ભાસ્કર એક્સક્લૂસિવનવરાત્રિમાં ડિટેક્ટિવની ફુલ ડિમાન્ડ:દિલફેંક પતિ કે પત્નીની જાસૂસી કરાવવા મોં માગ્યા રૂપિયા આપે છે પાર્ટનર્સ, હોટલમાં જશો તો ક્લાયન્ટને સીધા ઇન્ફોર્મ કરશે!

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: ચેતન પુરોહિત

ત્રણ વર્ષે નવલાં નોરતાંની રાતે ગરબે ઘૂમવાનો આ વખતે ફુલ મોકો મળ્યો છે. જો કે, ગરબે ઘૂમવાની સાથે-સાથે છેલબટાઉ યુવક-યુવતીઓ ત્રાહિત વ્યક્તિ સાથે ક્યાંય 'અખિયાં મિલાંકે..' કરી જાય તો પોતાનો સંસાર સળગવાની જીવનસાથીને બીક રહે છે. આ ઉપરાંત પોતાની દીકરી કોઈ ખરાબ સંગતમાં પડે તો કાયમ માટે ડાઘ ન લાગે તેની પણ ચિંતા મા-બાપને કોરી ખાતી હોય છે. આ કારણથી જ હવે માલેતુજાર પરિવારોના પરિણીત સભ્યો પોતાના પાર્ટનરની જાસૂસી કરાવવા નવરાત્રિ માટે ડિટેક્ટિવ રાખે છે. પૈસાદારો તેમના પાર્ટનરને પોતાના ગ્રુપ સાથે ગરબે રમવા જવા તો દે છે પણ તેમની પળે-પળની માહિતી મેળવવામાં તેઓ કોઈ કચાશ રાખતા નથી. આ પ્રાઈવેટ ડિટેક્ટિવ પણ ટાર્ગેટ જેવું પરપુરુષ કે સ્ત્રી સાથે હોટેલ કે એકાંતના સ્થળે જાય કે તુરંત ક્લાયન્ટને જાણ કરી દે છે.

જાસૂસી પાછળ પાણીની જેમ વહાવે છે પૈસા
આ અંગે અમદાવાદમાં 25 વર્ષથી ડિટેક્ટિવ તરીકે કામ કરતા લલિત રાવલે જણાવ્યું કે, આ વખતે રોજના પાંચથી સાત ક્લાયન્ટની ક્વેરી આવે છે. તેમજ હાલ રૂ. 12,000થી લઈને 25,000 સુધીનું પેકેજ લેતા પણ લોકો ખચકાતા નથી. ક્લાયન્ટને એક જ વસ્તુ જોઈએ છે, પોતાના લાઈફ પાર્ટનર કે બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડની વફાદારી. આજકાલ તો માતા-પિતા, ખાસ કરીને ધનિક પરિવારના લોકો પોતાની યુવાન દીકરીઓની પણ નવરાત્રિમાં જાસૂસી કરાવે છે જેથી તે કુસંગતે ચઢી ન જાય.

જાસૂસી પાછળ પાણીની જેમ વહાવે છે પૈસા
જાસૂસી પાછળ પાણીની જેમ વહાવે છે પૈસા

ડ્રગ્સનું દૂષણ વધતાં માતા-પિતાના જીવ અદ્ધર રહે છે
નવરાત્રિમાં યુવક-યુવતીઓ ગરબે રમવા જાય ત્યારે પરિવારને ઘણી ચિંતા થતી હોય છે. તેમાં પણ અમદાવાદમાં હાલ ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે તેવા સમયે પોતાનો વહાલસોયો કે કાળજાનો કટકો કોઈ ખોટી સંગતમાં ન ફસાઈ જાય તે માટે મા-બાપ ખૂબ સતર્ક રહે છે. લગ્ન પહેલાં નવરાત્રિ દરમિયાન રાતે રખડતાં પ્રેમી-પ્રેમિકાઓ તથા પત્ની કે પતિ ગરબા રમતી વખતે કોની સામે વધુ જોયા કરતી હોય છે તેની પણ જાણકારી મેળવવા માટે લાઇફ પાર્ટનર હવે ડિટેક્ટિવને કામ સોંપી રહ્યા છે. સામાન્ય દિવસોમાં પતિ કે પત્નીની બેવફાઇ અંગે જાસૂસી કરવાનું જેટલું કામ મળતું હોય છે તેના કરતાં નોરતાંમાં જાસૂસી કરવાનું કામ વધતું હોય છે. જોકે, આ વર્ષે તો જીવનસાથીની જાસૂસી કરાવવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

