અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની આજે વોટર એન્ડ સુએઝ કમિટીની બેઠક મળી હતી. જેમાં શહેરમાં પાણીના જોડાણ અને દરો અંગે એક સરખી નીતિ લાવવા અંગે ચર્ચા થઈ હતી. છેલ્લા દસ વર્ષથી આ નીતિ લાવવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે. પરંતુ તેનો અમલ આજદિન સુધી થયો નથી. આજે વોટર કમિટિના ચેરમેન જતીન પટેલે કમિટીમાં ખુદ આ મામલે ચર્ચાનો મુદ્દો ઉભો કર્યો હતો.
શહેરના સાતેય ઝોનમાં પાણીના સરખો દર અને જોડાણ અંગેની નીતિની ચર્ચા
જતીન પટેલે આ મામલે માહિતી આપી હતી કે, શહેરમાં આવેલા સાતેય ઝોનમાં પાણીના દરો અને જોડાણ અંગે એક સરખો ચાર્જ લેવાની નીતિ અંગે આજે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. અગાઉ શહેરમાં DI પાઇપલાઈન નેટવર્ક હતું. તેમજ ઔડા દ્વારા 8 કલાક પાણી આપવામાં આવતું હતું. હવે ક્યાંય ઔડાની 8 કલાક પાણી આપવાની પદ્ધતિ નથી. DI પાઇપલાઇન નથી. આ તમામ દૂર થઈ ગયું છે. માટે હવે એક નવી નીતિ કરવી જોઈએ. જેની અધિકારીઓએ ચર્ચા વિચારણા કરી 1-2 દિવસમાં જાણ કરીશું કહ્યું છે.
ભુવા પૂરવા સિવાયની કોઈ કામગીરી નહીં
અમદાવાદમાં વરસાદની સીઝનમાં હાલ ભુવા પુરવા સિવાય કોઈ જગાએ ક્યાંય કામ ચાલુ નથી. જો કે કેટલાક વિસ્તારોમાં હાલ પણ નાના મોટા કામો ચાલી રહ્યા છે. જેનો હાલ શહેરમાં 16 ભુવા રિપેરિંગ કરવાના બાકી છે. ભુવા રિપેરિંગ કરવામાં એક અઠવાડિયા જેટલો સમય થાય છે. આ કામ ચાલુ કરવા માટે કામના બજેટનો અંદાજ લેવામાં આવે અને અધિકારીઓની સહી લે છે. જેમાં વિલંબ થાય છે જેથી કમિટિના ચેરમેને સૂચન કર્યું હતું કે, આ ભુવા રિપેરિંગની કામગીરી માટે જનરલ બજેટમાંથી ખર્ચ થાય તેનું એક ટેન્ડર કરી રાખો જેથી ઝડપથી ભુવા પૂરવાની કામગીરી કરવામાં આવે
RCC રોડ બને ત્યાં ગટર અને પાઇપલાઇન ખસેડવા સૂચના
આજે મળેલી કમિટીમાં શહેરમાં જ્યાં પણ RCC રોડ બનાવે ત્યાં ગટર અને પાઇપલાઇન ખસેડવા સૂચના આપી છે. જ્યાં જ્યાં રોડ બનાવવામાં આવે છે ત્યાં મેઈન હોલ સ્લેબ ટાઈપ બનાવવા માટે સૂચના આપી છે જેથી તકલીફ ન પડે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં 3 અને નિકોલ ગામ 2 જગ્યાએ ગટર બેક મારવાની ફરિયાદ મળી હતી. જે મામલે 10 દિવસમાં તપાસ કરવા કહ્યું છે.
CIPP પદ્ધતિ અંગે કમિટીએ જાણકારી મેળવી
અમદાવાદના ઉત્તર ઝોનમાં આવેલા સોનિયા સિરામિકથી ડી માર્ટ અને અદાણી સીએનજી પંપથી મેમ્કો ચાર રસ્તા રેલવે ક્રોસિંગ સુધી વર્ષો જૂની ડ્રેનેજ ડ્રેનેજ લાઈનો ચોકઅપ રહે છે. ક્રાઉન ડેમેજ થયું હોવાથી શરૂઆતમાં ડ્રેનેજ લાઈન CIPP પદ્ધતિ જેમાં લાઇનના બે મેઈન હોલ વચ્ચે એક જ જોઈન્ટ લેસ એક પાઇપ અંદર ઉતારવામાં આવે છે. તેને બરફ વચ્ચે નાખી અને બહારની ગરમીથી છૂટી પડી જાય તેવી પદ્ધતિથી કરવામાં આવે. જો કે આ પદ્ધતિ અંગે આજે જાણકારી કમિટીએ મેળવી હતી. આ કામ અંગેની પૂરી માહિતી મેળવવાની અને ચર્ચા કરવા માટે કામ બાકી રાખવામાં આવ્યું છે. બાકીના ડ્રેનેજ લાઈન નાખવાના કામ બાકી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.