• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Despite Flooding In Many Places In Ahmedabad, Mu. Commissioner Lochan Sehra Said That In Three Hours, The System Completed 60 Per Cent Of The Work

પોતે પીઠ થાબડી:શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયેલા છતાં લોચન સહેરાએ કહ્યું- ત્રણ કલાકમાં તંત્રે 60 ટકા કામગીરી પૂર્ણ કરી

અમદાવાદ3 મહિનો પહેલા
  • સૌથી વધુ વરસાદ ઉસ્માનપુરા, આશ્રમરોડ અને ઇન્કમટેક્સમાં પડ્યો છતાં પણ પૂર્વ વિસ્તારમાં વધુ પાણી ભરાયા

શહેરમાં આજે બપોરે બાર વાગ્યા બાદ શરૂ થયેલા અનરાધાર વરસાદથી શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. શહેરમાં પડેલા અનરાધાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહન ચાલકો સહિત લોકો હેરાન પરેશાન થયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની પ્રિમોન્સુન કામગીરી નિષ્ફળ રહી હતી. મ્યુનિસિપલ કમિશનર સહેરાએ જણાવ્યું હતું કે, ત્રણ કલાકમાં ઝડપી કામગીરી કરી અને 60 ટકા જેટલી કામગીરી પૂર્ણ કરી છે. અમદાવાદમાં એક મહિનાનો વરસાદ આપણને ત્રણ કલાકમાં મળ્યો છે. જે પરિસ્થિતિને આપણે સફળતાપૂર્વક બે કલાકમાં સામાન્ય કરી દીધી છે.

શહેરના દરેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. જે ત્રણથી ચાર કલાક સુધી ઉતર્યા ન હતા. રોડ ધોવાઇ જવાની, વરસાદી પાણી ભરાવવાની, ઝાડ પડવાની સહિતની અનેક ફરિયાદો સામે આવી છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે શહેરમાં પડેલા વરસાદના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ત્રણ કલાકમાં ઝડપી કામગીરી કરી અને 60 ટકા જેટલી કામગીરી અમે પૂરી કરી દીધી છે. જો કે હજી પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે અને પાણીનો નિકાલ થયો નથી. આ ક્યાં વિસ્તારોમાં પાણી ભરાયાની ફરિયાદો અંગે તેઓને પૂછતાં તેઓ જવાબ આપી શક્યા ન હતા.

મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ અને વોટર કમિટી ચેરમેન જતીન પટેલ દ્વારા સંયુક્ત રીતે પત્રકાર પરિષદ કરી અને અમદાવાદમાં પડેલા વરસાદ અને કરાયેલી કામગીરી અંગે માહિતી આપી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનેજ વિભાગ, ફાયર સહિતના વિભાગો અને અમારા આખા તંત્ર દ્વારા છેલ્લા ત્રણ કલાકમાં કામગીરી કરી હોવાની જાતે જ વાહવાહી કરી લીધી હતી.

હકીકતમાં વરસાદી પાણીનો જે રીતે નિકાલ થવો જોઈએ તેવો જોવા મળ્યો ન હતો. વરસાદ બંધ થયા બાદ ખરેખર એક કલાકમાં પાણી ઉતરી જવું જોઈએ. પરંતુ સાંજે સાત વાગ્યા સુધીમાં શહેરના પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. સરસપુર શારદાબેન હોસ્પિટલથી ગામ તરફ અને અન્ય આંતરિક રોડ ઉપર વરસાદ બંધ થયાના બે કલાક બાદ પણ વરસાદી પાણીનો નિકાલ થયો ન હતો.

વોટર કમિટી ચેરમેન જતીન પટેલે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રનો બચાવ કરતાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી અમદાવાદ શહેરમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ પડે તે રીતે પાણીનો નિકાલ થાય તેવી ડ્રેનેજ સિસ્ટમ રાખવામાં આવી છે. પરંતુ શહેરમાં તો હવે વરસાદની પેટર્ન બદલાઇ ગઇ છે અને એકસાથે પાંચ ઇંચ જેટલો વરસાદ પડી જાય છે. તેમજ એક વિસ્તારમાં વધુ વરસાદ પડે છે અને અન્ય વિસ્તારમાં વરસાદ પડે છે એમ કહી અને વરસાદની પેટર્નનું કારણ આપી એક બે કલાક તો પાણી રહે જ તે રીતે પાણી ભરાતા હોવાનો બચાવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...