કોન્ટ્રાક્ટર નક્કી જ હોય!:AMCના રોડ હોય કે ડ્રેનેજનું કામ, કોન્ટ્રાક્ટ ધ્રુવી બિલ્ડકોન કંપનીને જ મળે, વોટર કમિટિના 12માંથી 7 ટેન્ડર મંજૂર

અમદાવાદએક વર્ષ પહેલા
વોટર સપ્લાય એન્ડ સુઅરેઝ કમિટિની બેઠકમાં ચેરમેન જતીન પટેલ(વચ્ચે)

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ કમિટીઓની રચના બાદ આજે(4 જૂન) વોટર સપ્લાય એન્ડ સુઅરેઝ કમિટિની પહેલી મીટીંગ ચેરમેન જતીન પટેલ અને ડેપ્યુટી ચેરમેન ભરત પટેલની આગેવાનીમાં મળી હતી. વોટર સપ્લાય કમિટીની પહેલી જ મીટિંગના એજન્ડામાં કુલ 12 જેટલા કામો મુકવામાં આવ્યા હતા. જેમાં રૂ. 2.50 કરોડથી વધુની રકમના 7 કામ શહેરની ધ્રુવી બિલ્ડકોન પ્રાઇવેટ લિમિટેડના મંજૂર કરવામાં આવ્યા છે.

સૌથી ઓછા ભાવના ટેન્ડર ધ્રુવી બિલ્ડકોનના ટેન્ડર મંજૂર કરવાની દરખાસ્ત મુકવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ, બિલ્ડીંગ હોય કે ડ્રેનેજ, વોટર સપ્લાયના કામ માટે કોન્ટ્રાક્ટર નક્કી હોય એવું લાગી રહ્યું છે. કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોય તેમ જણાય છે.

17 ટકાથી 32 ટકા સુધીના ઓછા ભાવના ટેન્ડર ભર્યા હતા
વોટર સપ્લાય કમિટિના 12 જેટલા કામમાંથી પશ્ચિમ ઝોનમાં આવતા રાણીપ, પાલડી, નવરંગપુરા વોર્ડમાં જુદી જુદી ચાલીઓ, ગામતળ વિસ્તારમાં નવી સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન, ડ્રેનેજ લાઈનો નાખવાની અને ઉત્તર ઝોન તેમજ પૂર્વ ઝોનમાં મેઈન ડ્રેનેજ ટ્રંક લાઈનને આકસ્મિક સંજોગોમાં મરમત કરવા, શિફ્ટ, ડાયવર્ટ અને અન્ય જોડાણ માટેના કામના ટેન્ડરો ધ્રુવી બિલ્ડકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અંદાજીત ભાવથી 17 ટકાથી 32 ટકા સુધીના ઓછા ભાવના ટેન્ડર ભરવામાં આવ્યા હતા. જેને આજે કમિટીએ 20 મિનિટમાં મંજૂર કરી દીધા હતા.

12માંથી 11 કામ મંજૂર કરવામાં આવ્યા
આજે મળેલી પહેલી બેઠકમાં વોટર સપ્લાય કમિટિના સભ્યો અને અધિકારીઓ વચ્ચે સંકલન જળવાય તે હેતુથી કયા અધિકારીઓ કયો હવાલો સંભાળે છે તેની જાણકારી આપવામાં આવી હતી. ડેપ્યુટી કમિશનરથી લઈ ઝોનના વોટર પ્રોજેક્ટના અધિકારીઓના ફોન નંબરની આપ લે કરી હતી. વોટર સપ્લાય કમિટિના ચેરમેન જતીન પટેલે જણાવ્યું હતું કે આજે મળેલી બેઠકમાં 12 કામમાંથી 11 કામ મંજૂર કરવામાં આવ્યા છે. એક કામ સિંગલ ટેન્ડરનું હતું જે રિટેન્ડર કરવામાં આવ્યું છે.

51000 જેટલી કેચપીટ બે વખત સાફ કરી
શહેરમાં બે ઝોન સિવાયના તમામ ઝોનમાં કુલ 51000 જેટલી કેચપીટ બે વખત સાફ કરવામાં આવી છે. ત્રીજા રાઉન્ડમાં પણ કેચપીટ સફાઈ કરવાની વિચારણા કરાઈ છે. ઉપરાંત અધિકારીઓને ડ્રેનેજ લાઈનો આવેલી છે તેની સફાઈ કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...