પેપર લીકની તપાસ:બિન સચિવાલય ક્લાર્કનું પેપર લીક થયાના આક્ષેપ કરનાર યુવરાજસિંહ જાડેજા સામે અક્ષરમ ફાર્મહાઉસના માલિક માનહાનિનો કેસ કરશે

અમદાવાદએક મહિનો પહેલા
યુવરાજસિંહ જાડેજાની ફાઈલ તસવીર.
  • -યુવરાજસિંહે ફાર્મ હાઉસના ખોટા ફોટો વાઈરલ કર્યાનું કારણ ધરી ફાર્મ હાઉસના માલિકે જીલ્લા પોલીસને અરજી આપી
  • દિવ્યભાસ્કર સાથેની એક્સક્લૂઝિવ વાતચીતમાં ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ અરજી આપ્યાનું કબૂલ્યું
  • યુવરાજસિંહ જાડેજાએ અસિત વોરાને પેપર લીકના પૂરાવા સોંપ્યા
  • અસિત વોરા પ્રામાણિક રીતે કામ કરે છે, કોઈના કહેવાથી કોઈને દૂર નહીં કરે: વાઘાણી

રવિવારે લેવાયેલી હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર કથિત રીતે ફૂટી ગયાની વાતો વચ્ચે 10થી 12 શખસ વિરુદ્ધ ગુનો નોંધાવાની શક્યતા છે. ત્યારે અક્ષરમ ફાર્મ હાઉસના માલિકે યુવરાજસિંહ જાડેજા સામે માનહાનિની અરજી આપી છે. આ મામલે સાંજે હર્ષ સંઘવી અને અસિત વોરા તથા પેપર લીક કેસમાં તપાસ કરનારા અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ પહેલા દિવ્યભાસ્કર સાથેની એક્સક્લૂઝિવ વાતચીતમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ સ્વીકાર્યું છે કે તેમણે સાબરકાંઠા પોલીસને ઈ-મેલ કરીને એપ્લિકેશન આપી દીધી છે. તેમણે મંડળ તરફથી સાબરકાંઠા પોલીસને આ મામલે તપાસ કરવાની વિનંતી કરી દીધાનું જણાવ્યું છે. બીજી તરફ શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ આ મામલે આજે પત્રકાર પરિષદને સંબોધી હતી, જેમાં તેમણે કથિત પેપર લીક મામલે સરકાર યોગ્ય તપાસ કરાવશે એમ જણાવ્યું હતું.

યુવરાજસિંહ જાડેજા સામે માનહાનિની અરજી કરાઈ
ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક થવાનો આક્ષેપ કરનારા યુવરાજસિંહ જાડેજા સામે માનહાનિનો કેસ કરવાને લઈને અક્ષરમ ફાર્મ હાઉસના માલિકે અરજી આપી છે. ફાર્મ હાઉસના ખોટા ફોટો વાઈરલ કરવાને લઈને અક્ષરમ ફાર્મ હાઉસના માલિક ડો. નીતિન પટેલે જિલ્લા પોલીસ વડાને અરજી આપી છે. ત્યારે પેપર લીક થવાનો આક્ષેપ કરનાર યુવરાજસિંહ જાડેજા હવે પોતે મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

પેપર લીક કેસમાં કાકા-ભત્રીજાની સંડોવણી
બીજી તરફ પેપર લીક કેસમાં જયેશ ઉર્ફે મુકેશ પટેલનું નામ સામે આવી રહ્યું છે. ઉપરાંત જયેશ પટેલનો ભત્રીજો દેવલ પટેલ પણ આ કાંડમાં સંડોવાયેલો હોવાનું સામે આવી રહ્યું છે. દેવલનું ઉંછા ગામની સીમમાં ઘર છે. તેના ઘરે જ પેપર લીક મામલે હિલચાલ થઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. હાલમાં આ બંને કાકા અને ભત્રીજો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

યુવરાજસિંહ જાડેજાએ અસિત વોરાને પુરાવા સોંપ્યા
પેપર લીક કાંડ મામલે યુવરાજસિંહ જાડેજાએ આજે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાને મળીને કેટલાક પૂરાવાઓ આપ્યા હતા. સાથે જ તેમણે ગૌણ સેવા પસંદગી મંડળને આ મામલે ફરિયાદી બનવા અરજી કરી હતી. યુવરાજ સિંહે જણાવ્યું હતું કે, તેમની પાસે રહેલા ચોક્કસ નક્કર પુરાવાઓને તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જ આપશે, જેથી તેની ગોપનિયતા જળવાઈ રહે. ઉપરાંત તેણે પોતે પણ તપાસમાં જરૂર પડે ત્યાં સહાય કરવા તૈયાર દર્શાવી છે.

