તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મન હોય તો માળવે જવાય:9 વર્ષની ઉંમરે 2 હાથ ગુમાવ્યાં, પરિવારના પેટ ભરવાના પૈસા ન હતા, છતાં શિક્ષક બની અનેક ગરીબ બાળકોના ભવિષ્ય ઉજ્જવળ કર્યા

અમદાવાદએક મહિનો પહેલાલેખક: અદિત પટેલ
  • પોતાના ઘર ચલાવવાનીની મજબૂરીમાં અલગ-અલગ સ્થળે જઈને ગરીબ બાળકોને ભણાવે છે
  • હાલ થલતેજ સ્મશાનના પ્રાગણમાં બેસીને કચરો વિણનાર લોકોના બાળકોને ભણાવે છે
  • બાબુભાઇ પાસેથી શિક્ષણ લઈ 3 વિદ્યાર્થીઓ ધોરણ 10માં 82 ટકા રિઝલ્ટ આવ્યાં

સામાન્ય રીતે કહેવતો અને ફિલ્મોમાં સાંભળ્યું હશે કે "મન હોય તો માળવે જવાય," પરંતુ આજની આ દુનિયામાં આવા કિસ્સાઓ ક્યાંય જોવા મળતા નથી. આપણા દેશમાં રોડ પર આપણે કેટલાક ભિક્ષુકોને જોયા હશે, જેઓ શારીરિક-માનસિક રીતે સ્વસ્થ હોવા છતાં તેઓ ભીખ માગીને ખાવા માટે ટેવાયેલા હોય છે, પરંતુ જેની પાસે કંઈ નથી અને નક્કી કર્યું હોય કે મારે કંઈ કરવું છે તો તેની પાછળની મહેનત આખરે તેને એ મુકામે લઈ જવામાં સફળ રહે છે. ખેર..આજે આપણે વાત કરવાના છીએ વાડજમાં ગરીબ પરિવારમાં રહેતા બાબુભાઇ પરમારની, જે એક એવી વ્યક્તિની, જેમણે 9 વર્ષની ઉંમરે વીજળી પડવાના કારણે પોતાના 2 હાથ ગુમાવ્યા. તેમનું બાળપણથી શિક્ષક બનવાનું સપનું હતું.

2 હાથ વગર પણ PTC પાસ કરી શિક્ષક બન્યા
હવે 2 હાથ વગર અભ્યાસ કરવો કેટલું મુશ્કેલ અથવા તો શક્ય એ તો તમે જ અનુમાન લગાવી શકો, પરંતુ આ બાબુભાઇએ હાથ ગુમાવ્યા પછી પણ અભ્યાસ ચાલુ રાખ્યો. તેમણે વિચાર્યું કે આ પુસ્તક, પેન અને નોટબુક એ પવિત્ર વસ્તુ કહેવાય. હવે હાથ નથી તો એને પગના આધારે ન ભણાય, એનાથી વિદ્યાનું અપમાન થાય એટલે તેમણે પોતાના મુખનો સહારો લઈને 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો. ત્યાર બાદ તેમણે વિચાર્યું કે હું શિક્ષક બનીશ પણ પછી ક્યાં મને નોકરી મળશે. તેમણે એ વિચાર ટાળીને PTCમાં એડમિશન લીધું. ત્યાં તેમને ઘણી તકલીફ પડી. તેમણે તોપણ મહેનત કરીને PTC પણ સારા માર્ક્સ સાથે પાસ કર્યું. તેમને PTC કર્યા બાદ કોઈ નોકરી આપવા માટે તૈયાર ન હતું.

