અકસ્માતથી લઈને પડી જવાને કારણે હજારો લોકો માથાના ભાગે ગંભીર ઈજાનો શિકાર બનતા હોય છે. માત્ર એટલું જ નહીં, ઈજાગ્રસ્તને હોસ્પિટલે લઈ ગયા બાદ વિવિધ રિપોર્ટ દ્વારા ઈજાની ગંભીરતાનો ખ્યાલ આવે છે. ત્યારે અમદાવાદનાં પતિ-પત્નીએ એક ખૂબ ઉપયોગી ડિવાઇસ તૈયાર કર્યું છે, જેમાં ઈજાગ્રસ્તનું ઓન ધ સ્પોટ હેડ સ્કેનિંગ કરીને માત્ર બે મિનિટમાં જ ઈજાની ગંભીરતા જાણી શકાશે. આ ડિવાઈસ હોસ્પિટલો અને ડોક્ટરો માટે જ બનાવવામાં આવ્યું છે.
અમદાવાદમાં રહેતા સાયન્ટિસ્ટ એવાં શિલ્પા મલેક અને તેના આંત્ર્યપ્રિન્યોર પતિ અનુપમ લવાણિયા વર્ષ 2013 સુધી સિંગાપોરમાં રહેતાં હતાં, પરંતુ આ દરમિયાન તેમને પોતાના દેશ માટે કંઈક કરી છૂટવાની તમન્ના જાગી. એ માટે તેમણે અલગ અલગ ક્ષેત્રમાં શું થઈ શકે છે એ અંગે સંશોધન પણ કર્યું. એ બાદ ભારતમાં થતા અકસ્માત દરમિયાન ગંભીર ઇજાને કારણે અનેક લોકોનાં મોત થાય છે, જેથી શિલ્પા મલેકે એમાં કંઈક નવું કામ કરવાનો નિર્ણય લીધો અને ભારત પરત ફર્યાં.
દેશ-વિદેશના 200થી વધુ જાણકારોને મળી ડિવાઇસ વિકસાવ્યું
દેશ અને વિદેશના અંદાજે 200થી વધુ જાણકારોને મળી, પરામર્શ કરી 'શેરીબો' નામનું એક ડિવાઇસ વિકસાવ્યું છે. ડિવાઇસ, જે ઓન ધ સ્પોટ અકસ્માત કે અન્ય કોઈ ઘટનામાં માથાના ભાગે થયેલી ઇજા અંગે માત્ર બે મિનિટમાં જ સચોટ રિપોર્ટ આપશે. ઉલ્લેખનીય છે કે શિલ્પાબહેન DRDO(ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન)માં સાયન્ટિસ્ટ તરીકે કામ કરી ચૂક્યાં છે.
રિપોર્ટ સીધો લેપટોપ પર પણ મળશે
સેન્સરથી કામ કરતા આ ડિવાઈસને કેન્દ્ર સરકારના CDSCO(સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન) તરફથી માન્યતા આપવામાં આવી છે. આ ડિવાઈસ ઉપયોગકર્તાના લેપટોપ કે ટેબ્લેટ સાથે પણ જોડાયેલું હશે. ડિવાઈસની સ્ક્રીન પર સ્કેનનો રિપોર્ટ મળી જશે, સાથે સાથે આ રિપોર્ટ સીધા તેના લેપટોપ પર પણ મેળવી શકાય છે. આ ડિવાઈસની ખાસિયત એ છે કે કોઈપણ તાલીમ મેળવેલી વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે છે, મહત્ત્વની વાત એ છે કે આ ડિવાઈસ હોસ્પિટલો અને ડોક્ટરો માટે જ બનાવવામાં આવ્યું છે.
2013માં શરૂ કર્યું હતું ડિવાઈસ વિક્સાવવાનું
શિલ્પા મલેકે વર્ષ 2013માં આ ડિવાઈસ બનાવવાની શરૂઆત કરી હતી. સમય જતાં તેમના પતિ પણ આ કામમાં તેમનો સાથ આપતા ગયા અને બંનેએ સાથે મળીને આ ડિવાઈસ ડેવલપ કર્યું. એ બાદ તેમને હવે આ ડિવાઇસને અંતિમ સ્વરૂપ આપવામાં સફળતા મળી છે. આ ડિવાઈસ બનાવવા માટે રાજ્ય સરકારના કૃષિ સ્ટાર્ટ અપ હેઠળ તેમને આર્થિક સહાય પણ મળી છે.
દર્દીના માથાની ચારેય તરફ સ્કેન કરી ઈજાની ગંભીરતા જાણી શકાશે
આ અંગે શિલ્પાબહેનનું કહેવું છે કે હાલના સમયે જ્યારે અકસ્માત થાય છે અને માથાના ભાગે ઇજા થાય એવા કિસ્સામાં દર્દીને હોસ્પિટલ લઈ જવા પડે છે, ત્યાં જ એની ગંભીરતા અંગે ખ્યાલ આવી શકે છે. જોકે આ ડિવાઇસની મદદથી અકસ્માત સ્થળ પર જ દર્દીના માથા પર ચારેય તરફ સ્કેન કરી ઈજાની ગંભીરતા અંગે જાણી શકાય છે અને નિદાન ઝડપી શક્ય બની શકે છે.
શિલ્પાબહેન આગળ કહે છે, ઘણીવાર અકસ્માત સ્થળ પરથી દર્દીને હોસ્પિટલ લઈ જવામાં લાંબો સમય લાગી જાય છે, જેથી યોગ્ય સારવાર કરવી પડકારરૂપ બને છે, પરંતુ આ ડિવાઈસ માત્ર 2 મિનિટમાં જ સ્કેનનો રિપોર્ટ આપી શકે છે. મોટા ભાગની હોસ્પિટલ કે સેન્ટરમાં અકસ્માતના માસિક 500 કેસ આવતા હોય છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.