તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Despite More Than 14 Thousand Discharges Per Day, The Hospital Bed Is Not Empty, Because ... They Have Not Been Admitted, They Are Also Considered To Be Discharged After 14 Days.

ભાસ્કર એક્સપોઝ:રોજ 14 હજારથી વધુ ડિસ્ચાર્જ છતાં હૉસ્પિટલમાં બેડ ખાલી નહીં, કારણ કે... દાખલ થયા જ નથી, તેમને પણ 14 દિવસ બાદ ડિસ્ચાર્જમાં ગણે છે

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: શાયર રાવલ
 • કૉપી લિંક
દર્દીને લઈ જતા સ્ટાફ પર્સનની તસવીર - Divya Bhaskar
દર્દીને લઈ જતા સ્ટાફ પર્સનની તસવીર
 • RTPCR પોઝિટિવ આવ્યાના 14માં દિવસે દર્દીને આપોઆપ રજા અપાઇ છે એવું ગણી લેવાય છે
 • ક્વોરેન્ટાઇનમાંથી હોસ્પિટલમાં ગયેલા દર્દીને રજા મળે ત્યારે બીજી વાર ડિસ્ચાર્જ બતાવાય છે
 • હોસ્પિટલમાંથી રજા લેતા દર્દીઓના આંકડામાં મોટી ઘાલમેલને કારણે ખાલી બેડ મળતા નથી
 • ખોટા આંકડાને કારણે રેમડેસિવિર અને ઓક્સિજનની જેમ બેડની પણ કટોકટી છે
 • અમદાવાદમાં 19,224 બેડ, પાંચ દિવસમાં 31,587 ડિસ્ચાર્જ, માત્ર 2042 બેડ ખાલી બતાવાયા

કોરોના કાબૂમાં આવી ગયો છે એવું દર્શાવવા રાજ્ય સરકાર ડિસ્ચાર્જના આંકડાઓમાં ઘાલમેલ કરીને સાબિત કરવા મથી રહી હોવાનો ઘટસ્ફોટ દિવ્ય ભાસ્કરની તપાસમાં થયો છે. જે દર્દીઓ માત્ર હોમક્વોરન્ટાઈન થયા છે અને ક્યારેય હોસ્પિટલમાં દાખલ જ થયા નથી એ તમામ દર્દીઓને તેમના પોઝિટિવ આવ્યાના 14મા દિવસે ‘ડિસ્ચાર્જ’ બતાવી દેવાય છે. આ ઉપરાંત આ પૈકીના જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા હોય તેમને તેઓ જે દિવસે ડિસ્ચાર્જ લે ત્યારે ડિસ્ચાર્જની યાદીમાં બતાવાય છે. આમ એકના એક દર્દીને બેવાર ડિસ્ચાર્જ બતાવવાનો કારસો સરકારે ઘડી કાઢ્યો છે.

RTPCR પોઝિટિવ આવે તો 14મે દિવસે ડિસ્ચાર્જ બતાવે છે
કોરોનાના ડિસ્ચાર્જ દર્દીનો આંકડો વધારવાની રેસમાં હોમ ક્વોરન્ટાઈન દર્દીઓ જે હોસ્પિટલમાં દાખલ જ થયા નથી એવા દર્દીઓને ડિસ્ચાર્જ બતાવી રાજ્ય સરકાર કોરોના ઉપર કાબૂ મેળવ્યાના અવાસ્તવિક આંકડા રજૂ કરી જસ ખાટવા પ્રયત્ન કરી રહી છે. દિવ્ય ભાસ્કરની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, કોરોનાનો RT PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોય તેને 14મા દિવસે સરકારી ચોપડે આપોઆપ ડિસ્ચાર્જ બતાવાય છે. પોઝિટિવ દર્દીને જો ચોથા-પાંચમા દિવસે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે અને તે સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા મેળવે ત્યારે બીજી વખત ડિસ્ચાર્જ બતાવાય છે. આમ એક દર્દીને બે વખત ડિસ્ચાર્જ બતાવી આંકડો મોટો દેખાડાય છે, પરંતુ એની સામે બેડ ખાલી દેખાતા જ નથી.

હોમઆઇસોલેશનવાળા 14મે દિવસે ઓટો ડિસ્ચાર્જ
જ્યારે હોસ્પિટલમાંથી રજા લીધેલ દર્દીઓની સાથેસાથે 14 દિવસ સુધી હોમ આઈસોલેશન દર્દીઓનો સમાવેશ કરી કુલ ડિસ્ચાર્જનો આંકડો રજૂ કરાય છે. સરકાર એક્ટિવ કેસોની ગણતરી હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ હોય તેમજ હોમ આઈસોલેશનમાં હોય અને 14 દિવસ પૂરા થયા નથી તેમને એક્ટિવ કેસ તરીકે ગણે છે. હોમ આઈસોલેટ દર્દીને 14 દિવસ પૂરા થાય એટલે તેને ઓટો ડિસ્ચાર્જ કેટેગરીમાં મૂકવામાં આવે છે. આથી એક્ટિવ કેસોની સંખ્યા અવાસ્તવિક રીતે ઘટાડવામાં આવી રહી છે. આમ પોઝિટિવ કેસના આંકડા બાદ હવે ડિસ્ચાર્જના આંકડાઓમાં પણ ઘાલમેલ કરવામાં આવતા રેમડેસિવિર અને ઓક્સિજનની જેમ બેડનું મેનેજમેન્ટ કરવાનું મુશ્કેલ થઇ રહ્યું છે.

