તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ બ્રીફ:આજથી ડિપ્લોમા એન્જિનિયરિંગની પ્રવેશપ્રક્રિયાનું રજિસ્ટ્રેશન શરૂ થશે, આણંદ-તારાપુર હાઈવે રક્તરંજિત એક જ પરિવારના 9નાં મોત

3 મહિનો પહેલા

નમસ્કાર!
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસની સોમવારે બેઠકમાં ધોરણ 10 બાદ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશપ્રક્રિયાની ચર્ચા થઈ હતી. ત્યાર બાદ આજે 17 જૂનથી ડિપ્લોમા એન્જિનિયરિંગની માત્ર ઓનલાઈન એડમિશન પ્રક્રિયા શરૂ થશે. તો ધોરણ 10ના માસ પ્રમોશનને પગલે સ્કૂલને માર્ક્સ અપલોડ કરવાની ગુજરાત બોર્ડે જવાબદારી સોંપી હતી એનો આજે છેલ્લો દિવસ છે, સાંજે 5 વાગ્યા સુધી માર્ક્સ અપલોડ કરી દેવા પડશે. 8 જૂનથી આ પ્રક્રિયા ચાલી રહી છે. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ52,501−271
ડોલર73.320

સોનું(અમદાવાદ) પ્રતિ 10 ગ્રામ

રૂ. 50100-200

આ 3 ઘટના પર રહેશે નજર
1) ડિપ્લોમા એન્જિનિયરિંગની પ્રવેશપ્રક્રિયા માટે આજથી 15 જુલાઈ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે
2) રાજ્યની સ્કૂલ દ્વારા ધોરણ-10ના માર્ક્સ GSEBની વેબસાઈટ પર અપલોડ કરવાની આજે અંતિમ તારીખ
3) અમદાવાદની SGVP હોલિસ્ટિક હોસ્પિટલની 13 હજાર લિટર લિક્વિડ ઓક્સિજન ટેન્કનું CM રૂપાણી ઈ-લોકાર્પણ કરશે

હવે જોઈએ ગઈકાલના 6 ખાસ સમાચાર
1) આણંદ તારાપુર હાઈવે પર ઇકો અને ટ્રકના અકસ્માતમાં ભાવનગરના અજમેરી પરિવારના 9 સભ્યોનાં કરુણ મોત, PM,CMએ શ્રદ્ધાંજલિ અર્પી

આણંદ તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ નજીક બુધવારે સવારે 6.20 વાગ્યે ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત થયો હતો. જલગાંવમાં લગ્ન સમારંભ પતાવીને પરત ફરતાં અકસ્માતમાં ભાવનગરના અજમેરી પરિવારના 9 લોકોનાં મોત થયાં હતા. પોલીસને જાણ કરતાં PI અને DYSP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી જઈ મૃતકોને ગાડીમાંથી બહાર કાઢી પીએમ માટે ખસેડ્યા હતા. અકસ્માતને પગલે વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

2) અમદાવાદના બોપલ, સરખેજ સહિત શહેરમાં ભારે પવન અને વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ
અમદાવાદ શહેરમાં બુધવારે રાત્રે એક કલાકમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જોકે સેટેલાઇટ, બોપલ, જોધપુર, વસ્ત્રાપુર, પાલડી, વાસણા, સરખેજ, શીલજ, મેમ્કો, દૂધેશ્વર, નરોડા રોડ, જમાલપુર વિસ્તારમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં વાતાવરણમાં રાત્રે પલટો આવ્યો હતો. શહેરના બોપલ, સરખેજ, એસજી હાઈવે, જોધપુર, વસ્ત્રાપુર, ઘાટલોડિયા, ગોતા, બાપુનગર, સરસપુર, મણિનગર, કાલુપુર, રખિયાલ, નરોડા, ન્યૂ રાણીપ, રાણીપ, વૈષ્ણોવદેવી, જગતપુર, ચાંદખેડા, મોટેરા, આંબાવાડી તથા સરખેજ સહિત શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. દરમિયાન નાઉકાસ્ટે મોડી રાત સુધી ભારે પવન સાથે ઉત્તર ગુજરાતમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી હતી.
વાંચો સમાચાર વિગતવાર

