ધોલેરામાં દેશનો પહેલો સેમિ કન્ડક્ટર પ્લાન્ટ લગાવવાના હાલમાં જ એમઓયુ થયા છે. આ પ્લાન્ટ વેદાન્તા અને તાઇવાનની કંપની ફોક્સકોનનું સંયુક્ત સાહસ છે. આ માટે રૂ. 174 હજાર કરોડનું રોકાણ કરાઇ રહ્યું છે, જે ભારતના ઇતિહાસનું સૌથી મોટું કોર્પોરેટ ઇન્વેસ્ટમેન્ટ છે. સેમિ કન્ડક્ટર પ્લાન્ટના ભારતમાં શરૂ થવાનો અર્થ શું છે અને તેનાથી શું બદલાશે? દેશના અર્થતંત્ર અને રોજગારી પર તેની શું અસર પડશે? આટલા મોટા પ્રોજેક્ટ માટે ધોલેરાની પસંદગી કેમ? દિવ્ય ભાસ્કર માટે ડી ડી વૈષ્ણવે આવા જ કેટલાક સવાલોના જવાબ મેળવ્યા વેદાન્તાના ચેરમેન અનિલ અગ્રવાલ પાસેથી. વાંચો...
સેમિ કન્ડક્ટર ચિપ દેશ માટે મહત્ત્વની કેમ છે?
આ નવા જમાનાની જરૂરિયાત છે. નાનકડા મોબાઇલ ફોનથી માંડીને મોટાં-મોટાં જહાજો સુધીની દરેક ચીજ બનાવવામાં તેની ભૂમિકા મહત્ત્વની છે. હાલ સેમિ કન્ડક્ટર ઉત્પાદનમાં અમેરિકાનો હિસ્સો 12% છે, જ્યારે ચીન-તાઇવાન જેવા દેશોનો 80%. જરા વિચારો, જો ચીન સેમિ કન્ડક્ટરનો સપ્લાય રોકી દે તો દુનિયા ઈલેક્ટ્રોનિક્સના મામલામાં ઠપ થઇ જાય. કોરોનામાં ચીનની સપ્લાય ચેઇન તૂટી ત્યારે આપણે એ જોઇ ચૂક્યા છીએ.
આ પ્લાન્ટ ચીનની દાદાગીરી રોકશે
સેમિ કન્ડક્ટરના ઉત્પાદનમાં 80% બજાર પર ચીન જેવા દેશોનો કબજો છે. જરા વિચારો, ચીન આ સપ્લાય રોકી દે તો શું થાય? આખી દુનિયા થંભી જશે. કોરોનામાં આપણે તે જોઇ ચૂક્યા છીએ. ભારતનો આ પ્લાન્ટ ચીનનું આધિપત્ય ખતમ કરશે.- અનિલ અગ્રવાલ, ચેરમેન, વેદાન્તા જૂથ
તેનાથી શું બદલાશે?
બધું જ. સેમિ કન્ડક્ટર ભારતના અર્થતંત્ર માટે ‘તેલ’નું કામ કરશે. જેમ ખાડી દેશોની દુનિયા ઓઇલ બિઝનેસે બદલી, એમ આ ચિપ ભારતનું અર્થતંત્ર બદલી નાંખશે. ભારતમાં રોજેરોજ તેની ખપત વધી રહી છે. 2026 સુધી 300 બિલિયન ડૉલર મૂલ્યના ઈલેક્ટ્રોનિક્સ નિર્માણ માટે 70-80 બિલિયન ડૉલરની કિંમતે સેમિ કન્ડક્ટરની જરૂર પડશે. સેમિ કન્ડક્ટર અને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ, એસેમ્બલિંગ અને ટેસ્ટિંગમાં ભારત એક મજબૂત પ્લેયર બનીને ઊભરશે.
પ્લાન્ટ મહારાષ્ટ્રમાં શરૂ થવાનો હતો, તો ધોલેરા કેમ?