સમગ્ર રાજ્યમાં આ જ રીતે આપે છે આંકડા
સરકારની લાપરવાહીથી અનેકનાં મોતઃ સરકાર તરફથી દર્દીઓના આંકડામાં ગોટાળા કરી ખોટા આંકડા જાહેર કરાતા અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શન અને ઓક્સિજનની ભારે અછત સર્જાઈ હતી. રેમડેસિવિર ઈન્જેક્શન માટે લોકોએ લાઈનો લગાવી હતી. બ્લેકમાં પણ રેમડેસિવિર ખરીદ્યા હતાં. રેમડેસિવિરની અછત સર્જાતા લોકોએ ડુપ્લિકેટ ઈન્જેક્શન પણ ખરીદવા પડ્યા હતાં. ઓક્સિજનની અછત ઉભી થઈ હતી. સરકારની આવી લાપરવાહીથી સંખ્યાબંધ લોકો મોતને ભેટ્યા હતાં.

આંકડામાં આ રીતે આઘીપાછી થાય છે
સરકાર દરરોજ ડિસ્ચાર્જ દર્દીઓના આંકડા જાહેર કરે છે. જેમાં હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે જતા દર્દીઓની સાથેસાથે હોમ ક્વોરન્ટાઈન દર્દીઓનો પણ સમાવેશ કરી રહી છે. એટલે કે, જે લોકો ક્યારેય હોસ્પિટલ ગયા જ નથી તેમને પણ સરકારી ચોપડે ડિસ્ચાર્જ બતાવાય છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો મોટો આવે છે. દર્દીને તપાસ્યા વગર જ 14મા દિવસે ઓટો ડિસ્ચાર્જ ગણી લેવામાં આવે છે ઃ કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં ભારે ગોટાળો થઈ રહ્યો છે. શહેરની હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ ઉપરાંત હોમ ક્વોરન્ટાઈન દર્દીઓને એક્ટિવ કેસ તરીકે ગણવામાં આવે છે. હોમ ક્વોરન્ટાઈન દર્દીની તપાસ કર્યા વગર જ 14માં દિવસે ઓટો ડિસ્ચાર્જ ગણી એક્ટિવ કેસોમાંથી સંખ્યા ઘટાડી દેવામાં આવે છે.

અમદાવાદમાં છેલ્લા નવા કેસ અને ડિસ્ચાર્જ

તારીખનવા દર્દીડિસ્ચાર્જ
11-5-2130596668
10-5-213,1946711
9-5-2128836577
8-5-2133596411
7-5-2137445220
કુલ1623931587

સરકારી-ખાનગી હોસ્પિટલમાં કોરોના માટે કુલ આટલા બેડ

હોસ્પિટલતમામ પ્રકારના બેડખાલી બેડ

AMC, સિવિલ-સોલા સિવિલ

5,000798
નર્સિંગ હોમ3200488

175 ખાનગી હોસ્પિટલ

7744756
કોવિડ કેર સેન્ટર3300*
કુલ192242042

અમદાવાદ: મ્યુનિ.ની સાઈટ પર 6 વેન્ટિલેટર બેડ
અમદાવાદમાં પાંચ દિવસમાં 31,587 દર્દી ડિસ્ચાર્જ થયા હતા છતા મંગળવારે મ્યુનિ.ની વેબસાઈટ ઉપર 6 વેન્ટિલેટર બેડ, 61 આઈસીયુ બેડ અને 977 ઓક્સિજન બેડ હોવાનું રિયલ ટાઈમ આંકડો જાહેર કરાયો હતો. સૂત્રોના જણાવ્યાનુસાર વિવિધ લેબમાં RT PCR પોઝિટિવને નવા કેસ ગણાય છે.

વડોદરા: ઘરે રહેલો દર્દી 10મા દિવસે ડિસ્ચાર્જ
છેલ્લા પાંચ દિવસમાં નવા 4832 કેસ નોંધાયા, જેની સામે 3835 દર્દી ડિસ્ચાર્જ થયા. 10,944 દર્દી દાખલ હતા, જે ઘટીને હાલ 9859 થયા. આમ 1083 બેડ ખાલી થયા. પાલિકા આરોગ્ય અધિકારી ડૉ. દેવેશ પટેલે કહે છે કે, દર્દીએ ઘરે રહીને સારવાર લીધી હોય તો પણ 10મા દિવસે તેને ડિસ્ચાર્જ લિસ્ટમાં ઉમેરાય છે.

સુરત: 5 દિવસમાં 11030 ડિસ્ચાર્જ છતાં 2678 બેડ ભરેલા
12 દિવસમાં સાજા થનારાઓની સંખ્યા વધી છે. માત્ર પાંચ જ દિવસમાં હોસ્પિટલમાંથી એક્ટિવ 423 કેસ ઘટ્યા છે. જેના કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની સંખ્યા પણ વધી છે. સુરતમાં 6690 બેડ છે. હાલ 2678 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને 4012 બેડ ખાલી છે. છેલ્લા પાંચ દિવસમાં 14,646 દર્દી દાખલ થયા. જેની સામે 11030 દર્દી ડિસ્ચાર્જ થયા.

રાજકોટ: કેસ ઘટ્યા હોવા છતાં દર્દીને બેડ મળતા નથી
છેલ્લા પાંચ દિવસમાં 2919 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. જેની સામે 2669 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. રાજકોટમાં કુલ બેડની સંખ્યા 7107 છે. જેમાં હાલની સ્થિતિએ 5241 બેડ ભરેલા છે. એકંદરે 22 ટકા બેડ ઓન પેપર ખાલી છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં હજૂ આઈસીયુ બેડ ખાલી નથી જ્યારે સિવિલમાં આઈસીયુ કેટલાક બેડ ખાલી હોવાનું તંત્રએ જણાવ્યું છે. શહેરમાં કેસની સંખ્યા ઘટી છે, પણ ગ્રામ્ય વિસ્ટારમાં નવા કેસો વધ્યા છે.

અન્ય સમાચારો પણ છે...