ઉનાળુ વેકેશનમાં લોકો ઘણીવાર પ્રવાસન માટે વિવિધ રમણીય સ્થળોની મુલાકાત લેતા હોય છે. તેમાં પણ ગરમીથી રાહત માટે હિલ સ્ટેશન પર જવાનો ક્રેઝ પાછલા થોડા સમયમાં વધ્યો છે. ત્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ આપને 27થી વધુ પર્યટન સ્થળો સાથે જોડી રહ્યું છે. આ ટૂરીસ્ટ ડેસ્ટીનેશન્સમાં પર્વતો, બીચ, હેરિટેજ, સ્માર્ટ સિટીઝ વગેરેનો સમાવેશ થાય છે.
45 દિવસ પહેલા એરપોર્ટના રનવેનું કામ પૂર્ણ
રોગચાળાની મહામારીના બે વર્ષ બાદ લોકો મનપસંદ સ્થળોની વધુમાં વધુ મુલાકાત લઈ શકે તે માટે SVPI રન-વેનું કામ નિર્ધારિત સમય કરતાં 45 દિવસ વહેલા પૂર્ણ કર્યા બાદ હવે પ્રવાસન માટે વધુ ફ્લાઈટ્સના આવાગમન માટે તૈયાર છે. પ્રવાસીઓની સુવિધા માટે અમદાવાદના એરપોર્ટે દેશના દુર્ગમ અને જોવાલાયક સ્થળો સુધી પહોંચવા તેમજ એક સ્થળેથી બીજાને જોડતી ફ્લાઈટ્સની કનેક્ટીવિટી વધારી છે. આ સુવિધાથી લોકો મનપસંદ ડેસ્ટીનેશનના પ્રવાસ સાથે ઉત્તમ હવાઈ સફરનો લાભ લઈ શકશે.
પ્રવાસન સ્થળો માટે સીધી ફ્લાઈટ ઉપલબ્ધ
ગુજરાતમાં ઉનાળાની પ્રચંડ ગરમીથી રાહત મેળવવા SVPI એરપોર્ટે પર્વતીય સ્થળોને હવાઈમાર્ગોના પ્રવાસન માટે વિવિધ ફ્લાઈટ્સ ઉપલબ્ધ કરાવી છે. દાર્જિલિંગ, ચાલસા, સિલિગુડી, ગુવાહાટી અને કાઝીરંગા નેશનલ પાર્ક જેવા અન્ય સ્થળોનો પ્રવાસ કરવા તમે અમદાવાદથી બાગડોગરા ડાયરેક્ટ ફ્લાઇટમાં જઈ શકો છો. દેશના પૂર્વોત્તર રાજ્યોની યાત્રા માટે પટનાથી ગુવાહાટી સુધી અઠવાડિયામાં 6 દિવસ સીધી ફ્લાઈટ પણ ઉપલબ્ધ છે.
ચારધામ યાત્રા માટે પણ કનેક્ટિવિટી
ઉત્તરના રાજ્યો હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં ઉનાળુ વેકેશન ગાળવા માંગતા મુસાફરોને SVPI એરપોર્ટ પરથી સાનુકૂળ કનેક્ટીવીટી મળી રહેશે. અમદાવાદ એરપોર્ટથી દહેરાદૂન સુધીની દૈનિક અને સીધી ફ્લાઇટ મુસાફરોને માલસી ડીયર પાર્ક, મસૂરી, ઉત્તરાખંડ અને ચારધામ યાત્રા (યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ) કરવામાં પણ મદદ કરશે. એટલું જ નહી, દેહરાદૂન એરપોર્ટથી માત્ર 45 કિમી દૂર ઋષિકેશ ખાતે ગંગાની ગોદમાં આધ્યાત્મિક અનૂભૂતિની પણ કરી શકાશે. ધર્મશાલા અને શ્રીનગર જેવા સ્થળો માટે પણ ન્યૂનતમ સ્ટોપ અવર સાથે સાનુકૂળ કનેક્ટિવિટી છે.
SVPI એરપોર્ટ પરથી તમે વાઈલ્ડલાઈફ, જંગલો કે બીચ પર જઈ પ્રકૃતિના વિવિધ રંગોનો આનંદ માણી શકો છો. અમદાવાદ એરપોર્ટથી મેંગલોર અને ત્રિવેન્દ્રમ માટે દૈનિક વન-સ્ટોપ ફ્લાઈટ છે. વેકેશન ગાળવા માટે કુર્ગ, કુદ્રેમુખ અને વાયનાડ જેવા સ્થળો પરફેક્ટ ડેસ્ટિનેશન છે. ત્રિવેન્દ્રમ એરપોર્ટથી કોવલમ બીચ કે કન્યાકુમારીની મુસાફરી પણ કરી શકો છો. વળી ભારતના મનપસંદ બીચ ડેસ્ટિનેશન ગોવા માટે દરરોજની સીધી નોનસ્ટોપ ફ્લાઈટ્સ રાખવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.