શહેરના નવનિર્મિત નરોડા રેલવે ઓવરબ્રિજ સતત વિવાદોમાં આવી રહ્યો છે. ઓવરબ્રિજના નામકરણનો વિવાદ ચાલી રહ્યો છે જેની વચ્ચે આજે યુવા કોંગ્રેસના નેતાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા દ્વારા નવનિર્મિત નરોડા રેલવે ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવે તે પહેલાં જ પોલીસે તેઓની અટકાયત કરી લીધી હતી. રૂ.80 કરોડથી વધુના ખર્ચે બનેલાં આ ઓવરબ્રિજને આજે યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ ઋતુરાજસિંહ ચુડાસમા અને વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ સહિતના કોંગ્રેસના નેતાઓ દ્વારા શરૂ કરવામાં આવનાર હતો.
દલિત સમાજના આગેવાનો ધરણાં પર બેસી ગયા હતા
ઉલ્લેખનીય છે કે, રેલવે ઓવરબ્રિજનું નામ સ્થાનિક દલિત સમાજના સંત રોહીદાસના નામે રાખવા દલિત સમાજની અનેક સંસ્થાઓ અને પશ્ચિમ લોકસભાના ભાજપના સાંસદ સભ્ય ડો. કિરીટ સોલંકી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો. જોકે રેલવેબ્રિજનું નામ અન્ય સમાજના મહારાજના નામે રાખવામાં આવતા આજે સવારથી સ્થાનિક દલિત સમાજના આગેવાનો અને લોકો નરોડા રેલવે ઓવર બ્રિજના છેડે ધરણાં પર બેસી ગયા હતા. જો કે સમજાવટ બાદ ધરણાં સમેટી લેવાયા હતા.
નામકરણ માટે રજૂઆત કરી હતી
નરોડા રેલવે સંત રોહીદાસ ઓવરબ્રિજ નામકરણ કરવા રજૂઆત કરવામાં આવી હતી. ભાજપના સાંસદ સભ્ય ડો.કિરીટ સોલંકીએ પત્ર લખી રજુઆત બાદ પણ મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના જ શાસકોએ સાંસદ સભ્યને પણ ગાંઠયા નહિ. સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદના કામોમાં સરદારનગર વોર્ડના કોર્પોરેટર કંચનબેન પંજવાણીની દરખાસ્તને ધ્યાને રાખી નરોડા રેલવે ઓવરબ્રિજનું નામ સતગુરુ સ્વામી ટેઉરામજી મહારાજ રેલવે ઓવરબ્રિજ રાખવા મંજૂરી આપવામાં આવી હતી.
છેલ્લા બે વર્ષથી બ્રિજ બંધ હતો
નરોડા રેલવે ઓવરબ્રિજ બનીને તૈયાર થઇ ગયો છે. નરોડા અને તેની આસપાસના રહેતા લોકોને છેલ્લા બે વર્ષથી આ બ્રિજ બંધ હોવાના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. બ્રિજ હવે સંપૂર્ણપણે બનીને તૈયાર છે પરંતુ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં હજી પણ વિલંબ તથા તેવી શક્યતાને પગલે નરોડાના સ્થાનિક રહીશો દ્વારા આ બ્રિજનું જાતે લોકાર્પણ કરી દેવામાં આવ્યું હતું અને બીજું નામ પણ સંત રોહીદાસ ઓવરબ્રિજ રાખવામાં આવ્યું હતું.
સ્થાનિક રહીશો દ્વારા આ બ્રિજ ચાલુ કરી દેવામાં આવતા તાત્કાલિક ધોરણે બીજા દિવસે સવારે બેરીકેડ મુકી અને બંધ કરવામાં આવ્યો હતો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર શાહપુર બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ અને નરોડા સ્થાનિક કોર્પોરેટરો, અધિકારીઓ તાત્કાલિક બ્રિજ પર પહોંચ્યા હતા. રેલવે ઓવરબ્રિજની કામગીરીનું નિરીક્ષણ કરી અને જે કામગીરી બાકી હોય તે ઝડપથી પૂરી કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.