અમદાવાદમાં ચાઈનીઝ દોરી વેચતા 398 સામે ગુના નોંધવામાં આવ્યા છે અને હજુ પોલીસની આ અંગેની ડ્રાઈવ ચાલી રહી છે. છતાં શહેરમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ચાઈનીઝ દોરીનું બેફામ વેચાણ ચાલી રહ્યું હોવાનો ઘટસ્ફોટ ‘દિવ્ય ભાસ્કર’ની તપાસમાં થયો છે. હાઈકોર્ટે લાલ આંખ કરતાં પોલીસે ડ્રાઈવ શરૂ કરી છે. જેની બીકે ચાઈનીઝ દોરી વેચતાં દુકાનદારો દુકાનમાં ચાઈનીઝ દોરીની વાત સુદ્ધાં કરતાં નથી. દુકાનની સામે કોઈ એક ખૂણામાં ઊભા રહેવાનું કહે છે.
જ્યાં 15થી 20 વર્ષની ઉંમરના છોકરાને મોકલીને ચાઈનીઝ દોરી વેચે છે અને એક રીલના રૂ.250થી 500 વસૂલે છે. દુકાનમાં ચાઈનીઝ દોરી લેવા જનારાનો મોબાઈલ પણ બંધ કરાવી દેવાય છે. આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી શાહપુર, દરિયાપુર, માધુપુરા, સરદારનગર અને નરોડામાં વેપલો ચાલી રહ્યો હોવાનું ‘દિવ્ય ભાસ્કર’ની તપાસમાં ખૂલ્યું છે. સોશિયલ મીડિયા પર ચાઈનીઝ દોરીનો વેપાર કરતાં તત્ત્વો હોમ ડિલિવરી કરી આપે છે. અંકલેશ્વરથી પણ અમદાવાદમાં સપ્લાય થાય છે.
ઓનલાઈનની મોડસઓપરેન્ડી; સોશિયલ મીડિયા પર ઓર્ડર આપતાં જ ચાઈનીઝ દોરીની હોમ ડિલિવરી થાય છે
સોશિયલ મીડિયા ઉપર વેપારીઓ ચાઈનીઝ દોરીનું વેચાણ કરવા માટે તેના ફોટો અપલોડ કરે છે જેના પર મેસેજ કરીએ એટલે તરત જ વેપારી મોબાઈલ નંબર મોકલી આપે છે. તે નંબર પર ફોન કરતાંની સાથે જ વેપારી દોરીનો ભાવ બોલવા માંડે છે અને ગ્રાહક દોરી લેવા સંમતિ દર્શાવે તો તાત્કાલિક 50 ટકા ઓનલાઈન પેમેન્ટ મેળવી લે છે અને ત્યારબાદ ગ્રાહકનું ઘરનું સરનામું મેળવી લઈ કુરિયર દ્વારા ચાઈનીઝ દોરીની ડિલિવરી કરે છે.
ઓફલાઈનની મોડસઓપરેન્ડી; 15થી 20 વર્ષના છોકરાને મોકલી વેપલો થાય છે
શાહપુર : પતંગ માર્કેટમાં ચાઈનીઝ દોરી માગતા જ વેપારીએ મોબાઈલ બંધ કરાવી દીધો અને દુકાનની સામેના ભાગે ઊભા રહેવા કહ્યું. થોડા સમય પછી એક છોકરો દોરીની રીલ લઈને આવ્યો અને રૂ.300માં દોરી આપી.
દરિયાપુર : ચાઈનીઝ દોરી માગતા વેપારીએ પહેલાં તો મૌન સેવ્યું પછી થોડીવારમાં કહ્યું કે, સામે જતાં રહો, હું હમણાં આવું છે. થોડીવારમાં વેપારીએ આવીને કહ્યું, રાત્રે આવજો, જોઈએ તેટલી દોરી મળી જશે.
માધુપુરા : ચાઈનીઝ દોરી કહેતાં જ વેપારીએ પૂછ્યું, કેટલા સમયથી ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવો છો, કયા પ્રકારની દોરી જોઈએ છે. આ પછી જ ચારરસ્તા પર જઈને ઊભા રહેવા કહ્યું.
સરદારનગર : ચાઈનીઝ દોરીનું નામ સાંભળતાં જ વેપારીએ કહ્યું, પહેલાં તમારો મોબાઈલ બંધ કરી દો અથવા બેગમાં મૂકી દો.
નોબલનગર : ત્રણ રસ્તા પાસે એક દુકાનદારને ચાઈનીઝ દોરી અંગે પૂછતાં ના પાડી દીધી, એ પછી ત્રણ રસ્તા નજીક એક છોકરાએ આવીને પૂછ્યું, ચાઈનીઝ દોરી જોઈતી હોય તો રૂ.300 આપો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.