3) પરેશ ધાનાણીના બંગલે કોંગ્રેસની લંચ ડિપ્લોમસી બેઠક, વિધાનસભા ચૂંટણીને લઈ આક્રમક વલણ અપનાવી મોંઘવારી મુદ્દે કાર્યક્રમો યોજશે
ગાંધીનગરમાં પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના બંગલે લંચ ડિપ્લોમસી બેઠક યોજાઈ હતી. કોંગ્રેસની બેઠકમાં કોરોના અને મોંઘવારી મુદ્દે કાર્યક્રમો યોજવા તેમજ આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને આક્રમક વલણ અપનાવવાની ચર્ચાઓ થઈ હતી. એ ઉપરાંત ચૂંટણીમુદ્દે જાતિગત સમીકરણો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, હાર્દિક પટેલ, અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

4) સાડાત્રણ મહિના બાદ 300થી ઓછા કેસ, રાજ્યમાં હવે 298ના રિપોર્ટ પોઝિટિવ, ડિસ્ચાર્જ પણ એક હજાર કરતાં ઓછા અને 5નાં મોત
રાજ્યમાં કોરોનાની બીજી લહેર હવે શાંત થઈ ચૂકી છે અને નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 24 કલાકમાં 298 નવા કેસ નોધાયા છે. સાડાત્રણ મહિના એટલે કે 113 દિવસ બાદ 300થી ઓછા કેસ નોંધાયા છે. અગાઉ 25 ફેબ્રુઆરી 301 નોંધાયા હતા. 935 દર્દીએ કોરોનાને માત આપી છે, જેને પગલે રિક્વરી રેટ સુધરીને 97.78 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં 5 દર્દીનાં મોત થયા છે. ગઈકાલે દિવસ બાદ 4 દર્દીનાં મોત થયાં હતાં. આમ, હવે 7 મહાનગર અને 30 જિલ્લામાં એકપણ મોત નોંધાયું નથી. રાજ્યમાં સતત આઠમા દિવસે એકેય જિલ્લા કે શહેરમાં 100થી વધુ કેસ નોંધાયા નથી.
વાંચો સમાચાર વિગતવાર

5) કોરોનાની મહામારીમાં ટ્રાવેલ કરવામાં સૌથી વધુ જુખમ ક્યાં? દેશમાં અમદાવાદ 7 નંબરે, ગુજરાતમાં પહેલા સ્થાને
દેશમાં કોરોનાની મહામારીની બીજી લહેર ગુજરાતમાં ધીમે ધીમે કાબૂમાં આવી રહી છે. જોકે હવે ત્રીજી લહેરની પણ શક્યતાઓ સેવવામાં આવી છે. ત્યારે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન અને રિસર્ચ(પુણે) દ્વારા રિસ્ક ધરાવતાં 446 શહેર સાથે હેઝાર્ડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. કોરોનાની મહામારીમાં ટ્રાવેલ કરવામાં સૌથી વધુ ખતરો ધરાવતાં સિટીઓમાં દિલ્હી એક અને મુંબઈ બીજા સ્થાને છે, જ્યારે અમદાવાદ સાતમા સ્થાને છે. ગુજરાતમાં અમદાવાદ પહેલાં સ્થાને છે.
વાંચો સમાચાર વિગતવાર

6) અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર પોલીસ અને SRPના 200 જવાનોનું ફૂટ પેટ્રોલિંગ શરૂ
આગામી 12 જુલાઈએ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી કાઢવાનો નિર્ણય લેવામાં આવશે. જોકે શહેર પોલીસે રથયાત્રાને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બુધવારે રથયાત્રાના રૂટ પર અતિસંવેદનશીલ વિસ્તાર એવા દરિયાપુરમાં પોલીસ અને SRPના જવાનોએ દરિયાપુર પોલીસ સ્ટેશનથી ડબગરવાડ, વાડીગામ સુધી 200 પોલીસકર્મી સાથે ફૂટ પેટ્રોલિંગ તેમજ ફ્લેગ માર્ચ કર્યું હતું. પોલીસકર્મીઓ રથયાત્રા રૂટ પર છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે બુધવારે રથયાત્રાની તૈયારીઓને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટરો સાથે વીડિયો-કોન્ફરન્સથી ચર્ચા કરી હતી.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...