કોવિડ પહેલાના બે વર્ષ એટલે કે 2018 અને 2019 જ્યારે કોવિડ સમયના બે વર્ષ એટલે કે 2020 અને 2021માં વાહનોના વેચાણની પેટર્ન પણ બદલાઈ છે. 2018માં અમદાવાદમાં 52432 કારનું જ્યારે 2019માં 50,306 કારનું વેચાણ થયું હતું. આ બે વર્ષમાં કુલ 1,02,738 કાર વેચાઈ હતી. જ્યારે 2020માં 37271 અને 2021માં 49860 મળી કુલ 87131 કારનું વેચાણ થયું હતું. આમ કોવિડકાળ પૂર્વેના બે વર્ષની સરખામણીએ કોરોનાકાળના બે વર્ષ દરમિયાન કારના વેચાણમાં અંદાજે 15 ટકાનો ઘટાડો થયો હતો.
વર્ષ | કાર | કુલ | ટૂ-વ્હિલર | કુલ |
2,018 | 52432 | 102738 (2018+2019) | 1,88,202 | 372784 (2018+2019) |
2,019 | 50306 | 1,84,582 | ||
2,020 | 37271 | 87131 (2020+2021) | 99,386 | 228131 (2020+2021) |
2,021 | 49860 | 1,28,745 | ||
ઘટાડો | -15% | -39% |
એ જ રીતે કોવિડ પહેલાના બે વર્ષની વાત કરીએ તો 2018માં 1,88,202 અને 2019માં 1,84,582 મળી કુલ 3,72,784 ટુ-વ્હિલરનું વેચાણ થયું હતું. આની સરખામણીએ 2020માં 99,386 અને 2021માં 1,28,745 મળી 2,28,131 ટુ-વ્હિલરનું વેચાણ થયું હતું. કારના વેચાણમાં 15 ટકાનો ઘટાડો નોંધાયો હતો પરંતુ ટુ-વ્હિલરના વેચાણમાં 39 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. 2018થી 2021 સુધીમાં પેટ્રોલના ભાવ લીટરે 68.21થી વધીને અત્યારે રૂ.105 થઈ ગયા છે. અર્થાત પેટ્રોલના ભાવમાં 53 ટકાનો વધારો થયો છે. સામાન્ય રીતે પેટ્રોલ મોંઘું થાય તો કારના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થતો હોવાનું મનાય છે.
રાજ્યમાં કારનું વેચાણ 63 ટકા વધ્યું
ગુજરાતમાં એપ્રિલ-2021માં 49,008 ટુ-વ્હિલરનું વેચાણ થયું હતું. જ્યારે એપ્રિલ-2022માં તે લગભગ 80 ટકા વધી 88,648એ પહોંચ્યું હતું. કારનું વેચાણ એપ્રિલ-2021માં 3635 હતું જે 63 ટકા વધીને એપ્રિલ-2022માં 5953 થયું હતું. એપ્રિલ-2021માં વિવિધ કેટેગરીના 73582 વાહન વેચાયા હતા જ્યારે એપ્રિલ-2022માં આ આંકડો 127282 નોંધાયો હતો.
ચાલુ વર્ષે એપ્રિલમાં ટુ-વ્હિલરનું વેચાણ 21% વધ્યું
અમદાવાદમાં એપ્રિલ-2021માં 3400 કારનું વેચાણ થયું હતું જે 65 ટકા વધીને એપ્રિલ-2022માં 5600 થયું હતું. એપ્રિલ-2021ના 8500 ટુ-વ્હિલરના વેચાણની સરખામણીએ આ વર્ષે એપ્રિલમાં તેનું વેચાણ 21 ટકા વધીને 10250 થયું હતું. અર્થાત ટુ-વ્હિલર કરતાં કારના વેચાણની ટકાવારી લગભગ ત્રણ ગણી વધારે હતી.
કોલેજો ખૂલ્યા પછી ટુ-વ્હિલરનું વેચાણ વધી શકે
છેલ્લા બે વર્ષથી સ્કૂલ-કોલેજો બંધ હોવાથી ટુવ્હિલરના વેચાણ પર સીધી અસર પડી છે. કોરોના પછી ખાનગી ક્ષેત્રમાં વધુ લોકોને નોકરી ગુમાવવી પડી છે, તેમજ પેટ્રોલના ભાવ વધારાના લીધે પણ ટુવ્હિલરનું 15-18 ટકા વેચાણ ઘટયું છે. ચાલુ વર્ષે સ્કૂલ-કોલેજો રેગ્યુલર ખુલવાની શક્યતાને લીઘે આગામી મે-જૂનમાં ટુવ્હિલરના વેચાણમાં 10-12 ટકાના ગ્રોથની શક્યતા છે.
એક્સપર્ટ વ્યૂ - પ્રણવ શાહ, ચેરમેન, ફાડા
ચીપની અછતથી 16 હજાર કારનું વેઇટિંગ
કારમાં સમગ્ર સિસ્ટમને કંટ્રોલમાં રાખતી ઇલેક્ટ્રોનિક ચીપની છેલ્લા કેટલાક મહિનાથી અછતને કારણે 16 હજારથી વધુ કારનું વેઇટિંગ છે. તમામ કંપનીઓને સમયસર ચીપ ઉપલબ્ધ થાય તો અમદાવાદમાં આગામી છ-આઠ મહિનામાં ગ્રાહકોને કારની ડિલિવરી મળવાની શક્યતા છે. ગત એપ્રિલ-21માં 3400 કારના વેચાણની સામે એપ્રિલ-22માં 5600 કારનું વેચાણ થયું છે. ચીપની અછતને લીધે એપ્રિલમાં અંદાજે 10 ટકા ગ્રોથ ઓછો હોવાનું મનાય છે. આગામી વર્ષે તમામ વાહનના વેચાણમાં 10-15 ટકાનો ગ્રોથ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.