ગેસ્ટ એડિટરની કલમે...:‘નસીબ પણ એ જ આપે છે જેના માટે આપણે મથીએ છીએ’ - શ્રદ્ધા ડાંગર

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
શ્રદ્ધા ડાંગરની તસવીર - Divya Bhaskar
શ્રદ્ધા ડાંગરની તસવીર

મને અમારી ફિલ્મને નેશનલ એવોર્ડ મળશે એવું અમે ક્યારેય નહોતું ધાર્યું. એટલિસ્ટ, મેં તો ક્યારેય નહોતું ધાર્યું. એક ગુજરાતી ફિલ્મ રાષ્ટ્રીય સ્તરે નામના મેળવે અને એની અભિનેત્રીઓમાં હું હોઉં તો મને એનો આનંદ હોય જ. એથી વધુ આનંદ એ વાતનો છે કે રાજકોટ જેવા નાનકડા શહેરની છોકરી ગુજરાતી ફિલ્મ સાથે ગુજરાતને આંતરરાષ્ટ્રીય સ્તરે રિપ્રેઝન્ટ કરી શકી. અને આમાં મારી પોતાની મહેનત તો છે જ સાથે પરિવારનું મહત્ત્વનું યોગદાન છે. હું એન્જિનિયર થઈ અને પછી અભિનયના ક્ષેત્રે જવું આમ થોડી ફની વાત હતી, પણ છતાં મારા પેરેન્ટ્સે મને ખુબ સપોર્ટ કર્યો છે.

દરેક વ્યક્તિને સફળતા માટે પ્રેરણા અને સપોર્ટની જરૂર પડતી હોય છે. દરેકના જીવનમાં એ પૂરું પાડનારા વ્યક્તિત્વો અલગ અલગ હોઈ શકે છે. મારા જીવનમાં એ પાત્ર મારી મા છે. તેણે મને નાનપણથી આ ફિલ્ડમાં આવવાનું પ્રોત્સાહન આપ્યું અને ડગલેને પગલે દરેક તબક્કે મને સાથ આપ્યો. મારા પરિવારના સમર્થનના કારણે જ મને જીવનમાં નકારાત્મકતાનો સામનો બહુ ઓછો કરવો પડ્યો.

આ માધ્યમથી આજે મારે કહેવું છે કે ગુજરાતના નાનકડા શહેરમાં રહેતા હોવ અને એવું લાગતું હોય કે અહીંથી અમે શું કરી શકીએ? અમે મુખ્ય પ્રવાહમાં નથી કે અમે મુંબઈ કેવી રીતે જઈ શકીએ? ઓડિશન કેવી રીતે આપી શકીએ? તો એવા વિચારો ખંખેરીને માત્ર એ વાત પર ફોકસ કરો કે તમારે શું કરવું છે. તમારે અભિનય કરવો હોય, ફિલ્મ-સિરિયલમાં જવું હોય, પત્રકાર બનવું હોય કે ડોક્ટર-એન્જિનિયર બનવું હોય. એક સ્ત્રી તરીકે, એક યુવતી તરીકે, એક એક્ટ્રેસ તરીકે મારે આજની છોકરીઓેને કહેવું છે કે હું ફિલ્મલાઈનમાં આવી તો મેં એના માટે કોઈ કોમ્પ્રોમાઈઝ નથી કર્યાં. હું માત્રને માત્ર મારી ટેલેન્ટ, મારી આવડતના જોરે કામ કરી રહી છું. આજે ઘણી યુવતીઓને હું જોઉં છું કે જે મળે એ કરી લેવું પડે એવું એ માનતી હોય છે. એ ખોટી વાત છે. તમે તમારા ભવિષ્યના નિર્ણાયક છો, તમે તમારા ભવિષ્યના ઘડનાર છો એ મને અનુભવે સમજાયુ છે.

સામાન્ય રીતે લોકો માની લેતા હોય છે કે નસીબ જે આપે એમાં જ આપણે ખુશ રહેવાનું છે, પણ નસીબ પણ એ જ આપે છે જેના માટે આપણે પ્રયાસ કરીએ છીએ. ‘હેલ્લારો’નું શૂટિંગ અમે ભરતડકે કરતાં હતાં. વડ નીચે મેકઅપ કરતાં હતા. આવું બધું જોઈને મને સમજાયું કે આપણે ત્રણ કલાક ફિલ્મ જોતા હોઈએ છીએ એની પાછળ કેટલા લોકો ચૂપચાપ પરસેવો પાડતા હોય છે. કેટલાય એવા લોકો કે જેમના નામ પણ એન્ડ ટાઈટલ્સમાં સ્ક્રોલિંગમાં નીકળી જતાં હોય છે. ફિલ્મ સાથે જોડાવા માટે કાયમ અભિનેતા બનવું એવું જ જરૂરી નથી. બીજી અનેક ટેકનિકલ બાબતો શીખીને તમે આ ક્ષેત્રમાં સારું નામ અને દામ મેળવી શકો છો.

આજની યુવતીઓને જોઉં છું ત્યારે મને એ પણ સમજાય છે કે ઘણીવાર એમના જીવનમાં સ્પષ્ટતા નથી હોતી. તમે તમારે શું મેળવવું છે એ વિશે જેટલા સ્પષ્ટ હશો એટલા જ ઝડપથી આગળ વધી શકશો. એ જ રીતે સફળતાની વ્યાખ્યા પણ સ્પષ્ટ હોવી જરૂરી છે. કોઈની સાથે પોતાની જાતની સરખામણીઓ કરે રાખશો તો તમે ગમે તેટલા સફળ હશો, પણ તમને સંતોષ નહીં મળે. જિંદગી કોઈ રેસ નથી. હા, તમે જે ક્ષેત્રમાં કાર્યરત હોવ એ ક્ષેત્રમાં વધતે ઓછે અંશે સ્પર્ધા હોઈ શકે છે, પણ જીવન એ કોઈ સો મીટરની રેસ નથી. એને એ રીતે ટ્રીટ ન કરવી જોઈએ. મારા મતે તમે એ જ કરી રહ્યા હોવ જે તમારા મનને ગમતું હોય અને તમારી સ્પર્ધા બીજા કોઈ સાથે નહીં, પણ જાત સાથે હોય એ સફળતાની સાચી વ્યાખ્યા છે.

અન્ય સમાચારો પણ છે...