કે. રાજેશના ગાંધીનગર સ્થિત ઘર તેમ જ તેમના વતન આંધ્રપ્રદેશમાં કરાયેલી સર્ચમાં સીબીઆઈએ સંખ્યાબંધ વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે. તેમાં ખાસ તો ગેરરીતિ દ્વારા મેળવાયેલાં નાણાંનું મિલકતમાં રોકાણ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. સીબીઆઈને બેંક લોકરમાંથી જમીન અને પ્લોટના આઠ દસ્તાવેજો મળી આવ્યા છે જેની તપાસ જારી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કે. રાજેશના એક બેંક લોકરમાંથી અન્ય વ્યક્તિઓનાં નામે ખરીદેલી જમીન અને પ્લોટના આઠ દસ્તાવેજો મળી આવ્યા છે, જેની કિંમત કરોડોમાં થવા જાય છે. આ તબક્કે અન્ય વ્યક્તિના નામના દસ્તાવેજો તેમના લોકરમાં શા માટે મુકાયા હતા તે બાબતે સીબીઆઈએ બેંકને સાથે રાખી તપાસ શરૂ કરી છે.
ઉપરાંત કે. રાજેશે સુરેન્દ્રનગર, સુરત અને અમદાવાદમાં પણ અન્ય લોકોના નામે સ્થાવર અને જંગમ મિલકત ખરીદી હોવાની આશંકા છે, જેની તપાસ ચાલી રહી.છે. લોકોને હથિયારનાં લાઇસન્સ કાઢી આપવા ઉપરાંત કે. રાજેશ સરકારી જમીન પર કરેલા દબાણને કાયદેસર કરી આપવાના કામમાં પણ ભ્રષ્ટાચાર કરી લોકો પાસેથી કરોડો રૂપિયાની આડકતરી લાંચ લીધાનું મનાય છે. આ દિશામાં સીબીઆઈ તપાસ ચલાવી રહી છે.
અત્યાર સુધીમાં 18 લોકોનાં નિવેદન લેવાયાં
લાંચ કેસ મામલે સીબીઆઈએ અલગ અલગ શહેરોનાં 18 લોકોનાં નિવેદનો નોંધ્યાં છે, જેઓ આ કેસ સાથે સંકળાયેલા છે. ઉપરાંત સીબીઆઈએ, સુજલામ સુફલામ નામની પેઢી ખોલી તેના બેંક એકાઉન્ટમાં આવેલી રકમો અંગે પણ તપાસ આદરી છે.આ સિવાય ઓનલાઇન ટ્રાન્સફર કરાયેલી રકમને પણ ટેલી કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, કે. રાજેશના મળતિયા આ ખાતામાં પૈસા જમા કરાવાનુ કહેતા હતા, જેથી નાગરિકોને એમ લાગે કે પૈસા સરકારમાં જમા થાય છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.