જાસૂસી કરાવવાનું પ્રમાણ વધ્યું
જાસૂસી કરાવવાનું પ્રમાણ વધ્યું

તમામ વિગતો પુરાવા સાથે ક્લાયન્ટને આપે છે
ગુજરાતમાં તેમજ મોટાં શહેરોમાં 25 વર્ષથી ડિટેક્ટિવ તરીકે કામ કરતા લલિત રાવલે દિવ્ય ભાસ્કરને ચોંકાવનારી વિગતો આપતા કહ્યું હતું કે સામાન્ય રીતે NRI પરિવાર માટે યોગ્ય પાત્ર નક્કી થયા બાદ તેની વિગત મેળવવા માટે આખો રિપોર્ટ તૈયાર કરતા હોઈએ છીએ. કારણ કે જીવનસાથી ભારતમાં હોય અને વિદેશથી લગ્ન કરવા આવનાર પરિવારને તેની કોઈ જાણ હોતી નથી. તેથી તેમના કહેવા પ્રમાણે અને તેમને જોઈતી તમામ વિગતો પુરાવા સાથે પૂરી પાડીએ છીએ. સામાન્ય રીતે ડિસેમ્બર અને નવરાત્રિના સમયે અમારી પાસે જાસૂસી કરાવવાના સૌથી વધુ કોલ મળે છે અથવા અમારો સંપર્ક કરે છે. ક્લાયન્ટની ગુપ્તતા જાળવવી એ અમારી સૌથી મહત્ત્વની બાબત છે જેના કારણે જ પ્રાઇવેટ ડિટેક્ટિવ ખૂબ સારી રીતે પોતાના ક્લાયન્ટને મદદ કરી શકે છે.

તમામ વિગતો પુરાવા સાથે ક્લાયન્ટને આપે છે
તમામ વિગતો પુરાવા સાથે ક્લાયન્ટને આપે છે

અંડર કવર ડિટેક્ટિવ પડછાયાની જેમ ટાર્ગેટ સાથે રહે છે
નવરાત્રિમાં બિઝનેસ ટૂર પર હોય એવા અથવા વ્યસ્તતા કારણે પાર્ટનર સાથે ગરબા રમવા જઈ શકતા નથી એવા ઘણા પુરુષો અમારી પાસે આવે છે. એમાં પણ ખાસ કરીને હાલ બે વર્ષ બાદ ખૂલેલી વેપારની સિઝનના કારણે તેઓ બહારગામ હોય ત્યારે પાર્ટનર ખરેખર ગરબા રમે છે કે કોઈ અન્ય સાથે રોમાન્સ કરે છે એ જાણવામાં તેમને સૌથી વધુ રસ હોય છે. આ માટે તેમની જાસૂસી કરાવવા માટે અમારી પાસે આવે છે. તેઓ માટે અમારા અંડર કવર ડિટેક્ટિવ તેમના પાર્ટનરની સાથે સાથે પડછાયાની જેમ એમને ખબર ન પડે તે રીતે ગરબા ગ્રાઉન્ડમાં હોય છે. પોતાની કાર લઈને ઘરેથી નીકળે છે ત્યાંથી લઈને કોને કોને, ક્યાં અને કેવી રીતે મળે છે તે તમામ ઇન્ફોર્મેશન મેળવાય છે. કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાય એટલે કે કોઈ હોટલના રૂમ સુધી અજાણી વ્યક્તિ સાથે પહોંચે તો તેની ક્લાયન્ટને તાત્કાલિક જાણ કરવામાં આવે છે. સ્પાય અને બોડી વોર્ન કેમેરા જેવા અલગ અલગ ઇક્વિપમેન્ટના લીધે ગરબા રમતાં રમતાં જ તમામ વિગતો રેકોર્ડ થઈ જતી હોય છે. તેનો ઉપયોગ માત્ર ક્લાઇન્ટની રિક્વેસ્ટ માટે જ હોય છે. ક્યારેય કોઈપણ ડિટેક્ટિવ તેનો દુરુપયોગ કરતો નથી.

અંડર કવર ડિટેક્ટિવ પડછાયાની જેમ ટાર્ગેટ સાથે રહે છે
અંડર કવર ડિટેક્ટિવ પડછાયાની જેમ ટાર્ગેટ સાથે રહે છે

પૈસાદારો કરાવે છે દીકરીઓની જાસૂસી
પૈસાદાર પરિવારનાં માતા-પિતા નવરાત્રિ દરમિયાન દીકરીની ખાસ જાસૂસી કરાવી રહ્યાં છે. દીકરીની સુરક્ષા અંગે ચિંતિત માતા-પિતા જાસૂસી કરાવીને સુરક્ષાનો અનુભવ કરતાં હોય છે. આ ઉપરાંત પુત્રીના મિત્રો સહિત તેના સંપર્કમાં આવનાર તમામ લોકોની જાણકારી માતા-પિતા એકઠી કરાવી રાખે છે. તેમની દીકરી ક્યારે કોની સાથે પ્રેમના રાસ રમે છે તેના પર ચાંપતી નજર રખાવે છે. આ પાછળનો ઉદ્દેશ તેમની ચિંતા હોય છે કે, ક્યાંક તેમની દીકરી ખોટું પગલું ન ભરી બેસે જેના કારણે તેની જિંદગી ખરાબ થઈ જાય.

