કાળી ચૌદશનો મહિમા:અમદાવાદના નગરદેવી ભદ્રકાળીના મંદિરે ભક્તો ઉમટ્યા, માતા ભદ્રકાળીને વિશેષ શણગાર કરાયો

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વહેલી સવારથી અમદાવાદના ભદ્રકાળી મંદિર પર લોકો દર્શન માટે પહોંચ્યા હતા. - Divya Bhaskar
વહેલી સવારથી અમદાવાદના ભદ્રકાળી મંદિર પર લોકો દર્શન માટે પહોંચ્યા હતા.

કાળી ચૌદશને પગલે આજે નગરદેવી ભદ્રકાળીની આરાધનાનું પર્વ છે. આજના દિવસે વહેલી સવારથી અમદાવાદના ભદ્રકાળી મંદિર પર લોકો દર્શન માટે પહોંચ્યા હતા. ભદ્રકાળી નગરદેવી હોવાથી કાળી ચૌદશના દિવસે ભદ્રકાળીના દર્શનનો અનેરો મહિમા છે. જેને લઇને મંદિરમાં સવારથી જ ભક્તોની અવરજવર જોવા મળી હતી. કાળી ચૌદશના દિવસે ભદ્રકાળી માતાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.

કાળી ચૌદશે માત્ર ભદ્રકાળી જ નહીં, પણ હનુમાનજી મંદિર ઉપરાંત ગાંધીનગર જિલ્લાના મહુડી ખાતે પણ દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટતી હોય છે. આજના દિવસે ભગવાન ઘંટાકર્ણ મહાવીરના દર્શનનો પણ અનેરો મહિમા હોય છે. જ્યારે હનુમાનજી મંદિરોમાં યજ્ઞ પણ કરવામાં આવતા હોય છે.

કાળી ચૌદશના શુભ મુહૂર્ત
અમદાવાદના જ્યોતિષાચાર્ય આશિષ રાવના જણાવ્યા પ્રમાણે, 3 નવેમ્બર, બુધવારે સવારે 9 વાગીને 3 મિનિટ સુધી તેરસ તિથિ રહેશે, એ પછી ચૌદશ તિથિ શરૂ થઈ જશે. આ દિવસે પ્રદોષ કાળમાં દીપદાન કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર રાક્ષસનો વધ કર્યો હતો, એટલે તેને કાળી ચૌદશ કહેવામાં આવે છે. આ દિવસે સ્નાન કરતાં પહેલાં પોતાના શરીર ઉપર ઉબટન કે તેલની માલિશ કરવાનું પણ વિધાન છે, જે વ્યક્તિની સુંદરતા વધારે છે એટલે તેને રૂપ ચૌદશ પણ કહેવામાં આવે છે. કાળી ચૌદશની રાતે હનુમાનજીની પૂજા પણ કરવામાં આવે છે. સાંજે સ્થિર લગ્નમાં હનુમાનજીનું પૂજન કરવું તથા ભોગ ધરાવવાનું વિધાન છે.

દીપદાન અને યમ પૂજન
આસો મહિનાની ચૌદશ તિથિએ યમરાજને પ્રસન્ન કરવા માટે સૂર્યાસ્ત પછી દક્ષિણ દિશામાં દીપદાન કરવાથી ક્યારેય અકાળ મૃત્યુ આવતું નથી અને જાણ્યે-અજાણ્યે કરેલાં દરેક પાપ પણ દૂર થાય છે. પ્રસન્ન થઇને યમ આરોગ્ય અને લાંબી ઉંમરના આશીર્વાદ આપે છે, જેથી પરિવારમાં કોઇપણ પ્રકારની પરેશાની આવતી નથી.

આ 6 દેવતાનું પૂજન કરવામાં આવે છે-

1. યમ પૂજા- કાળી ચૌદશના દિવસે યમ પૂજા કરવામાં આવે છે. આ દિવસે રાતે યમપૂજા માટે દીવો પ્રગટાવવામાં આવે છે. આ દિવસે એક દીવામાં સરસિયાનું તેલ ભરીને એમાં પાંચ અનાજના દાણા રાખીને તેને ઘરના એક ખૂણામાં પ્રગટાવવામાં આવે છે, જેને યમ દીપક પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે યમની પૂજા કરવાથી અકાળ મૃત્યુ થતું નથી.

2. કાળી માતાની પૂજા- કાળી ચૌદશના દિવસે કાળી પૂજા પણ કહેવામાં આવે છે. તેના માટે સવારે તેલ લગાવીને નાહવું. તે પછી કાળી માતાની પૂજા કરવાનું વિધાન છે. આ પૂજા કાળી ચૌદશના દિવસે અડધી રાતે કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે માતા કાળીની પૂજા કરવાથી જીવનના બધા જ દુઃખનો અંત આવે છે.

3. શ્રીકૃષ્ણ પૂજા- માન્યતા છે કે ભગવાન શ્રીકૃષ્ણએ આ દિવસે નરકાસુર રાક્ષસનો વધ કરીને તેની કેદમાંથી 16,100 કન્યાઓને છોડાવી હતી, એટલે આ દિવસે શ્રીકૃષ્ણની પણ પૂજા કરવામાં આવે છે.

4. શિવપૂજા- કાળી ચૌદશના દિવસે શિવ ચૌદશ પણ ઊજવવામાં આવે છે. આ દિવસે શંકર ભગવાનને પંચામૃત અર્પણ કરવાની સાથે જ માતા પાર્વતીની પણ ખાસ પૂજા કરવામાં આવે છે.

5. હનુમાનજીની પૂજા- માન્યતા પ્રમાણે આ દિવસે હનુમાનજયંતી પણ ઊજવવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી દરેક પ્રકારના સંકટ ટળી જાય છે.

6. વામન પૂજા- દક્ષિણ ભારતમાં કાળી ચૌદશના દિવસે વામન પૂજા કરવાની પરંપરા પ્રચલિત છે. માન્યતા છે કે આ દિવસે રાજા બલિને ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં દર વર્ષે અહીં પહોંચવાના આશીર્વાદ આપ્યા હતા.