બેઠક:જિલ્લા પંચાયતે અમદાવાદનાં ગામોમાં 1 વર્ષમાં 12 બોર બનાવ્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણી પુરવઠા બોર્ડ 2011 વસ્તી મુજબ બોર બનાવવાનો નિર્ણય કરે છે

અમદાવાદ જિલ્લામાં પાણી પુરવઠા બોર્ડમાંથી અરજીનો નિકાલ ઝડપથી ન થતાં જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગે બોર બનાવવાનો નિર્ણય કર્યો હતો અને 1 વર્ષમાં જ 12 બોર બનાવી દીધા હતા. પાણી પુરવઠા બોર્ડ 2011ની વસ્તી મુજબ બોર બનાવવાનો નિર્ણય કરતું હતું જ્યારે જિલ્લા પંચાયતે વર્તમાન વસ્તી અને સ્થિતિને ધ્યાનમાં રાખી બોર બનાવ્યા હતાં.

હાલ પણ જરૂરિયાત મુજબ બોર બનાવી રહ્યા છે. જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના કેટલાક સભ્યોએ નામ ન આપવાની શરતે કહ્યું કે પાણી પુર‌વઠા બોર્ડમાં બોરની મંજૂરી માટે લાંબી પ્રક્રિયા ચાલતી હતી. બીજી તરફ ગામડાંના લોકો પાણી વગર પરેશાન થઈ જતા હતા, જેના લીધે જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચૅરમૅનની અધ્યક્ષતામાં મળેલી પ્રથમ બેઠકમાં બોર બનાવવાનો નિર્ણય સમિતિ દ્વારા જ કરાય તેની ચર્ચા કરીને નિર્ણય કરાયો હતો.

આ પછી જિલ્લાના અવલજ, વડોદ, સેલા, સિંગરવા, કણભા, ઊંજાડ, બુવાલડી, ચાંદીયલ સહિતનાં ગામોમાં બોર બનાવ્યા છે. હાલ બોર કાર્યરત છે. પાણી પુરવઠા બોર્ડના બદલે સિંચાઈ વિભાગના નિર્ણયથી અરજીઓનો ઝડપથી નિકાલ થઈ રહ્યો છે. અમદાવાદ જિલ્લાનાં પ્રત્યેક ગામડાંમાં જરૂરિયાત મુજબ બોર બનાવવાનું આયોજન વિચારાધીન છે. આ માટે આગામી બેઠકમાં ચર્ચા પણ કરાશે.

હાલ ઝડપથી બોરને મંજૂરી અપાય છે
અગાઉ બોરની મંજૂરી માટે લાંબી પ્રક્રિયા થતી હતી. ઉપરાંત બોર બનાવવા માટે 2011ની વસ્તીને ધ્યાનમાં લેવાતી હતી. આથી બોર બન્યા પછી પણ પૂરતું પાણી આવતું નહોતું. પરિણામે ગામડાંમાં પાણીની સમસ્યા ઠેરની ઠેર રહેતી હતી. આ સમસ્યા દૂર કરવા જિલ્લા પંચાયતના સિંચાઈઇ વિભાગે બોર બનાવવાનો નિર્ણય કર્યો હતો અને 1 જ વર્ષમાં 12 બોર બનાવી ગામડાંના લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળે તેવું આયોજન કરાયું હતું. હજી વધુ બોર બનાવાશે.- મીના કુંજનસિંહ ચૌહાણ, ચૅરમૅન, સિંચાઈ વિભાગ, જિલ્લા પંચાયત

અન્ય સમાચારો પણ છે...