હજુ અઠવાડિયા સુધી માવઠાની શક્યતા:7થી 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો છતાં ગરમી 38 ડિગ્રી રહી

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બુધવારે શહેરનું મહત્તમ તાપમાન 2 ડિગ્રી વધ્યું
  • હજુ અઠવાડિયા સુધી માવઠાની શક્યતા, વરસાદી માહોલને કારણે ગરમી 3 ડિગ્રી સુધી ઘટવાની વકી

સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી બુધવારે અમદાવાદ સહિત મોટાભાગના શહેરોના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદમાં પણ સવારથી વાદળિયા વાતાવરણ વચ્ચે 7થી 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. તેમ છતાં ગરમીનો પારો 38 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. હજુ અઠવાડિયા સુધી વીજળીના કડાકા અને પવન સાથે માવઠાની શક્યતા છે. વરસાદી માહોલના કારણે ગરમીનો પારો 3 ડિગ્રી ગગડી 35એ પહોંચવાની વકી છે.

હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, વાતાવરણમાં આવતાં બદલાવને કારણે માવઠાને કારણે કમોસમી વરસાદની સ્થિતિ એકથી બે દિવસ રહ્યાં બાદ વાતાવરણ સામાન્ય બની જતું હોય છે. પરંતુ, હાલની સ્થિતિ જોતા 22 માર્ચ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં માવઠાનો માહોલ રહેશે. જેનું મુખ્ય કારણ વાતાવરણમાં સક્રીય થયેલાં ટ્રફને લીધે જેટ સ્ટ્રીમ અને તેમાંથી જેટ સ્ટ્રીમની સિસ્ટમ રચાઇ છે, જેને લીધે વાતાવરણમાં ઉપરના લેવલે લૉ-બ્લોકિંગ સિસ્ટમ બની છે. શહેરમાં બુધવારે વાદળિયા વાતાવરણ વચ્ચે 7થી 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. સાંજે કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

આગામી બે દિવસો દરમિયાન રાજ્યના મોટાભાગના શહેરોમાં વરસાદની શક્યતા છે. તેમાંય કેટલાંક શહેરોમાં 30થી 40 કિલોમીટરની ગતિના તોફાની પ‌વન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...