અનેક શાળાઓમાં નોકરી માગી, પણ ના પાડી દેતા
તમામ શાળામાં તેઓ જતા હતા, પણ લોકો તેમને ના પાડી દેતા હતા. પછી તેમને એક સજ્જન મળ્યા, તેઓ તેમને મહિને 1500 રૂપિયા આપવાનું કહ્યું અને એના બદલામાં તેમણે ગામડાનાં ગરીબ બાળકોને ભણાવવાની વાત કહી. તેમણે ત્યાં ભણાવવાનું શરૂ કર્યું. ત્યાર બાદ વાડજમાં પણ તેઓ આવી રીતે ગરીબ બાળકો ભણાવતા હતા. તેમનું એક ઠેકાણું ક્યારેય ન હોય, કારણ કે તેમની મજબૂરી હતી. તેમને પોતાનું ઘર પણ સાથે ચલાવવાનું હતું, તેથી તેઓ કામની શોધમાં નીકળતા હતા. ત્યાર બાદ ઘણાં વર્ષો આવી રીતે કલોલ, ગાંધીનગર અને અમદાવાદમાં અલગ-અલગ ગરીબ વિસ્તારમાં જઈને લોકોને ભણાવ્યા હતા, પરંતુ તેઓ પણ સ્વાભિમાની શિક્ષક હતા. તેઓ કહેતા- હું નીચામાં નીચું કામ કરીશ પણ મફતના પૈસા નહિ લઉં. મારે કામ કરીને પૈસા જોઈએ છે, મારા પર દયા ખાઈને કોઈ પૈસા આપે તો હું એ નથી લેતો.

યંગસ્ટર ગ્રુપ બાબુભાઈની મદદે આવ્યું
કોરોનાકાળ દરમિયાન તેમની પરિસ્થિતિ કફોડી બની. તેમના પરિવારમાં 5 સભ્ય હતા, જેમાં 3 બાળકો પણ હતાં. હવે તેમની પાસે કોઈ બચત પણ ન હતી. તેમણે જેમતેમ કરીને પાડોશીની મદદથી સમય કાઢ્યો. ત્યાર બાદ તેમને ક્યાંય કામ ન મળ્યું. એ દરમિયાન એક યંગસ્ટર ગ્રુપે આ બાબુભાઇ પરમારની વ્યથા સાંભળી. ત્યાર બાદ તેમણે તેમને મદદ કરવાનું નક્કી કર્યું. તેમને 1 મહિનાના 5000 રૂપિયા આપીને ગરીબ અને રખડતાં બાળકોને ભણાવવાનું કહ્યું. બાબુભાઇ ત્યારથી હવે દરરોજ તેમના ઘરેથી 3 બસ બદલીને થલતેજ સ્મશાને આવે છે અને આ ગરીબો બાળકોને શિક્ષણ આપે છે.

રોજ 3 બસ બદલી બાળકોને ભણાવવા જાય છે
તેમની પરિસ્થિતિ નબળી હોવાથી તેઓ કોઈ સુવિધા સાથે ભણાવી શકતા નથી, પરંતુ તેમ છતાં ભણાવવામાં કોઈ કસર રાખતા નથી. આ એક એવી વ્યક્તિ છે, જેમને સામાન્ય વ્યક્તિ કરતાં વધારે તકલીફ પડતી હોય છે. 2 હાથ વગર જીવન જીવવું અને એ પણ 3 બસ બદલીને દરરોજ રજા રાખ્યા વગર બાળકોને ભણાવવા જવું એ ઘણું સંઘર્ષભર્યું કામ છે. તેઓ હવે પોતાના પરિવારની જવાબદારીને ધ્યાનમાં રાખીને એક માગ કરે છે- મને કામ આપો, હું કામ કરીશ, પરંતુ મને મદદની ખૂબ જરૂર છે.

