કોરોના ઇફેક્ટ:જિલ્લા પંચાયતનું આગામી વર્ષનું 50 કરોડનું બજેટ બહુમતીના જોરે મંજૂર, માંડલ ખાતે શનિવારે મળેલી સામાન્ય સભામાં

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની નબળી કામગીરી અને ગ્રાન્ટમાં વધારો કરવાના મુદ્દે ભારે હોબાળો

કોરોનાની મહામારી અમદાવાદ જિલ્લા પંચાયતની બજેટ અંગેની સામાન્ય સભામાં શનિવારે માંડલ ખાતે મળી હતી. સભામાં આગામી વર્ષનું રૂપિયા  50.20 કરોડનું બજેટ ભાજપ દ્વારા બહુમતીના જોરે મંજુર કરવામાં આવ્યું હતું. સામાન્ય સભામાં કોરોનાની નબળી કામગીરી બજેટ અંગેની ચર્ચા અને સામાજિક ન્યાય સમિતિમાં તાજેતરમાં ચૂંટાયેલા આદિવાસી સમાજના સભ્યને સમાવવા તેમજ સભ્યોની ગ્રાન્ટમાં વધારો કરવા ભારે હોબાળો થયો હતો.

અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્ર સિંહ ચૌહાણે કહ્યું કે, વર્ષ માટે ૫૦.૨૦ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. ગત વર્ષે 41.5 કરોડનું બજેટ હતું. જીલ્લામાં વિકાસના કામો સારી રીતે થાય તે માટે પ્રમુખ, ઉપપ્રમુખ. કારોબારી સમિતિના ચેરમેન અને ડીડીઓની ગ્રાન્ટમાં 25 લાખનો વધારો કરવામાં આવ્યો છે. કોરોનાની સામે  ચાલતી આરોગ્યની કામગીરી સામે સભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો. સભ્યોની રજૂઆત હતી કે, આરોગ્ય વિભાગના અધિકારીઓ તાલુકામાં જાય ત્યારે જિલ્લા સદસ્યોને જાણ કરતા નથી અને સાથે પણ રાખતા નથી. સેનેટાઈઝેસનની કામગીરી સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. જેથી હવે પછી સારી રીતે કામગીરી થાય તેની પૂરતી કાળજી રાખવા આરોગ્ય વિભાગને સૂચના અપાઇ છે. સામાજિક ન્યાય સમિતિમાં કોંગ્રેસના બે સભ્ય છે. આ બન્નેમાંથી એક રાજીનામું આપે તો અમે કોંગ્રેસના આદિવાસી સભ્ય બાબુ પઢારને સમાવવાની ખાતરી આપી છે.

વિપક્ષના નેતા અમરસિંહ સોલંકીએ કહ્યું કે, સામાન્ય સભામાં  શિક્ષણ સમિતિના કામોને બહાલી આપવામાં આવી છે. જ્યારે બાંધકામ અને સિંચાઇના કામોમાં વિવિધ તાલુકા વચ્ચે પૂરતું બેલેન્સ રાખવામાં આવ્યું નહીં હોવાથી કામો મંજૂર કરવામાં આવ્યા નથી. સત્તાપક્ષ દ્વારા બહુમતીના જોરે કામો મંજૂર કરાયા છે. સામાજિક ન્યાય સમિતિમાં નિયમ મુજબ આદિવાસી સભ્યને સમાવવા જોઈએ. જેથી કોંગ્રેસના તાજેતરમાં વિજય થયેલા સભ્ય બાબુ પઢારને સમાવવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી. પરંતુ અમારી રજૂઆતને માન્ય કરી ન હતી.

વિપક્ષ નેતાએ કરેલી અન્ય કેટલીક રજૂઆતોમાં પ્રાથમિક શાળામાં બાળકો માટે રમત ગમત સંકુલ બનાવવા ભાર મૂક્યો હતો.  જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી અનાજ ની કીટ બનાવી ગરીબ અને મધ્યમવર્ગને આપવા તેમજ સ્કૂલો શરૂ થાય ત્યારે પ્રાથમિક શાળામાં માસ્ક અને સેનેટાઈઝ આપવા બેઠકમાં માંગ કરી હતી. તેમણે કહ્યું કે, આગામી વર્ષના બજેટમાં હોદ્દેદારોએ તેમની ગ્રાંટમાં  વધારો કર્યો હતો.  જેમાં પ્રમુખે ૭૫ લાખની ગ્રાન્ટમાં વધારો કરી એક કરોડ, ઉપપ્રમુખે 25 લાખની ગ્રાન્ટમાં વધારો કરી 50 લાખ, કારોબારી ચેરમેને 25 લાખની ગ્રાન્ટ માં વધારો કરી 50 લાખ અને ડીડીઓએ પણ વધારો કરી એક કરોડની ગ્રાન્ટ કરી છે.

આ બિનજરૂરી વધારાના લીધે કોંગ્રેસના સભ્યોએ ભારે હોબાળો કર્યો હતો અને જિલ્લા પંચાયતના સભ્યોની ગ્રાન્ટ વધારવા સભામાં પ્રમુખ અને ડીડીઓનો વિરોધ કરી સભાની કામગીરી અટકાવી દેવાઈ હતી. કોંગ્રેસના વિરોધના પગલે સત્તાપક્ષ ભાજપે જિલ્લા પંચાયતના તમામ 34 સભ્યોની ગ્રાન્ટ માં પાંચ લાખનો વધારો કર્યો હતો. એટલે કે વર્ષ 20-21 માટે જિલ્લા પંચાયતના એક સભ્યની ગ્રાન્ટ પાંચ લાખથી વધારી 10 લાખ કરવામાં આવી છે. કોંગ્રેસના સભ્ય મનીષ મકવાણાએ કહ્યું કે, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓમાં પડતર ગ્રાન્ટ અંગે પણ ઉગ્ર ચર્ચા થઈ હતી. સત્તા પક્ષ ભાજપની બેદરકારીને કારણે આરોગ્ય સમિતિમાં પણ ગ્રાન્ટ પડી રહી છે.

આ સમિતિની ગ્રાન્ટ નો બાંધકામના કામોમાં ઉપયોગ કરાયો હોવાના મુદ્દે અગાઉ ડીડીઓ સુધી રજૂઆત કરાઈ છે. પરંતુ હજી સુધી કોઇ પગલાં ભરાયા નથી. હોદ્દેદારોના વિવિધ કામો જિલ્લા પંચાયતની સમિતિઓમાં સમાવી લેવાય છે. જેથી હોદ્દેદારોની ગ્રાન્ટમાં 25 લાખ સુધીની રકમ વધારવાનો નિર્ણય તદ્દન ગેરવ્યાજબી છે. આ ગ્રાન્ટનો દુરુપયોગ થવાની પુરેપુરી શક્યતા હોવાનો પણ કોંગ્રેસના સભ્ય આક્ષેપ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...