ફેમિલી કોર્ટમાં ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં વિદેશ જતા રહેતા પતિ-પત્નીના દર વર્ષે 250થી વધુ કેસમાં વીડિયો કોન્ફરન્સથી કાનૂની કાર્યવાહી હાથ ધરાય છે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 3 કે 4 મુદતમાં છૂટાછેડાના કેસોનો ઝડપી નિકાલ થાય છે. ફેમિલી કોર્ટમાં આવેલી 4 કોર્ટમાં દર સપ્તાહે અંદાજે 20થી 30 કેસમાં વીડિયો કોન્ફરન્સથી સુનાવણી હાથ ધરાય છે.ફેમિલી કોર્ટના પ્રમુખ હરનિશ રાવે જણાવ્યું કે, તેમની પાસે વિદેશમાં રહેતા લોકોના છૂટાછેડા માટેના અનેક કેસ આવે છે. અત્યાર સુધીમાં તેમણે સ્પેન, કેનેડા, લંડન, જર્મની અને અમેરિકામાં રહેતા લોકોના વીડિયો કોન્ફરન્સથી છૂટાછેડા કરાવ્યા છે.
વધુમાં તેમણે કહ્યું કે, વિદેશ ગયેલા પુરુષ કે સ્ત્રીના છૂટાછેડાના કેસોનું પ્રમાણ વધ્યું છે. ઘણા કેસોમાં યુવક અથવા યુવતી વિદેશથી લગ્ન કરવા માટે અમદાવાદ આવે છે. અને એ લોકો મેરેજ બ્યુરોમાં લગ્ન કરી મેરેજ રજિસ્ટ્રેશન કરાવે છે. ત્યારબાદ યુવક અથવા યુવતી લગ્ન કરીને વિદેશ જતાં રહે છે. જેમાં મોટાભાગના કેસમાં પતિ-પત્ની વચ્ચે મોબાઈલ પર વાતચીત કરતા હોય એ દરમિયાન કોઈ સમસ્યા ઉભી થાય ત્યારે વાત છૂટાછેડા પર આવી જાય છે.
એડવોકેટ સંદીપ ક્રિષ્ટીએ જણાવ્યું કે, યુએસમાં રહેતી યુવતીના છૂટાછેડા કરાવેલા છે. તેમજ ઈઝરાયલ અને જર્મનીમાં રહેતી યુવતીઓના ડાયવોર્સ એક્ટ 10 (એ) હેઠળ કરાવ્યા છે. વિદેશમાં પતિ કે પત્ની રહેતા હોય તે લોકો છૂટાછેડાના કેસમાં કોર્ટમાં હાજર રહી શકતા નથી.
આથી આ લોકો છૂટાછેડાની અરજી દાખલ કરવા, સોગંદનામું તથા અન્ય જરૂરી દસ્તાવેજી પુરાવા રજૂ કરવા પરિવારના સભ્યો અથવા મિત્રોને પાવર ઓફ એટર્ની આપતા હોય છે. જયારે કોર્ટમાં વીડિયો કોન્ફરન્સથી સુનાવણી હાથ ધરાય ત્યારે પાવર ઓફ એટર્ની અંગેની જુબાની લેવાય છે. સર તપાસનું સોગંદનામું વિદેશથી આવેલ હોય તે કોર્ટમાં પાવર એટર્ની હોલ્ડર કોર્ટમાં રજૂ કરે છે.
હુકમનામું ના મળ્યું હોય તે કેસમાં પાસપોર્ટમાં નામ સુધરતું નથી
પતિ-પત્નીના ઝઘડાના કારણે તેમણે સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઇઝ કરી છૂટાછેડા લઈ લીધા હોય પરંતુ ફેમિલી કોર્ટમાંથી હુકમનામું ના મેળવ્યું હોય તેવા કેસોમાં પાસપોર્ટમાં નામ સુધરતું નથી. તેમજ વિઝા વખતે પણ વિઝા ઓફિસર સક્ષમ કોર્ટના હુકમનામુ (ડિક્રી) માગતા હોય છે. આથી વિદેશ જવા માગતા યુવક કે યુવતી વિદેશમાં રહેતા પૂર્વ પતિ કે પત્ની વિરુદ્ધ ફેમિલી કોર્ટમાં કેસ કરે છે. જેમાં બન્ને જણાની સંમતિથી કોર્ટ વીડિયો કોન્ફરન્સથી છૂટાછેડાની કાર્યવાહી કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.