પેટ્રોલના ભાવ પબ્લિક ટ્રાન્સપોર્ટને ફળ્યા:પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં લોકોએ બાઇક-કાર છોડી, બસોમાં જોરદાર ધસારો, AMTS-BRTSને બખ્ખા

અમદાવાદએક મહિનો પહેલાલેખક: સારથી એમ.સાગર
  • ઇંધણના ભાવવધારાએ લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરવા મજબૂર કર્યા
  • જેમ જેમ પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ગયા તેમ તેમ સરકારી બસોમાં મુસાફરો વધતા ગયા

મોંઘવારી સાત વર્ષની ટોચ પર છે. પેટ્રોલ-ડીઝલમાં દિવસે ને દિવસે વધતા ભાવોએ મધ્યમવર્ગની કમર તોડી નાખી છે. અનેક પરિવારનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. અમુક વસ્તુઓમાં ફરજિયાત કાપ મૂકવો પડી રહ્યો છે. 105 રૂપિયા લિટર પેટ્રોલ ન પરવડતાં અનેક લોકોએ બાઈક કે કાર ચલાવવાનું છોડી દીધું છે. અનેક લોકો ધંધા કે નોકરી પર જવા માટે હવે પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે સરકારી બસો પકડી રહ્યા છે. અમદાવાદમાં બસોમાં જોવા મળતી ભીડ આ વાતનો પુરાવો છે. AMTS- BRTSમાં એપ્રિલ મહિનામાં મુસાફરોનો રેકોર્ડબ્રેક આંકડો નોંધાયો હતો.

દૈનિક 5.13 લાખ લોકોએ બસનો ઉપયોગ કર્યો

ધંધા-નોકરી પર જવા માટે લોકો પોતાના પર્સનલ વ્હીકલની જગ્યાએ બસોમાં જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. અમદાવાદમાં ચાલતી સરકારી બસોના આંકડા પર નજર કરીએ તો AMTSમાં એપ્રિલ મહિનામાં દરરોજ સરેરાશ 3.47 લાખ લોકોએ મુસાફરી કરી હતી, જ્યારે BRTSમાં એપ્રિલ-22માં સરેરાશ 1.66 લાખ લોકો બેઠા હતા. બંને મળી દરરોજ એવરેજ કુલ 5.13 લાખ લોકોએ સરકારી બસોનો ઉપયોગ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં હાલમાં આશરે 650 જેટલી લાલ બસ તથા 350 જેટલી BRTS બસ ચાલી રહી છે.

લાલ બસમાં દૈનિક મુસાફરોની સંખ્યા 3.50 લાખ નજીક પહોંચી

અમદાવાદની ધોરી નસ સમાન AMTS (અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ)ના છેલ્લા 16 મહિનાના ડેટા તપાસીએ તો એપ્રિલ-22 મહિનામાં સૌથી વધુ દૈનિક સરેરાશ 3.47 લાખ લોકોએ મુસાફરી હતી. આ પહેલાં ડિસેમ્બર-21 મહિનામાં સૌથી વધુ દૈનિક સરેરાશ 3.04 લાખ લોકોએ મુસાફરી કરી હતી. એપ્રિલથી પેટ્રોલના ભાવ ફરી વધુ ઊંચકાયા હતા, જેને કારણે લાલ બસ એટલે કે AMTS બસોમાં મુસાફરોની સંખ્યા વધી હોઈ શકે એમ કહી શકાય.

BRTSમાં ત્રણ મહિનાથી સતત મુસાફરોની સંખ્યા વધી

અમદાવાદના BRTS (બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ)માં સફર કરનારા લોકોની વાત કરીએ તો AMTSની જેમ BRTSમાં પણ છેલ્લા 18 મહિનામાં એપ્રિલ-22માં સૌથી વધુ દૈનિક 1.66 લાખ લોકોએ મુસાફરી હતી, જ્યારે માર્ચમાં દૈનિક 1.54 લાખ અને ફેબ્રુઆરીમાં દૈનિક 1.37 લાખ મુસાફરે બીઆસટીએસનો ઉપયોગ કર્યો હતો.

ઇંધણના ભાવ વધ્યા બાદ હવે બસમાં જવું પડે છે- મુસાફર

આ અંગે દિવ્ય ભાસ્કરે મુસાફરો સાથે વાત કરી હતી, જેમાં નિખિલરાજ નામના મુસાફરે હતું, ''પહેલાં હું મારા વાહન પર મુસાફરી કરતો હતો, પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા બાદ હવે બસમાં જવું પડે છે. પોતાનું વાહન પોતાનું જ હોય છે. એમાં વધારે સારું લાગતું હતું અને સારી રીતે જતા હતા. બસમાં ભીડ વધારે હોય છે. ગરમી પણ લાગે છે, એમાં શું કરી શકાય? થોડુંઘણું કોમ્પ્રોમાઇઝ તો કરવું પડે છે. પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને અડી ગયા છે.''

BRTSના સત્તાવાળાનો સ્વીકાર- ઈંધણના ભાવ વધતાં મુસાફરો વધ્યા

​​​​​​​BRTSના સત્તાવાળાઓએ પણ ઈંધણના ભાવ વધ્યા હોવાથી મુસાફરો વધ્યાનો સ્વીકાર કર્યો હતો. BRTSના જનરલ મેનેજર વિશાલ ખનામાએ કહ્યું, ''પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારાને કારણે ચોક્કસથી મુસાફરો વધ્યા છે, જોકે ગરમી પણ સંખ્યા વધવામાં એક ફેક્ટર રહ્યું છે. BRTSમાં એસી હોવાથી નાગરિકો માટે સગવડતા રહે છે.''

AMTSના ચેરમેને કહ્યું- ગરમી અને સુવિધાને કારણે મુસાફરો વધ્યા

​​​​​​​બીજી તરફ, એએમટીએસ તંત્રે સુવિધા અને સગવડને કારણે મુસાફરો વધ્યાનું જણાવ્યું હતું. AMTSના ચેરમેન વલ્લભભાઇ પટેલે કહ્યું, ''છેલ્લા ઘણા સમયથી નવા સુધારા કરવામાં આવ્યા છે. સારી સગવડ આપવામાં આવી છે, બસોની ફ્રિકવન્સી વધારવામાં આવી છે, 100 જેટલી નવી બસો મૂકી છે અને ગરમીનું પ્રમાણ પણ હાલમાં વધારે છે. એને કારણે સમયસર બસ મળી રહેતાં પેસેન્જરમાં ખૂબ મોટો વધારો થયો છે. સારા ચાલતા રૂટ પર બસોની સંખ્યા વધારી છે. ગરમી અને અમદાવાદ શહેરની વસતિને ધ્યાનમાં રાખીને અમે 500 જેટલી નવી બસો લેવાનું આયોજન કર્યું છે, જેથી આવનારા દિવસોમાં લોકોને સુવિધાજનક મુસાફરી મળી રહે એ માટે એનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...