સ્કૂલ તૈયાર,વાલીઓ મૂંઝવણમાં:ધોરણ 1થી 5ના વર્ગ શરૂ કરવાના નિર્ણયને સંચાલકોએ આવકાર્યો, વાલીઓએ કહ્યું, 'સ્કૂલની વ્યવસ્થા જોઈને બાળકોને મોકલવા તૈયાર'

અમદાવાદ16 દિવસ પહેલા
સ્કૂલ સંચાલક ભાસ્કર પટેલ અને વાલી જીગ્નેશભાઈ
  • દિવ્યભાસ્કરે શાળા સંચાલકો તેમજ વાલી સાથે ખાસ વાતચીત કરી હતી
  • શિક્ષણ મંત્રીના નિર્ણયને સ્કૂલ સંચાલકોએ આવકાર્યો છે

કોરોનાને કારણે સ્કૂલો સંપૂર્ણ ઓનલાઇન કરવામાં આવી હતી. જે બાદ ધોરણ 6થી 12ના વર્ગ તબક્કાવાર શરૂ કરવામાં આવ્યાં અને ધોરણ 1થી 5ના વર્ગ બંધ હતા. જોકે આજે શિક્ષણમંત્રીએ જાહેરાત કરી છે કે, આવતી કાલથી ધોરણ 1થી 5ના વર્ગો પણ શરૂ થશે. આ વિશે દિવ્યભાસ્કરે શાળા સંચાલકો તેમજ વાલી સાથે ખાસ વાતચીત કરી હતી. જેમા શિક્ષણ મંત્રીના નિર્ણયને સ્કૂલ સંચાલકોએ આવકાર્યો છે, જ્યારે વાલીઓએ કહ્યું, 'અમે બાળકોને સ્કૂલે મોકલીશું પરંતુ તે પહેલા અમે પરિસ્થિતિ જોઈશું'.

ધોરણ 1થી 5ના વર્ગમાં ઓનલાઇન વિકલ્પ પણ આપીશું: શાળા સંચાલક
સ્કૂલ સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, સરકારના નિર્ણયને અમે આવકારીએ છીએ. ધોરણ 1થી 5ના વર્ગ શરૂ કરવા અમે તૈયારી કરીશું, બાળકોની પુરી કાળજી રાખીશું પરંતું હવે ધોરણ 6થી 12ના વર્ગ ઓનલાઇન ચાલી રહ્યા છે તે બંધ કરવા માટે અમારી સરકારને અપીલ છે. વર્ગમાં ખૂબ ઓછા વિદ્યાર્થીઓ હાજરી આપતા હોય છે જેથી ઓફલાઇન જ ફરજિયાત કરવામાં આવે તેવી અમારી માંગણી છે. ધોરણ 1થી 5ના વર્ગમાં ઓનલાઇન વિકલ્પ આપીશું અને તેનું પાલન પણ કરીશું.

અલકેશ પટેલ, સ્કૂલ સંચાલક
અલકેશ પટેલ, સ્કૂલ સંચાલક

દોઢ વર્ષ કરતા વધુ સમયથી બાળકો સ્કૂલે આવ્યા નથી: શાળા સંચાલક
સ્કૂલ સંચાલક અલકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકારનો નિર્ણય અવકર દાયક છે. સરકારના તમામ નિયમો સાથે ધોરણ 1થી 5ના વર્ગ શરૂ કરીશું અને બાળકોને ભણાવીશું. દોઢ વર્ષ કરતા વધુ સમયથી બાળકો સ્કૂલે આવ્યા નથી. જેથી તેમની માનસિક પરિસ્થિતિ સમજીને તે પ્રમાણે અભ્યાસ કરવા પ્રયત્ન કરીશું. અત્યારે સ્કૂલો શરૂ કરવા હવે તૈયારી કરીશું. વર્ગમાં બાળકો તમામ નિયમોનું પાલન કરે તેની કાળજી રાખીશું.

બાળકોને સ્કૂલે મોકલીશું પણ પહેલા સ્કૂલની વ્યવસ્થા જોઈશું:વાલી
જીગ્નેશભાઈ નામના વાલીએ જણાવ્યું હતું કે, બાળકો દોઢ વર્ષથી ઘરે બેઠા જ ભણી રહ્યા છે, જેથી સ્કૂલો શરૂ થતાં અમે સ્કૂલે મોકલવા તૈયાર છીએ પરંતુ સ્કૂલ તરફથી કઈ વ્યવસ્થા કરવામાં આવે છે તેનો પણ અમે અભ્યાસ કરીશું અને બાળકોને માસ્ક તથા સેનિટાઇઝર સાથે સ્કૂલે મોકલીશું અને તેના ઉપયોગ અંગે સમજાવીશું.

અજયભાઈ,વાલી
અજયભાઈ,વાલી

સ્કૂલ તરફથી કઈ તકેદારી રાખવામાં આવશે તેનો અભ્યાસ કરીશું: વાલી
અજયભાઈ નામના વાલીએ જણાવ્યું હતું કે, સ્કૂલો તો શરૂ થઈ છે પરંતુ અત્યારે જે કેસ વધી રહ્યાં છે તે પરિસ્થિતિ જોઈને બાળકને સ્કૂલે મોકલીશું. સ્કૂલ તરફથી કઈ કઈ તકેદારી રાખવામાં આવશે તેનો અભ્યાસ કરીશું અને બાદમાં યોગ્ય લાગે તો જ બાળકોને સ્કૂલે મોકલીશું નહીં તો ઓનલાઇન અભ્યાસ ચાલુ રાખવીશું.

વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ
વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ

સ્કૂલો ચાલુ કર્યા બાદ બાળકની જવાબદારી શિક્ષણ મંત્રીની રહેશે: વાલી મંડળ
ધોરણ 1થી 5ના વર્ગ ઓફલાઇન શરૂ કરવાના નિર્ણયનો ઓલ ગુજરાત વાલી મંડળે વિરોધ કર્યો છે. વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, હજુ 12 વર્ષથી નીચેની વયના બાળકો માટે રસી શોધાઈ નથી તો બાળકોને હમણાં સ્કૂલે ના મોકલવા જોઈએ. બાળકોને કઈ થશે તો તેની જવાબદારી શિક્ષણમંત્રી જીતુવાઘણીની રહેશે. ઉપરાંત કોર્ષ ઘટાડા અને ફી માફી અંગે પણ નિર્ણય કરવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...