ડિજિટલ આંદોલન:ગ્રેડ પે મામલે રાજ્યના પોલીસ કર્મીઓ લડી લેવાના મૂડમાં, આવતીકાલે આંદોલનના એંધાણ

અમદાવાદ3 મહિનો પહેલા
  • એડિશનલ DGPનો પરિપત્ર-સોશિયલ મીડિયા પર ટીપ્પણી ન કરવા સૂચના
  • 4200, 3600, 2800 ગ્રેડ પે કરવા માંગ
  • પોલીસ કર્મીઓએ યુનિયન બનાવવાની પણ માંગણી કરી

પોલીસ કર્મચારીઓના સોશિયલ મીડિયા મારફતે ચાલી રહેલા ગ્રેડ પે આંદોલનનો મામલે પોલીસની અભિવ્યક્તિ પર ઉપરી અધિકારીઓની તરાપના આરોપ લાગી રહ્યા છે. આચારસંહિતાની અમલવારી કરવા અધિક પોલીસ મહાનિર્દેશક નરસિમ્હા કમારે પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં સોશિયલ મીડિયા પર આચારસંહિતા ભંગ થતી ટીપ્પણી ના કરવા સૂચના આપવામાં આવી છે. પોલીસના પગાર અને ગ્રેડ પે બાબતે સોશિયલ મીડિયામાં મોટા પાયે આંદોલન ચાલી રહ્યું છે જેને અધિક પોલીસ મહાનિર્દેશક પોલીસકર્મીઑને પરિપત્ર જાહેર કરી આમ ન કરવા સૂચના આપી છે.

LRD,ASI, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મીઓએ પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં 25-10-2021એ પોલીસ મહા આંદોલનના સ્ટેટ્સ મુક્યા છે. જે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે. આ સ્ટેસ્ટને પગલે આવતીકાલે(25 ઓક્ટોબર) આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે. તેમજ ગ્રેડ પે મામલે પોલીસ કર્મીઓ લડી લેવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર આચારસંહિતાનું પાલન કરવા માટેની સૂચના આપતો પરિપત્ર
સોશિયલ મીડિયા પર આચારસંહિતાનું પાલન કરવા માટેની સૂચના આપતો પરિપત્ર

ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું વિચારણા કરાશે
આ બાબતે ગૃહારાજ્ય મંત્રી હર્ષ સંઘવીને શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલા એકતા પરેડ અને આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે યોજાયેલ કાર્યક્રમમાં પૂછતાં તેઓએ નિવેદન આપ્યું કે આ અંગે ચોક્કસ વિચારણા કરવામાં આવશે અને માગણી યોગ્ય લાગશે તો જરૂરી બદલાવ પણ કરીશું, આ બાબતનું વિશ્લેષણ કરવામાં આવશે.

સોશિયલ મીડિયામાં પોલીસ કર્મીઓએ સ્ટેટસમાં મુકેલો ફોટો વાઈરલ
સોશિયલ મીડિયામાં પોલીસ કર્મીઓએ સ્ટેટસમાં મુકેલો ફોટો વાઈરલ

પોલીસ કર્મીઓની શું છે માંગ
ગુજરાતના વિવિધ કર્મચારી યુનિયનના દબાણથી કર્મચારીઓનો ગ્રેડ પે અને ભથ્થામાં સુધારા થઈ રહ્યા છે. રાજ્યના તમામ કર્મચારીઓના મળવા પાત્ર લાભ અંગે બંધારણીય સમાનતા જળવાઈ રહે તે માટે પોલીસ કર્મચારીઓના જાહેર હિતમાં રજૂઆત કરી કર્મચારીઓને વિવિધ સેવાઓ આપવામાં માંગણી કરવામાં આવી છે.

રાજ્યના ASI(આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર), હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલના ગ્રેડ પે ખૂબ ઓછા છે. જેના બદલે 4200, 3600, 2800 ગ્રેડ પે કરવા તેમજ ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓને મળતા વર્ષો જુના ભથ્થામાં તાત્કાલિક વધારો કરવા માગણી કરવામાં આવી છે. આ પોલીસ કર્મીઓ દ્વારા ગ્રેડ પે વધારોની માંગણીની સાથે સાથે યુનિયન બનાવવાની પણ માંગણી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...