કલ્યાણ માટે છે કે પછી સરકારમાં ટકી રહેવા માટે છે?
વાંચો સમાચાર વિગતવાર
6) સુરેન્દ્રનગરમાં બે જૂથ વચ્ચે ધીંગાણુ, સામસામે વાહનો અથડાવી એક બીજા પર તલવારો લઈ તૂટી પડ્યાં
સુરેન્દ્રનગરના 80 ફીટ રોડ ઉપર ભરબજારે બે જૂથો ઘાતક હથીયારો સાથે એક બીજા ઉપર તૂટી પડ્યા હતા. જાહેરમાં સામસામે વાહનો અથડાવીને તલવારો ઉલાળતા લોહિયાળ જંગ ખેલાયો હતો. આ મારામારીની ઘટનામાં ચાર ઈસમોને જીવલેણ ઇજાઓ પહોંચી હતી. જૂથ અથડામણનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને લઈ પોલીસ બેડામાં હડકંપ મચ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર
7) UP બસ અકસ્માતમાં 8ના મોત,પૂર્વાચલ એક્સપ્રેસ-વે પર ઉભેલી ડબલ ડેકર બસને બીજી બસે ટક્કર મારી, અડધા ભાગના ફુરચા
ઉત્તરપ્રદેશના બારાબંકીમાં સોમવારે સવારે મોટી દુર્ઘટનામાં પૂર્વાચલ એક્સપ્રેસ-વે પર ઉભેલી ડબલ ડેકર બસને બીજી બસે જોરદાર ટક્કર મારી હતી. 8 મુસાફરોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા અને 18 લોકો ઘાયલ થયા હતા. નરેન્દ્ર મદરહા ગામ પાસેની દુર્ઘટના એટલી જોરદાર હતી કે અડધી ડબલ ડેકર બસને નુકસાન પહોંચ્યું હતું. પોલીસ અને પ્રશાસનિક અધિકારી અકસ્માત પછી ઘટના સ્થળે પહોંચ્યા છે. ઈજાગ્રસ્તોને સીએચસી હૈદરગઢમાં દાખલ કરાવવામાં આવ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) લોકસભામાં પોસ્ટર લહેરાવવા પર કોંગ્રેસના 4 સાંસદ આખા સત્ર દરમિયાન સસ્પેન્ડ, ગૃહની કાર્યવાહી 26 જુલાઈ સુધી સ્થગિત
2) ભૂવનેશ્વર AIIMS પાર્થને દાખલ નહીં કરે, કહ્યું- તબિયત સ્થિર છે અને ડિસ્ચાર્જ કરવામાં આવશે; ધરપકડ બાદ મમતાના મંત્રીનું સ્વાસ્થ્ય કથળેલું
3) ગુજરાતમાં આ વર્ષે ગત વર્ષ કરતાં ડેમોમાં 18% વધુ પાણી,53 જળાશય હાઇએલર્ટ, નર્મદાની સપાટી 7 દિવસમાં 5 મીટર વધી
4) ‘અમદાવાદ ખાડે ગયું’ સ્માર્ટસિટી બન્યું ભૂવાનગરી, જ્યાં જુઓ ત્યાં 10થી 15 ફૂટના ખાડા જ ખાડા, અનેક જગ્યાએ રોડ ધોવાયા
5) સુરેન્દ્રનગર જિલ્લામાં ખાદી ઉધોગના નામે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર, ગળામાં બેનર લગાવી કામદારોનું નવતર વિરોધ પ્રદર્શન
6) ગુજરાતમાં લમ્પી વાઈરસથી 1 હજારથી વધુ પશુઓનાં મોત, સૌથી વધુ જામનગર અને કચ્છમાં અસર, પશુઘનના મોતથી પશુપાલકો ચિંતિત
7) અમરેલીના ખાંભાના નાની ધારીમાં ખેતમજૂરને ફાડી ખાધા બાદ વનવિભાગે 22 કલાકે સિંહ-સિંહણને પાંજરે પૂર્યા
8) રાજકોટમાં એક સપ્તાહમાં ત્રીજી સગીરા પીંખાઈ, થોરાળામાં ભાઈને મારી નાંખવાની ધમકી આપી પાડોશીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું
9) વડોદરામાં પાર્કિંગની બબાલમાં ત્રણ શખસોએ સોસાયટીમાં રહેતા દંપતીને પટ્ટાથી ફટકાર્યું, ઇંટ મારી બંનેના માથા ફોડી નાખ્યા

આજનો ઈતિહાસ
યુરોપના વૈજ્ઞાનિકોએ સૌરમંડળની બહાર વધુ એક નવા ગ્રહની શોધ કરી હતી

આજનો સુવિચાર
જેમણે વાંચનની ટેવ છે તે પોતાના જીવનમાં ક્યારેય એકલા નહીં પડી શકે.
મારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...