ભાસ્કર RTI:દિવ્ય ભાસ્કરે RTIમાં પૂછ્યું- સી પ્લેન ક્યારે ઊડશે?; સરકારે જવાબ આપ્યો - અમને ખબર નથી!

અમદાવાદ10 દિવસ પહેલાલેખક: ઝુલ્ફીકાર તુંવર
  • કૉપી લિંક
  • 5 મહિના જ ચાલેલું સી-પ્લેન 80 દિવસ કાર્યરત રહ્યું, 2192 લોકોએ લાભ લીધો
  • દેશમાં એકલા ગુજરાતમાં બે વોટર એરોડ્રામ કાર્યરત પણ પ્લેન નથી!
  • નાગરિક ઉડ્ડયન વિભાગનો જવાબ, સી પ્લેન સેવા ક્યારે શરૂ થશે એ સંભાવના વિશે કોઈ માહિતી રેકર્ડ પર નથી
  • 7.7 કરોડ રૂપિયાના ખર્ચે શરૂ થયેલા સી-પ્લેનમાં અત્યાર સુધી 2,192 પ્રવાસીઓ જ બેઠા

એ દિવસે સરદાર જ્યંતી હતી. 31મી ઓક્ટોબર, 2020. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં પહેલીવાર સી-પ્લેનમાં બેસી કેવડિયા સ્થિતિ સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સુધી મુસાફરી કરી નવીન સેવાનો આરંભ કરાવ્યો હતો. અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને ત્યાંથી અમદાવાદ એમ બે રૂટ પર રોજની બે હવાઇ સેવાઓ શરૂ કરવામાં આવી હતી. સ્પાઇસ જેટ દ્વારા રૂ. 1500નું ભાડું લેવામાં આવતું હતું. 19 મુસાફરો એકસાથે મુસાફરી કરી શકતા હતા. લોકોને પણ એક નવી બાબતનો ઉત્સાહ હતો પણ તે લાંબો ચાલ્યો નહીં અને હવે ફરી સી-પ્લેન સેવા ક્યારે શરૂ થશે એ બાબતે પ્રશ્નાર્થ મુકાયો છે.

દિવ્ય ભાસ્કર’ દ્વારા કરાયેલી RTI અરજીના જવાબમાં નાગરિક ઉડ્ડયન વિભાગના નિયામક દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે, સાબરમતીથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીની સી-પ્લેન સેવાઓ ફરી ક્યારે શરૂ થઇ શકે છે એ સંભાવના અંગેની કોઇ માહિતી રેકર્ડ પર ઉપલબ્ધ નથી. RTIના જવાબમાં માહિતી આપવામાં આવી છે કે, 31, ઓક્ટોબર 2020ના રોજ સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી. આજ તારીખ સુધી સી-પ્લેન સેવા કુલ 80 દિવસ ઓપરેશનલ રહી હતી અને કુલ 2192 લોકોએ સી-પ્લેનમાં મુસાફરી કરી હતી.

ઉડાન યોજના હેઠળ 14 વોટર એરોડ્રામને મંજૂરી અપાઈ હતી
તાજેતરમાં સંસદમાં નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું હતું કે, ઉડાન યોજના હેઠળ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કુલ રૂ.287 કરોડના ખર્ચે કુલ 14 વોટર એરોડ્રામને મંજૂરી આપવામાં આવી છે. આ 14 વોટર એરોડ્રામ સી-પ્લેન સેવા દ્વારા 28 રૂટને આવરી લેવામાં આવશે. જેમાં ગુજરાતમાં કુલ 3 એરોડ્રામ હતા. જેમાંથી સાબરમતી નદી અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વોટર એરોડ્રામ છે.

સી-પ્લેન સેવા, ઊડતી નજરે

શરૂ થયા તારીખ

31 ઓક્ટોબર, 2020

બંધ થયા તારીખ10 એપ્રિલ, 2021

એ દરમિયાન બંધ સેવા

46 દિવસ

કુલ ઓપરેશનલ દિવસ

80 દિવસ
કુલ મુસાફરો2192
કુલ ખર્ચ7.7 કરોડ

(આરટીઆઇ અને વિધાનસભા પ્રશ્નોત્તરીને આધારે)

નવા પ્લેન ખરીદવા કેન્દ્ર પાસે 120 કરોડ માંગ્યા હતા
રાજ્યની તત્કાલીન વિજય રૂપાણી સરકાર દ્વારા કેન્દ્ર સરકારને પત્ર લખીને ગુજરાતમાં સી-પ્લેન ખરીદવા 120 કરોડ રૂપિયાની માગણી કરી હતી, લોકો માટે 1 નવેમ્બર,2020થી સી પ્લેનનું સત્તાવાર સંચાલન શરૂ કરાયું હતું. જો કે સંચાલન શરૂ થયા બાદ પ્રથમ સપ્તાહમાં જ મેઇન્ટેનન્સ માટે બે દિવસ માટે ફ્લાઈટ ગ્રાઉન્ડેડ કરી દેવાઇ હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ સી-પ્લેન પાણીમાં સતત ઉડાન ભરતું હોવાથી દર સપ્તાહે તેનું પ્રાથમિક મેઇન્ટેનન્સ જરૂરી છે. જ્યારે મહિનામાં એકવાર સંપૂર્ણ એરક્રાફ્ટનું મેઇન્ટેનન્સ કરવાનું હોય છે. જેના માટે આ એરક્રાફ્ટ માલદીવ મોકલવામાં આવે છે.

ગુજરાતના બજેટમાં 6 કરોડની જોગવાઇ
ગુજરાત સરકારના વર્ષ 2022-23ના બજેટમાં નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા અન્ય વોટર એરોડ્રામ માટે શક્યતાદર્શી અહેવાલ અને વીજીએફ (વોયેબિલિટી ગેપ ફંડિંગ)ની ચુકવણી માટે રૂ. 6 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. વર્ષ 2021-22માં પણ સી-પ્લેનની સેવાઓ માટે રૂ. 6 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...