શહેરના ઓઢવ વિસ્તારમાં ઇન્દિરા નગર આવાસ યોજનામાં દુકાનોની વચ્ચે પિલર ઉભા થયેલા હોવાના વિવાદ મામલે આજે હાઉસિંગ કમિટીમાં ચર્ચા થઈ હતી. પહેલા માળની દુકાનો અને નીચે પાર્કિંગની જગ્યામાં બનાવી દેવામાં આવતા હવે આ દુકાનો રાખવી કે પછી તેમાં કોઈ ફરી ફેરફાર કરી દુકાનોની જગ્યાએ રહીશોને મકાન ફાળવણી કરવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. કમિટીના ચેરમેન અશ્વિન પેથાણીએ આ સમગ્ર બાબતે માહિતી માંગી હતી અને આ સમગ્ર ઘટનામાં કયા અધિકારીની શું ભૂમિકા હતી અને આના માટે કોણ જવાબદાર હોઈ શકે તે મામલે રિપોર્ટ માંગ્યો છે જે ચાર દિવસમાં સબમિટ કરવામાં આવશે. જે કોઈપણ આ મામલે જવાબદાર હશે તેની સામે અને કડકમાં કડક પગલાં ભરવા માટે કમિશનરને જાણ કરીશું.
હાઉસિંગ કમિટીના ચેરમેન અશ્વિન પેથાણીએ જણાવ્યું હતું કે, આજે મળેલી હાઉસિંગ કમિટીમાં ઓઢવ વિસ્તારમાં ઇન્દિરા નગર આવાસ યોજનામાં જે રીતે દુકાનો પહેલા માળની જગ્યાએ નીચે પાર્કિંગની જગ્યામાં બનાવી અને રહીશોને આપવામાં આવતા દુકાનોની વચ્ચે પિલરનો જે સમગ્ર વિવાદ ઉભો થયો છે તે મામલે ચર્ચા થઈ હતી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગુણવતસિંહ સોલંકી સાથે ચર્ચા થયા મુજબ અધિકારીઓ પાસે જ્યારે આ સ્કીમ બનાવવામાં આવી ત્યારે કોણ અધિકારીની શું ભૂમિકા હતી અને તેમણે આ રિવાઇઝ પ્લાન જે મુક્યો હતો તે રિવાઇઝ પ્લાનની માગણી કરવામાં આવી છે. અધિકારીઓએ આ રીતે રિવાઇઝ પ્લાનમાં ઉપરની દુકાનો નીચે મૂકી એ ન મુકવી જોઈએ એમ તેઓને જણાવ્યું હતું.
ચાર દિવસમાં રિપોર્ટ સબમિટ થશે
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગુણવતસિંહ સોલંકી અને અધિકારી પ્રણય શાહ મારફતે આ સમગ્ર બાબતે માહિતી આપવામાં આવશે. ચાર દિવસમાં આ મામલે રિપોર્ટ સબમિટ થશે જેને અમે મીડિયા સમક્ષ પણ રજૂ કરીશું. આમાં કોઈ અધિકારી દ્વારા ખોટું કરવામાં આવ્યું હશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવા માટે અમે કમિશનરને જાણ કરીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.