વિવાદ:સાબરમતીની સોસાયટીમાં નવરાત્રી પૂર્વે કાર પાર્ક કરવા મુદ્દે સોસાયટીના સભ્યો વચ્ચે ઝઘડો, બંને પક્ષે સામસામે ફરિયાદ

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગરબા દરમિયાન મંદિર પાસે કાર ન મૂકવાનું કહેતા ઝઘડો થયો

નવરાત્રીને માંડ 2 દિવસ બાકી રહ્યા હોવાથી દરેક સોસાયટીઓમાં રાસ- ગરબાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે સાબરમતી વિસ્તારની એક સોસાયટીમાં નવરાત્રીની તૈયારી દરમિયાન કાર ખસેડવા બાબતે સોસાયટીના સભ્યો વચ્ચે ઝઘડો થયો હતો. આ અંગે બંને પક્ષના સભ્યોએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાવી છે.

સાબરમતીમાં ન્યૂ રાણીપ અંબિકાનગરમાં રહેતા કનુભાઈ અમરતભાઈ પંચાલ (ઉં.37)એ સોસાયટીમાં રહેતા જિતુભાઈ, કમલેશભાઈ અને સુરેશભાઈ વિરુદ્ધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યા અનુસાર, આ ત્રણેય જણે કનુભાઈને ‘અહીં ગાડી મૂકવી નહીં અને તમારે અહીં બેસવંુ નહીં’ તેમ કહી ગાળો બોલીને કાર તોડી નાખવાની ધમકી આપી હતી.

જ્યારે સામે પક્ષે જિતેન્દ્રકુમાર કાંતિલાલ ચાવડા (ઉં.36)એ કનુભાઈ અમરતભાઈ પંચાલ વિરુદ્ધ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, નવરાત્રી માટે બનાવેલા માતાજીના મંદિર પાસેની જગ્યામાં કનુભાઈની કાર પાર્ક કરેલી હતી. આથી નવરાત્રી સુધી કાર બીજે પાર્ક કરવાનું કહેતા કનુભાઈ અને તેમનાં પત્નીએ કાર નહીં હટે તેમ કહી ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...