અસિત વોરાને પૂરાવા આપતા યુવરાજસિંહ જાડેજાની તસવીર
અસિત વોરાને પૂરાવા આપતા યુવરાજસિંહ જાડેજાની તસવીર

વાઘાણીએ અસિત વોરાનો કર્યો બચાવ
રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ જણાવ્યું હતુ કે સરકારે પેપર લીકની ઘટનાને ગંભીરતાથી લીધી છે અને આ પ્રકરણમાં જે પણ સંડોવાયેલા હશે તેમની સામે સરકાર માત્ર પોલીસ ફરિયાદ પૂરતી કામગીરી નહિ કરે, પરંતુ દોષિતોને કડકમાં કડક સજા મળે ત્યાં સુધી કાર્યવાહી કરશે. સરકાર પેપર લીક કેસમાં કોઈને નહિ છોડે. રાજ્ય સરકાર કોઈના કહેવાથી કે કરવાથી કોઈને દૂર નહિ કરે. સરકાર ક્યારેય પણ આવા લોકોને છાવરતાથી નથી અને રાજ્ય સરકાર પારદર્શક રીતે જ પરીક્ષાઓ લે છે. અસિત વોરા પ્રામાણિક રીતે કામ કરે છે. કોંગ્રેસની સરકારમાં પરીક્ષા કેટલી પ્રામાણિકતાથી લેવાતી હતી એ લોકોને ખબર છે.

પુરાવા સાથે યુવરાજસિંહની તસવીર.
પુરાવા સાથે યુવરાજસિંહની તસવીર.

રવિવારે 186 જગ્યાની ભરતી માટે પરીક્ષા યોજાઈ હતી
નોંધનીય છે કે રવિવારે લેવાયેલી હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનો આક્ષેપ આમ આદમી પાર્ટી(AAP)ના નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો હતો. પેપર લીક કાંડ મામલે યુવરાજસિંહ જાડેજાએ આજે અસિત વોરા જ શંકાના દાયરામાં હોવાનો આક્ષેપ કરી પેપર લીકના પુરાવા આપ્યાનો ઘટસ્ફોટ કર્યો હતો. આ મામલે ગૃહ રાજ્યમંત્રી બે દિવસમાં કોઈ નિર્ણય નહીં લે તો પરીક્ષાર્થીઓ અને વાલીઓને ગાંધીનગર બોલાવવાની ચીમકી ઉચ્ચારી હતી.

હર્ષ સંઘવીને આ મુદ્દે દખલ કરવા અપીલ કરીએ છીએ: યુવરાજસિંહ
યુવરાજસિંહે જણાવ્યું હતું કે પેપર લીકમાં સંકળાયેલી વ્યક્તિ હમીરગઢની છે. અમે પેપર લીકના પુરાવા પરમાર સાહેબને વ્હોટ્સએપ કર્યા છે. સરકારે સામે ચાલીને ફરિયાદી બનવું જોઈએ. અમે રજૂ કરેલા તમામ પુરાવાને ક્રોસ વેરિફાઈ કરવા જોઈએ, હર્ષ સંઘવીને આ મુદ્દે દખલ કરવા અપીલ કરીએ છીએ તેમજ માહિતી આપ્યાની ઓડિયો ફાઇલ રિલીઝ કરું છું.

રવિવારે પરીક્ષાના દિવસે પેપર ફૂટ્યું હોવાના આક્ષેપ.
રવિવારે પરીક્ષાના દિવસે પેપર ફૂટ્યું હોવાના આક્ષેપ.

પેપર લીક થયાની ફરિયાદ હજી સુધી અમને મળી નથીઃ અસિત વોરા
બીજી તરફ, ગૃહમંત્રીની અધ્યક્ષતામાં બુધવારે બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ કહ્યું હતું કે હેડક્લાર્કની પરીક્ષા 88 હજાર ઉમેદવારે આપી હતી, પરંતુ પેપર લીક થયાની ફરિયાદ હજી સુધી અમને મળી નથી.

પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પણ જાહેર કરવામાં આવશે નહીં
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ જણાવ્યું હતું કે રાજ્યમાં યોજાયેલી હેડકલાર્કની પરીક્ષાના પેપર લીક થવા અંગેના સમાચાર સંદર્ભે મંડળને હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી. મીડિયા દ્વારા મળેલા અહેવાલોને ધ્યાનમાં લઈને તપાસનો દૌર શરૂ કરાયો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પોલીસ વિભાગને કડક સૂચનાઓ આપી છે અને કહ્યું કે કસૂરવારોને છોડાશે નહી. તેમણે ઉમેર્યું હતું કે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ વિભાગને પારદર્શી તપાસ કરવા સંબંધિતોને સૂચનાઓ આપી છે. પોલીસ વિભાગ દ્વારા વિગતો મંડળને પ્રાપ્ત થશે, ત્યાર બાદ મંડળ દ્વારા FIR સહિતની આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરાશે, ત્યાં સુધી આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પણ જાહેર કરવામાં આવશે નહીં.

અન્ય સમાચારો પણ છે...