આજના ડિજિટલ જમાનામાં મંદિરો પણ હવે ડિજિટલ બન્યા છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા અંજની માતા મંદિરમાં ડિજિટલ દાનપેટીની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત સહિત દેશભરમાં હનુમાન જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તજનો દર્શન માટે આવી રહ્યા છે. તેવામાં ભક્તજનો સરળતાથી દાન પેટેની રકમ આપી શકે તે માટે ડિજિટલ પેટીની વ્યવસ્થા કરવામાં આવી છે.
અત્યાર સુધી મોટી મોટી દુકાનો, શોપિંગ મોલમાં ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા જોવા મળતી હતી. પરંતુ અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા અંજની માતા મંદિરમાં હનુમાન જયંતિના દિવસે એક રસપ્રદ બાબત જોવા મળી. મંદિર પ્રશાસન દ્વારા અહીં દાન તરીકેની રકમ સ્વીકારવા માટે મંદિરના અલગ અલગ સ્થાન પર QR કોડના પોસ્ટર મુકવામાં આવ્યા, એટલે કે ડિજિટલ દાનપેટીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી. મંદિરમાં દર્શન માટે આવતા ભક્તજનો દાનપેટીમાં રકમ આપતા જોવા મળે છે પરંતુ સાથે સાથે પોતાના મોબાઈલની મદદથી QR કોડ સ્કેન કરી ડોનેશન આપતા જોવા મળ્યા.
મંદિરના મહંત વિજય દાસ મહારાજે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે, 'દર વર્ષે ધામધૂમપૂર્વક હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આ મંદિરની વિશેષતા એ છે કે, અહીં હનુમાનજીની સાથે-સાથે તેમની માતા અંજનીની પણ પૂજા-અર્ચના કરવામાં આવે છે. મોટી સંખ્યામાં ભક્તજનો દર્શન માટે આવતા હોય છે. ત્યારે તેઓ દાન થકી પોતાનો ભાવ પ્રગટ કરી શકે તે માટે ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરના અંદરના ભાગ ઉપરાંત બહારના હિસ્સામાં 5 જેટલા QR કોડ મુકવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.