શહેરભરમાં નાકાબંધી:અમદાવાદમાં શાહપુર મેટ્રો સ્ટેશન પાસે દિલ ધડક લૂંટ, સાડા સાત કિલો સોનાના દાગીના ચોરાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં ચૂંટણીની આચારસંહિતા લાગી ગઈ છે અને દિવસ રાત પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે તે દરમિયાન શહેરમાં કરોડો રૂપિયાની લૂંટને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી છે. શાહપુર મેટ્રો સ્ટેશનની બહાર સીજી રોડના બે સોના-ચાંદીના સેલ્સમેનને એકટીવા પરથી સાડા સાત કિલો સોનાની બેગની ચીલ ઝડપ થઈ હોવાનો બનાવ સામે આવતા આખા શહેરને નાકાબંધીમાં ફેરવી દેવામાં આવ્યું છે. બનાવ સંદર્ભે સ્થાનિક પોલીસને જાણ થતા માધુપુરા પોલીસ સ્ટેશનની ટીમ અને સેક્ટર-1 નીરજ બડગુજર સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હાલ પોલીસે મેટ્રો સ્ટેશન સહિત આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની કવાયત શરૂ કરી છે પરંતુ રાત્રે 10 વાગ્યા સુધી પોલીસને કોઈ કડી નહીં મળી હોવાનું જાણી શકાયું છે.

એકટીવા પર સોનાના દાગીનાનો થેલો લઈને નીકળ્યા
સીજી રોડ પર આવેલા તીર્થ જ્વેલર્સ દાગીના તૈયાર કરીને શહેર બનના જ્વેલર્સને તૈયાર દાગીના વેચવાનું કામ કરે છે. આ કામગીરી સંદર્ભે જ્વેલર્સમાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતા પરાગભાઈ અને તેમના સાથીદાર બપોરે ત્રણેક વાગ્યાના સુમારે એકટીવા પર સોનાના દાગીનાનો થેલો ભરીને નરોડા વિસ્તારના જ્વેલર્સને દાગીના બતાવવા માટે ગયા હતા.

સોનાના દાગીના ભરેલી બેગ લઈ લૂંટારાઓ ફરાર
નરોડાથી આજુબાજુના વિસ્તારના જ્વેલર્સને પણ તેમણે દાગીના બતાવીને મોડી સાંજે તેઓ એકટીવા પર ભરત તીર્થ જ્વેલર્સ પર આવી રહ્યા હતા. પરાગભાઈ અને તેમનો સાથીદાર દાગીના ભરેલો થયેલો એકટીવામાં આગળની બાજુ મૂકીને શાહપુર મેટ્રો સ્ટેશન પાસેના ભરચક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ તેમની પાછળથી બાઈક પર આવેલા બે લૂંટારાઓ સોનાના દાગીના ભરેલી બેગ લઈને ભાગી ગયા હતા.

શહેરભરની પોલીસને એલર્ટ
બનાવ સંદર્ભે પરાગભાઈ અને તેમના સાથીદારે તીર્થ જ્વેલર્સ અને કંટ્રોલ રૂમમાં જાણ કરતા શહેરભરની પોલીસને એલર્ટ કરી દેવામાં આવી હતી. માધુપુરા પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી અને એસીપી રાણા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આઇપીએસ અધિકારી નીરજ બડગુજરને પણ આ ઘટનાની જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

શંકાસ્પદ લોકોને ચેક કરવાની કવાયત શરૂ
સમગ્ર ઘટનાની માહિતી મેળવીને લૂંટારોને ઝડપી લેવા માટે પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા. મોડી રાત્રે સમગ્ર શહેરમાં નાકાબંધી કરવામાં આવી હતી અને શંકાસ્પદ લોકોને ચેક કરવાની કવાયત શરૂ કરવામાં આવી હતી. નીરજ બડગુજરના જણાવ્યા મુજબ ફરિયાદીના જણાવ્યા મુજબ થેલામાં લગભગ સાડા સાત કિલો સોનાના દાગીના હતા.

અન્ય સમાચારો પણ છે...