અમદાવાદની 11000 માંથી 7296 સર્વિસ અને હાઉસિંગ સોસાયટીઓએ પાંચ કરતા વધુ વર્ષથી ઓડિટ જ કરાવ્યું નથી. સોસાયટીઓમાં જાગૃતિના અભાવથી દરવર્ષે ઓડિટ કરાવવાના નિયમનું પાલન થતું નથી. જેના લીધે ગેરરીતિ, તકરાર અને ઉચાપતના કિસ્સા વધી રહ્યા છે. આવા કિસ્સાને રોકવા માટે પ્રતિવર્ષ ઓડિટ કરાવવું ફરજિયાત છે. ઘણી સોસાયટીઓના હોદ્દેદારોએ કહ્યું કે, શહેરી રજિસ્ટ્રાર કચેરી પાસે કાયમી જગ્યા નથી. નારણપુરા ખાતે બંગલામાં ભાડે ઓફિસ છે. 25 ઓડિટરની જરૂરિયાત સામે માત્ર 10 ઓડિટરથી કામ ચલાવાય છે.
શહેરની 11000માંથી 2500થી વધુ સોસાયટી જ નિયમિત ઓડિટ કરાવે છે. બાકી સોસાયટીઓ પોતાની રીતે ઓડિટ કરાવે છે, તો ઘણી સોસાયટીઓ પાંચ-પાંચ વર્ષ સુધી ઓડિટ જ કરાવતી નથી. તાજેતરમાં પાંચ વર્ષ અને તેના કરતા વધુ સમયથી ઓડિટ બાકી હોય તેવી સોસાયટીઓ (મંડળીઓ) માટે ઓડિટ કરાવવાનો કેમ્પ રાખ્યો હતો. જેમાં માત્ર 77 સોસાયટીઓ જ આવી હતી. સાત હજારમાંથી માત્ર ડબલ આંકડાની સોસાયટીઓએ ઓડિટ માટે રસ દાખવ્યો હતો. શહેરમાં પ્રતિવર્ષ 5 ટકા સોસાયટીઓ વધી રહી છે. જેની સામે સ્ટાફ ઘટી રહ્યો હોવાથી ઓડિટ સહિતની કામગીરીમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.
ગેરરીતિના કિસ્સામાં ખાસ ઓડિટ જરૂરી
સોસાયટીઓમાં ઉચાપત, તકરાર અને ગેરરીતિના કિસ્સામાં એક અથવા વધુ વર્ષ હોય તો પણ ત્વરિત ઓડિટ કરાવવું પડે છે. ખાસ કિસ્સામાં ઓડિટ માટે ત્વરિત મંજૂરી આપવામાં આવે છે. ચાલુ વર્ષે આવી 25 સોસાયટીઓને ઓડિટની મંજૂરી આપી છે. આવા કિસ્સામાં પાંચ વર્ષના ઓડિટનો નિયમ લાગુ પડતો નથી.
ઓડિટ માટે સપ્ટેમ્બરમાં કેમ્પ યોજાશે
પાંચ વર્ષ અથવા તેના કરતાં વધુ સમયથી ઓડિટ બાકી હોય તેવી સર્વિસ અને હાઉસિંગ સોસાયટીઓ માટે સપ્ટેમ્બરમાં કેમ્પ યોજાશે. જેમાં વધુ સોસાયટીઓ જોડાય તેવો પ્રયાસ ચાલી રહ્યો છે. આવી સોસાયટીઓને જાણ કરવામાં આવશે.
ફાયદા: હોદ્દેદારની રજૂઆતો ધ્યાને લેવાય
ગેરફાયદા: સોસાયટીનું ટાઇટલ ક્લીયર ન મળે
સ્ટાફની ઘટથી સમસ્યામાં વધારો
ઓડિટર અને ઓફિસ સ્ટાફમાં અંદાજે 50 ટકાથી વધુની ઘટ છે. પૂરતા પ્રમાણમાં સ્ટાફ નહીં હોવાથી નિયમિત ઓડિટ કરવામાં અને સોસાયટીઓની સમસ્યાઓના પ્રશ્નોનું સમયસર નિવારણ લાવી શકાતું નથી. 50 ટકા ઓડિટર નહીં હોવાથી નિયમિત ઓડિટ કરાવતી સોસાયટીઓને પણ એકથી બે વર્ષ રાહ જોવી પડે છે.
કોરોનામાં ઓડિટ નેવે મુકાઈ ગયું હતું
કોરોનાકાળમાં ઘણી સર્વિંસ અને હાઉસિંગ સોસાયટીઓએ ઓડિટ જ કરાવ્યું નથી. હવે કોરોના પછી ઓડિટ માટે સોસાયટીએ પત્ર લખતાં કામ વધી ગયું છે. આવી સોસાયટીઓમાં ઓડિટ માટે ઓછામાં ઓછા એક વર્ષનો સમય લાગશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.