અમદાવાદ જિલ્લાના ધંધૂકા શહેરમાં માલધારી સમાજના યુવકની હત્યા કેસમાં સનસનીખેજ ખુલાસો થયો છે. યુવકની હત્યા ધાર્મિક પોસ્ટના કારણે થઈ હોવાનું પોલીસ સૂત્રોમાંથી બહાર આવ્યું છે. ત્યારે હત્યારાઓના સીસીટીવી ફૂટેજની તસવીર બહાર આવી છે. જેમાં શકમંદ હત્યારા સીસીટીવીમાં કેદ થયા છે. જેમાં બાઈક પર હત્યારા જતાં હોય તેવું જણાઈ રહ્યું છે. આ ઘટનામાં કિશન ભરવાડ જેવો રાત્રે પોતાના ઘરે જતો હતો ત્યારે પહેલાથી રેકી કરીને બાઈક પર સવાર બંને શખસો પૈકીના એકે ફાયરિંગ કરતાં એક મિસફાયર થયું હતું અને બીજી ગોળીએ કિશનનો જીવ લઈ લીધો હતો.
સીસીટીવી ફૂટેજમાં શું દેખાય છે
25મી જાન્યુઆરી (મંગળવારે)એ ધંધૂકામાં કિશન ભરવાડ નામના યુવકની હત્યા કરાઈ હતી. હત્યામાં વિધર્મીઓની સંડોવણી ખુલી છે. ત્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. જેમાં બે હત્યારા બાઈક પર જતાં દેખાયા છે. એકે લાલ રંગનો શર્ટ અને બીજાએ લાઈટ લીલો શર્ટ પહેરેલો દેખાય છે. આ બંને શખસે જ ભરવાડ યુવકને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પોલીસે બે શંકાસ્પદ આરોપીઓને ઝડપ્યા
આ વાતની જાણકારી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આપી હતી. તેમણે કહ્યું કે, 'હું તેમના પરિવારને ખાતરી આપું છું કે, તેમને ઝડપથી ન્યાય મળશે, જેના માટે ગુજરાત પોલીસ સતત કાર્યરત છે.'
ગઈકાલે રાણપુર બંધનું એલાન હતું
હત્યાના વિરોધમાં 27મી જાન્યુઆરીએ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ધંધૂકા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના પગલે સવારથી ધંધુકા સજ્જડ બંધ રહ્યું હતું. સવારથી તમામ વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે સમગ્ર જિલ્લાની એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
સમગ્ર બનાવ શું હતો?
મંગળવારે મોડી રાત્રે કિશન ભરવાડ નામનો યુવક જુના ઘર પાસેથી પસાર થતો હતો. ત્યારે બે અજાણ્યાં શખસોએ આવીને ફાયરિંગ કર્યું હતું. જેમાં એક મિસ ફાયર થયું હતું અને બીજી ગોળી વાગતા કિશનનું હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું. ઘટનાને પગલે માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો. જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની માગ કરાઈ હતી. જો કે આગેવાનો અને પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકારી લેવાયો હતો.
વિરોધ પ્રદર્શનને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
આ અંગે અમદાવાદ રેન્જ આઈજી વી.ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, ધંધૂકામાં આજે સવારથી માહોલ શાંત છે. કેટલાક લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેથી SP સહિતના અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પણ મૃતકના આરોપીની શોધખોળ કરવામાં આવી છે, આરોપી ધરપકડની નજીકમાં છે જેને પકડીને જેલને હવાલે કરવામાં આવશે.
ધંધૂકાના PIની બદલી
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતક કિશનની અંતિમ યાત્રા નીકળી હતી. ઘટનાને પગલે સમગ્ર ધંધુકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હત્યાની ઘટના બાદ ધંધુકાના PI સી.બી.ચૌહાણને હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ સાણંદના PI આર.જી.ખાંટને ધંધૂકામાં મુકવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.