પત્નીએ ખૂબ ચતુરાઈ કરી, પણ જાસૂસે પકડી જ પાડી
બહારગામ ગયેલા પતિદેવને ખબર નહીં પડે તેવી ધારણા રાખતી પત્ની ખૂબ ચતુરાઇપૂર્વક મિત્ર સાથે જતી હતી. લગ્ન પહેલાં પોતાના પ્રેમીની સાથે પત્ની એવી જગ્યાએ ગરબા રમવા જાય જતી કે કોઈ પરિચિત મળે નહીં. આવામાં પતિએ રોકેલા જાસૂસે પત્નીના અન્ય પુરુષ સાથેના ગરબાના ફોટો-વીડિયો ઉપરાંત અંધારામાં એકાંત માણતા ફોટા શેર કર્યા. બીજા દિવસે ગરબામાંથી વહેલા નીકળી બંને હોટેલમાં ગયાં તો ખરા પરંતુ ડિટેક્ટિવની ટીપથી તુરંત ત્યાં પહોંચી ગયેલા પતિએ બંનેને રંગેહાથ પકડી પાડ્યાં.

રાસલીલાનું પહેલેથી જ કર્યું હોય છે ફુલપ્રૂફ પ્લાનિંગ
ક્યારે પિયરમાં આવીશ અને ત્યાં તારી સાથે ક્યારે રાસલીલા રમીશ તે સહિતનું બધું પ્લાનિંગ પહેલેથી જ થઈ ગયું હતું. ફોન કરીને હલો.. ચલો..ની વાતની પળોજણમાં પડ્યા વિના ‘જલદી આવી જા.. હું માત્ર બે દિવસ માટે પિયરમાં આવી છું. તારું જે કામ હોય તે પડતું મૂક.. મારે કંઇ સાંભળવું નથી.’ આવું ફુલપ્રૂફ પ્લાનિંગ કરીને પણ મિત્ર સાથે ગરબે ઘૂમવા જતી મહિલાઓને પકડી પાડ્યાનું ડિટેક્ટિવે જણાવ્યું હતું.

‘મારી તબિયત સારી નથી ને તુંય નથી તો કોની સાથે જઉં’?
‘મારી તબિયત સારી નથી, ડોક્ટરે કહ્યું વાઇરલ છે આરામ કરો, એટલે હું ગરબા રમવા જવાનો નથી. અને તુંય નથી પછી હું કોની સાથે જઈશ?' બિઝનેસના કામના નામે બહારગામ ગયેલા પતિદેવે ફોન પર કાલુંઘેલું બોલીને પત્નીને આવા મસકા માર્યા હતા. પત્નીને ખબર હતી કે તેનો પતિ શહેરમાં જ છે અને તેની મિત્ર સાથે ગરબામાં જવાનો છે. પત્નીએ ડિટેક્ટિવ એજન્સીને રાખીને પતિ કયા ગરબામાં તેની મિત્ર સાથે છે તે જાણીને સીધી ત્યાં જ પહોંચી ગઈ હતી.

નવરાત્રિમાં પ્રાઇવેટ ડિટેક્ટિવ આ રીતે કામ કરે છે
જેની પર નજર રાખવાની હોય એના વિશે તમામ માહિતી એકત્ર કરે છે. નવરાત્રિમાં તે જેની સાથે ગરબા રમતી હોય તેની પણ પૂરેપૂરી માહિતી મેળવે છે. જો જે-તે વ્યક્તિ ગરબા રમતી વખતે કંઈક ખોટું કરવા જતી હોય તો ડિટેક્ટિવના ગ્રુપના મેમ્બર્સ એકબીજા સાથે લડવાનું નાટક કરી ન્યૂસન્સ ક્રિએટ કરે છે. જેથી એ વ્યક્તિ ખોટું કરતાં અટકી જાય. ડિટેક્ટિવના ગ્રુપના મેમ્બર્સ ખાસ કરીને છોકરાઓના કેસમાં પેરેન્ટ્સને સાથે રાખીને કામગીરી પાર પાડે છે.

અન્ય સમાચારો પણ છે...