ભાસ્કર યુટિલિટી:ગુજરાતી પ્રવાસી વધતા એપ્રિલથી અમદાવાદ-શ્રીનગર વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી 1.58 લાખ લોકોએ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી, જેમાં સૌથી વધુ 60 હજારથી વધુ ગુજરાતી હતા. ગુજરાતી પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખી એપ્રિલથી નવા શિડ્યુલમાં અમદાવાદથી શ્રીનગર માટે સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. 28 એપ્રિલથી અમદાવાદ - શ્રીનગર વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થશે. આ ફ્લાઇટ દરરોજ સવારે 5.55 કલાકે અને સાંજે 8.20 કલાકે અમદાવાદથી ઉપડશે.

ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટેનાં ફોર્મ હવે 15 માર્ચ સુધી ભરી શકાશે
ધો.10ની પરીક્ષા માટેના ફોર્મ 15 માર્ચ સુધી લેટ ફી વગર ભરી શકાશે. આ પહેલા ફોર્મ ભરવાની તારીખ 5 માર્ચ હતી. પરંતુ હવે પરીક્ષાના ફોર્મ ભરવા માટે વધારાના 10 દિવસ અપાયા છે. વિદ્યાર્થીઓ પોતાના ફોર્મમાં સુધારો પણ શાળા કક્ષાએથી કરી શકશે. આ માટે પણ વિદ્યાર્થીઓએ કોઇ ફી ચુકવવાની રહેશે નહીં. આ સાથે જ પ્રિન્સિપાલ દ્વારા કોઇ વિદ્યાર્થીની અરજી એપ્રુવ કરવાની બાકી હોય તો 15 માર્ચ દરમિયાન કરી શકશે.

સાબરમતી-જોધપુર રૂટ પર આજથી ડેઈલી અનરિઝર્વ સ્પેશિયલ ટ્રેન શરૂ થશે
6 માર્ચથી સાબરમતીથી જોધપુર વચ્ચે ડેઇલી અનરિઝર્વ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરાઈ છે. આ ટ્રેન સાબરમતીથી સવારે 7.00 વાગે ઉપડીને સાંજના 7.10 વાગે જોધપુર પહોંચશે. જ્યારે જોધપુરથી આ ટ્રેન દરરોજ સવારે 9.40 વાગે ઉપડીને રાતના 8.45 કલાકે સાબરમતી પહોંચશે. ટ્રેન ખોડિયાર, કલોલ, ઝુલાસણ, ડાંગરવા, આંબલિયાસન, મેહસાણા, ઉંઝા, સિદ્ધપુર, છાપી, ઉમરદશી, પાલનપુર, કરજોડા, ચિત્રાસણી, જેથી, ઇકબાલગઢ, સરોતરા રોડ, અમિરગઢ, માવલ, આબુરોડ, મોરથલા, કિવરલી, ભીમના, સ્વરૂપગંજ જેવા સ્ટેશનો પર રોકાશે.

ટાગોર હોલમાં 10 માર્ચે કોરોનાની રસી બપોરે 1.30 વાગ્યા સુધી બંધ રહેશે
અત્યાર સુધી ટાગોર હોલમાં નાગરીકોને રસીકરણ આપવાનું કેન્દ્ર ચલાવવામાં આવતું હતું. જોકે આગામી 10મી માર્ચે મ્યુનિ. નવા ચૂંટાયેલા સભ્યોની પ્રથમ વખત યોજાનારી બોર્ડની બેઠકને અનુલક્ષીને આ સ્થળે 10મી માર્ચના રોજ રસીકરણ કેન્દ્રની કામગીરી તે દિવસ પુરતું સવારથી બપોરના 1.30 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. નોંધનીય છેકે, 1.30 વાગ્યા બાદ આ સ્થળે સાંજે 5 વાગ્યા સુધી રાબેતા મુજબ રસીકરણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના 74 અર્બન હેલ્થ સેન્ટર તેમજ અંદાજે 60 ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની રસી મુકવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...