અમારે એક સ્થળેથી શરૂઆત કરવાની હતી. અમે ધોલેરા પસંદ કર્યું. હકીકતમાં સપ્લાય ચેઈન કોઈ પણ ઉદ્યોગ માટે ખૂબ જરૂરી હોય છે. ધોલેરા દેશના મહત્ત્વાકાંક્ષી નેશનલ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર ડેવલપમેન્ટમાં સામેલ છે. કનેક્ટિવિટી સરળ છે. કાર્ગો સુવિધા માટે અમદાવાદ-વડોદરા એરપોર્ટ છે. પીપાવાવ, મુંદ્રા, કંડલા, ભાવનગર પોર્ટ પણ ધોલેરા નજીક છે. લેન્ડ રૂટ પર ધોલેરા વેસ્ટર્ન ફ્રન્ટ કોરિડોર પણ નજીક છે. ધોલેરા-અમદાવાદ એક્સ્પ્રેસ વે છે. રેલ કનેક્ટિવિટી છે. સપ્લાય ચેઇન માટે દરેક રીતે ધોલેરા અમારી પસંદમાં ખરું ઊતર્યું હતું.
ગુજરાત સરકાર પાસેથી કોઇ ખાસ રાહત મળી છે?
ગુજરાત સરકારે દસ વર્ષ માટે પ્રતિ યુનિટ રૂ. બેના દરે વીજળી આપવાની વાત કરી હતી. ગુજરાત ઈલેક્ટ્રિસિટી ડ્યૂટી એક્ટ 1958 હેઠળ ડ્યૂટી પેમેન્ટમાં છૂટ મળશે. કેટલીક સબસિડી પણ મળી છે. સરકારની ઉદ્યોગ નીતિ છે, જેનાથી આ બધું સરળ થઇ ગયું.
પ્રોજેક્ટ ક્યારે શરૂ થશે?
બસ, કેન્દ્ર સરકારની મંજૂરીની રાહ જોવાઇ રહી છે. જેવી કેન્દ્રથી એપ્રૂવલ આવશે, અમે ભૂમિપૂજન કરીશું. ભૂમિપૂજનના 30 મહિનામાં ઉત્પાદન શરૂ થઇ જશે. સેમિ કન્ડક્ટર પ્રોજેક્ટ બે ફેઝમાં થશે.
ગુજરાતને શું લાભ થશે?
તેનાથી આશરે એક લાખ લોકોને રોજગારી મળશે. સેંકડો એમએસએમઇ બનાવાશે. દુનિયાના નકશામાં જે માન-સન્માન સિલિકોન વેલીનું છે, તે ગુજરાતના ધોલેરાને મળશે.
ધોલેરા SIRમાં સેમિકોન સિટીના પ્રોજેક્ટને 75 ટકા સબસિડી મળશે
ગુજરાતમાં ચિપ ઉત્પાદન ક્ષેત્રે રોકાણકારોને આકર્ષવા માટે સરકાર દ્વાર મહત્ત્વની પોલિસી જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સેમી કન્ડકટર પોલિસી જાહેર કરવામાં આવી છે. આ પોલિસી જાહેર થતા જ ગુજરાત ચિપ મેન્યુફેક્ચરિંગનું હબ બનશે. આ પોલીસી અંતર્ગત ભારત સરકારની ઇન્ડિયા સેમી કન્ડકટર મિશન દ્વારા મૂડી સહાયના 40 ટકાના દરે વધારાની સહાય રાજ્ય સરકાર આપશે. આ માટે ધોલેરા ખાતે સેમિકોન સિટી સ્થાપવામાં આવશે. 200 એકર જમીન ખરીદી પર 75 ટકા સબસિડી પણ જાહેર કરવામાં આવી છે. પહેલા 5 વર્ષમાં પ્રતિ ઘન પાણી 12 રૂપિયામાં પૂરું પાડવામાં આવશે. સરકારની આ પોલિસીથી આગામી 5 વર્ષમાં 2 લાખ લોકોને રોજગારી મળવાનો અંદાજ છે. આ સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.