પાટીદારોની સળગતી સમસ્યા:ઘરેથી ભાગતી પાટીદાર દીકરીઓ અંગે દોઢ મહિના પહેલાં દિવ્ય ભાસ્કરે ચેતવ્યા હતા, દીકરીઓની વ્યથા પણ રજૂ કરી હતી

અમદાવાદ12 દિવસ પહેલા

રાજ્યમાં વધી રહેલા લવ-જેહાદના કિસ્સાઓ મુદ્દે પાટીદારોની સંસ્થા વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે પાટીદાર સમાજ જોગ સૂચક નિવેદન આપ્યું છે. આર.પી.પટેલે કહ્યું હતું કે પાટીદારની દીકરીઓને જેહાદીઓ ફોસલાવીને પ્રેમજાળમાં ફસાવી રહ્યા છે. સમાજના વડીલો ઝડપથી જાગી જાય, નહીંતર ખૂબ મોટી તકલીફ આવનારા સમયમાં પડવાની છે. જો સુરતના એક જ સરથાણા પોલીસ સ્ટેશનમાં પાટીદારની 300 દીકરીને જેહાદી પ્રવૃત્તિ કે પછી પ્રેમજાળમાં ફસાવી જવાની ફરિયાદ નોંધાઈ હોય તો સમગ્ર રાજ્યમાં શી સ્થિતિ હશે.

આ અંગે દિવ્યભાસ્કરે 18 જૂનના રોજ બિગ સ્ટોરી કરી હતી. જેમાં પાટીદાર દીકરીઓ ઘરેથી કેમ ભાગે છે, ઘરેથી ભાગીને લગ્ન કરવાની દીકરીઓની વૃત્તિના કારણો, માતા-પિતાની માનસિકતા અને સમાજના મોભીઓની ચિંતા પ્રસ્તુત કરવામાં આવી હતી. આમ દોઢ મહિના પહેલા જ દિવ્યભાસ્કરે પાટીદાર સમાજને ચેતવ્યો હતો.

ખાસ અહેવાલ: કેમ ઘરેથી ભાગે છે પાટીદાર દીકરીઓ?:દિવ્ય ભાસ્કરે જાણી ગૂંગળાતી દીકરીઓની વ્યથા, પીડાતા મા-બાપનું દર્દ, સમાજના વડીલોએ વ્યક્ત કરેલી ચિંતા!

આ અહેવાલના દોઢ મહિના બાદ વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે મુખ્યમંત્રીની હાજરીમાં જાસપુર ખાતે એક સમારંભમાં કહ્યું, દીકરીઓને જેહાદીઓ ફોસલાવીને પ્રેમજાળમાં ફસાવે છે, સમાજે ચેતવાની જરૂર છે.

દીકરીની સ્માર્ટફોનની જીદ સંતોષવી મોટી ભૂલ
હાલ ફેસબુક-યુટ્યુબ-ટ્વીટર-ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે સમાંતર જીંદગીનું સર્જન કર્યું છે. સ્વાભાવિક છે કે નાનીવયે સ્માર્ટફોન થકી આવા પ્લેટફોર્મ સુધી પહોંચ પ્રાપ્ત થઈ રહી છે. આ કારણે છોકરીઓ નાની ઉંમરે જ ફેસબુક-ઈન્સ્ટા પર એક્ટિવ થઈ જાય છે અને પછી શરુ થાય છે દેખાદેખી. દિવ્ય ભાસ્કર સમક્ષ કેટલાય મા-બાપે નાની ઉંમરે દીકરીની સ્માર્ટફોનની જીદને સંતોષવી મોટી ભૂલ હોવાનું સ્વીકાર્યું છે. કાચી વયે સોશિયલ મીડિયાનું એક્સપોઝર મળે એટલે દીકરીઓના મનમાં ખોટા વિચારો આવવા માંડે છે જે અંતે તેને ગમેતે પાત્ર સાથે પરણવા ઘરેથી ભાગી જવા પ્રેરે છે.

મા-બાપ સંતાનોને પોતાની પ્રોપર્ટી ના સમજેઃ દીકરીઓ
બીજી તરફ દીકરીઓએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, પુખ્ત વય થયા બાદ દરેક પોતાની મરજી પ્રમાણે લગ્ન કરવા સક્ષમ છે. કાયદેસર રીતે પોતાની મરજી પ્રમાણે લગ્ન કરવા એ કંઈ ખોટું નથી. મા-બાપ પોતાની સંતાનોને મોટા કરે છે તે સાચું પણ સંતાનો એ કાંઈ તેમની પ્રોપર્ટી નથી. પોતે જે મજબૂરીઓ સાથે જીવ્યા તે મજબૂરીઓ સાથે સંતાનો પણ જીવે તેવું શા માટે મા-બાપ ઈચ્છે છે? આવો પણ પ્રશ્ન કેટલીક યુવતીઓએ કર્યો હતો. જો કે, અમુકે આવા ઉતાવળિયા નિર્ણય લીધા બાદ જીવનમાં કોઈ યુ-ટર્ન ન હોવા બાબતે અફસોસ પણ વ્યક્ત કર્યો હતો.

દીકરીઓ ભાગી જાય તે દરેક સમાજનો મોટો પ્રશ્નઃ પાટીદાર અગ્રણીઓ
છોકરીઓ ભાગીને લગ્ન કરે છે તે અત્યારે પાટીદાર જ નહીં. પરંતુ દરેક સમાજની મોટી સમસ્યા હોવાનું અગ્રણીઓએ સ્વીકાર્યું હતું. તેમણે કહ્યું હતું કે, સંતાનો પોતાની વાત પરિવારના સભ્યોને ખુલ્લીને કહી શકે તેવું વાતાવરણ ઉભું કરવાની જરૂર છે. માત્ર દીકરીઓ અને તેના પરિવારને દોષી ન ઠેરવી પરંતુ સ્વીકારની ભાવના ઉભી કરવાની તાતી જરૂરીયાત છે. જે સંતાનને નાનપણથી ઉછેરીને મોટી કરી તે અચાનક ઘર છોડી દે તો પરિવાર માથે આભ તૂટી પડે છે. ગમતા છોકરા સાથે આવી દીકરીઓ ભાગીને લગ્ન કરી લે ત્યારે પરિવાર પર અસહ્ય દુઃખ આવી પડતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...