સ્મશાનમાં ગરીબ બાળકોને ભણાવે છે
"હિંમતે મર્દા તો મદદે ખુદા" આ કહેવતની સાથે બાબુભાઇએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે હું 9 વર્ષનો હતો, વાવાઝોડું આવ્યું. એમાં વીજળી પડતાં મારા હાથ બળી ગયા. એટલે મારા 2 હાથ કાઢવા પડ્યા. ત્યાર બાદ મેં નક્કી કર્યું હતું ગમે તેમ કરી PTC કરીશ. PTC કર્યા બાદ શિક્ષક બન્યો, પણ ક્યાંય નોકરી ના મળી. આખરે એક સેવાકીય ટ્રસ્ટે મારાં પરિણામો જોઈને મને નોકરી આપી. મેં ત્યાં ઘણાં વર્ષો ગરીબ બાળકોને ભણાવ્યા. કોરોનામાં પાછો હું બેકાર થઈ ગયો. હાલ મારા પર 5 લોકોની જવાબદારી છે. મને આ યંગસ્ટર ગ્રુપ મદદ કરે છે. તેઓ મને 5000 રૂપિયા દર મહિને આપે છે અને બીજી પણ મદદ કરે છે. એના બદલામાં હું 8થી 11 વાગ્યા સુધી થલતેજ સ્મશાનમાં આ ગરીબ બાળકોને ભણાવું છે.

સ્મશાનમાં ભણી રહેલી બાળકી અને યંગસ્ટર ગ્રુપનાં દર્શનીબેન પટેલ
સ્મશાનમાં ભણી રહેલી બાળકી અને યંગસ્ટર ગ્રુપનાં દર્શનીબેન પટેલ

રૂ.5 હજારમાં પરિવારનું ગુજરાન ચલાવવા મજબૂર
મારા વિદ્યાર્થીઓમાં ઘણા લોકો અત્યારે પોલીસમાં છે. અમુક કોર્પોરેટ ઓફિસમાં છે. હાલ પણ આ ભણી રહેલા વિદ્યાર્થીઓમાં 2 વિદ્યાર્થી ધોરણ 10માં 82 ટકા લાવ્યા છે, એટલે હું તેમની પાછળ ઘણી મહેનત કરું છું. મને એક જ આશા છે આ 5000 મહિને આવક થાય એના સિવાય મારી બીજી કોઈ આવક નથી. મને કોઈ સ્ટેબલ જોબ કે કોઈ કામ આપે તો હું એ કરીને મારા ઘરની જવાબદારી પૂરી કરીને મારું ઘર ચલાવી શકું. મારાં 3 બાળકો છે. તેમને ભણાવવામાં માટે પણ મારી જોડે પૈસા નથી. એટલે મારી અપીલ છે કોઈ મને મદદરૂપ થઇ શકે તો હું તેનો ઘણો આભારી છું અને બીજું કે મને તકલીફ તો પડે છે પણ કહેવાય છે ને જેને કંઈ કરવું છે, કંઈ પામવું છે તેના માટે બધી મુશ્કેલી એક અવસર બની જતી હોય છે.

પરિવારના 5 લોકો બાબુભાઈ પર નિર્ભર છે
આ બાબુભાઇને મદદ કરનાર યંગસ્ટર ગ્રુપનાં દર્શનીબેન પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે દર રવિવારે અલગ-અલગ વિસ્તારમાં ખીચડી વહેંચવા જતાં હતાં. ત્યારે અમારી મુલાકાત બાબુભાઇ જોડે થઈ. તેઓ બાળકોને ભણાવતા હતા. ત્યાર બાદ અમે તેમની કહાની જાણી અને તેમને મદદ કરવાનું નક્કી કર્યું. અમારા ગ્રુપના મેમ્બર તેમને અલગ અલગ રીતે મદદ કરે છે. અમે પણ અહીં તેમની સાથે બેસીને બાળકોને કોઈકવાર ભણાવીએ છીએ, પરંતુ હવે તેમને કોઈ સ્ટેબલ જોબ કે કોઈ અન્ય કામ મળે તો તેમનું જીવન થોડું સરળ બને. તેમના ઘરના 5 લોકો તેમના પર નિર્ભર છે, એટલે મારી અપીલ છે કોઈ મદદ કરવા માગે તો આ બાબુભાઇને દરરોજ 8થી 11 થલતેજ સ્મશાને શિવજીની મૂર્તિ આગળ બાળકો ભણાવતા જોવા મળશે. આપણે આવા મહેનતી લોકોને કંઈક મદદરૂપ થઇ શકીએ તો એનાથી વિશેષ કંઈ નથી.

અન્ય સમાચારો પણ છે...