હોબાળો:જિ. પં.ની બજેટ બેઠકમાં ભાજપ સભ્યો-શિક્ષણાધિકારી વચ્ચે બબાલ

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીડીઓએ દરમિયાનગિરી કરી ગરિમા જાળવવા વિનંતી કરવી પડી
  • પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની ગ્રાન્ટમાં 50 લાખ સુધીનો વધારો

અમદાવાદ જિલ્લા પંચાયતની બજેટ બેઠકમાં ભાજપના સદસ્ય અને શિક્ષણાધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હોબાળો થયો હતો. ભાજપના સદસ્યએ કહ્યું કે, તમે ત્રણ મહિનાથી ગેરહાજર છો અને હવે બજેટ મંજૂર કરાવવા આવો છો. તમે કોઇ કામ કર્યુ નથી. આ પછી બંને વચ્ચે બોલાચાલી બાદ મારામારી સુધી વાત પહોંચી ગઇ હતી. ગૃહમાં બેઠેલા અન્ય સદસ્યો અને અધિકારીઓએ વચ્ચે પડયા પછી મામલો શાંત નહીં થતાં ડીડીઓએ દરમિયાનગિરી કરીને ઘટનાને વખોડી હતી. તેમણે ગૃહની ગરિમા જાળવવા વિનંતી કરવી પડી હતી. આ પછી મામલો શાંત થયો હતો. પરંતુ શિક્ષણ વિભાગના તમામ કામો મંજૂરી નહીં કરીને ભાજપના સદસ્યોએ વિરોધ કર્યો હતો.

ગૃહમાં રોષે ભરાયેલા ભાજપના એક સદસ્યએ જિલ્લાના શિક્ષણાધિકારી વિરૂદ્ધ રૂપિયા એકનો દંડ કરવા પ્રસ્તાવ મૂક્યો હતો. ભાજપના અન્ય સદસ્યોએ દરખાસ્ત મંજૂર કરવા હાથ પણ ઊંચા કર્યા હતાં. પરંતુ ડીડીઓએ આ પ્રસ્તાવ નહીં સ્વિકારી તેને પરત ખેંચવા ભાજપના સદસ્યોને સમજાવ્યા હતાં. આમ છતાં મામલો શાંત નહીં થતાં શિક્ષણાધિકારીએ માફી માગતા મામલો શાંત પડયો હતો. ગુરૂવારના રોજ યોજાયેલી જિલ્લા પંચાયતની બજેટ બેઠકમાં ડીડીઓ, પ્રમુખ અને કારોબારી અધ્યક્ષની ગ્રાન્ટ એક કરોડથી વધારી દોઢ કરોડ અને ઉપપ્રમુખની ગ્રાન્ટ એક કરોડથી વધારી 1.40 કરોડ કરાઈ હતી. બેઠકમાં રિનોવેશનના રૂપિયા અઢી કરોડના બિલની મંજૂરીની દરખાસ્ત ભાજપના સદસ્યોના આંતરિક વિવાદના લીધે પરત મોકલાઇ હતી. આ ઉપરાંત જિલ્લા પંચાયતમાં કામ કરતી ત્રણ કંપનીને બ્લેક લીસ્ટ કરાઇ હતી.

બજેટ બેઠકમાં સદસ્યોની ગ્રાન્ટ 15 લાખથી વધારી 25 લાખ કરાઇ હતી. જેની સામે કેટલીક સમિતીના બજેટમાં કાપ મુકાયો હતો. બેઠકમાં સમાજ કલ્યાણ વિભાગનો સ્ટાફ હાજર નહીં રહેતા ડીડીઓ સહિત સદસ્યોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ગ્રાન્ટના વિવાદના પગલે કેટલીક સમિતીઓના ચેરમેનો અને સદસ્યોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગ્રાન્ટ વધારવા બુધવારે મોડી સાંજ સુધી બેઠક કરી હતી. જેમાં હોદ્દેદારો અને સદસ્યોની ગ્રાન્ટ વધાર્યા પછી પણ સમિતીઓની ગ્રાન્ટ વધારવા ભાજપના સદસ્યોએ ડીડીઓ પર દબાણ કર્યું હતું. આમ છતાં ડીડીઓએ સમિતીઓની ગ્રાન્ટ વધારવા ઇન્કાર કર્યો હતો. ગ્રાન્ટ માટે લડતા ભાજપના સદસ્યોની નિતી ખુલ્લી પડી ગઇ હોવાનો કોંગ્રેસના સદસ્યોએ કટાક્ષ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...