બોપલનો ગ્રાઉન્ડ રિપોર્ટ:ભાજપના સત્તાધીશોએ ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી છતાં ઠેર ઠેર ગંદકી, જાહેર શૌચાલયમાં દારૂની બોટલો દેખાઈ

અમદાવાદ25 દિવસ પહેલા

અમદાવાદના બોપલ અને ઘુમા વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી સફાઈના પ્રશ્ને અવારનવાર સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન અને સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા યોગ્ય સફાઈ ન કરવામાં આવતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા ઉપવાસ પર ઉતારવાની ધમકી બાદ કોર્પોરેશન તંત્રના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા બોપલ વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી કે કેમ અને ત્યાંની પરિસ્થિતિ કેવી છે તે અંગેનો ગ્રાઉન્ડ રિપોર્ટ દિવ્યભાસ્કર દ્વારા કરવામાં આવ્યો હતો.

જાહેર શૌચાલયોમાં દારૂની પોટલીઓ દેખાઈ
દિવ્ય ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં બોપલ વિસ્તારમાં જ્યાં બોપલ- ઘુમા નગરપાલિકા આવેલી છે. તેનાથી થોડા જ દૂર જાહેર શૌચાલય આવેલું છે તેની બહાર જ ગંદકી જોવા મળી હતી. શૌચાલયની બહાર અને અંદર બંને સાઈડ દારૂની બોટલો જોવા મળી હતી.તેમજ નીચે અંડર ગ્રાઉન્ડ ટાંકી જે આવેલી છે તે ખુલ્લી છે જો રાતના અંધકારના સમયમાં કોઈ વ્યક્તિ શૌચાલય ખુલ્લું જોઈ અને અંદર જાય અને તો પડી જાય હાલતમાં જોવા મળ્યું હતું. બોપલથી ઘુમા જવાના મુખ્ય રોડ ઉપર ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે. તેની બાજુમાં જ કચરાના ઢગલા જોવા મળ્યા હતા.

શૌચાલયની બિસ્માર હાલત અને ગંદકીના ઢગ દેખાયા
શૌચાલયની બિસ્માર હાલત અને ગંદકીના ઢગ દેખાયા

સ્ટેન્ડિંગ ચેરમેને ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી હતી
અમદાવાદના બોપલ અને ઘુમા વિસ્તારમાં સફાઈ મામલે સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવતી હતી છતાં પણ ડોર ટુ ડોર રોડ પર કચરાની સફાઈનો પ્રશ્ન હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં અવારનવાર સૂચના છતાં સફાઈનો પ્રશ્ન અધિકારીઓ દ્વારા ઉકેલી શક્યા નહતા. બોપલ અને ગુમામાં છેલ્લા 15 મહિનાથી યોગ્ય સફાઈ થતી ન હતી અને છેવટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ દ્વારા ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી હતી. જે મામલે દિવ્યભાસ્કરે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેશ બારોટ સાથે વાતચીત કરી હતી.

કર્મચારીઓને કાયમી કરવા માટેની માંગ હતી
તેઓએ જણાવ્યું હતું કે બોપલ - ઘુમા નગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પડી ત્યારે નગરપાલિકામાં પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર દ્વારા સફાઈ કામદારો રાખી અને સફાઈ કરવામાં આવતી હતી. કોર્પોરેશનમાં ભળ્યા બાદ કર્મચારીઓ દ્વારા તેઓને કાયમી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓએ કાયમી કરવાનો વિવાદ સામે આવ્યો હતો. કોર્પોરેશનમાં કામ કરતા જ કર્મચારીઓ કાયમી થાય છે કોન્ટ્રાકટ પર હોય તેને કાયમી કરી શકાતા નથી. કાયમી કરવાનો વિવાદ સામે આવતા જે તે સમયે નિર્ણય લેવામાં આવ્યો હતો અને જુદી જુદી એજન્સીઓને સફાઈ માટેનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. ડોર ટુ ડોર ડમ્પીંગ માટેની કામગીરી ચાલી રહી છે. પરંતુ રોડ ઉપર જે સફાઈ થવી જોઈએ તે થતી નથી.

તળાવમાં પણ ગંદકી જોવા મળી
તળાવમાં પણ ગંદકી જોવા મળી

પાંચથી છ વખત સ્ટેન્ડિંગ કમિટીમાં સૂચના અપાઈ
છેલ્લા 15-17 મહિનાથી આ સફાઈ નો પ્રશ્ન ચાલી રહ્યો છે. અવારનવાર પાંચથી છ વખત સ્ટેન્ડિંગ કમિટીમાં સૂચના આપવામાં આવી હતી. અધિકારીઓને સૂચના આપવા છતાં પણ કામગીરી ન થતા ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં કોર્પોરેટરો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યો હતો. જે બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ત્રણ અધિકારીઓની એક કમિટી બનાવવામાં આવી છે અને બોપલ અને ઘુમા વિસ્તારમાં સફાઈ મામલે તેઓ નિર્ણય કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા પણ અને ઘુમા વિસ્તારમાં સફાઈ મામલે ચિંતા કરી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને સૂચના આપી છે.સફાઈ કામદારના યુનિયનના લીડરો અને અધિકારીઓ વચ્ચેના ગજાગ્રહના કારણે સ્થાનિક કેટલાક કામદારોને ગેરમાર્ગે દોરવામાં આવે છે.જેના કારણે કામદારોના કામ 18 મહિનાથી બંધ છે. કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ ક્યારેય કાયમી થઈ શકવાના નથી. પરંતુ અમે તે તરફ પ્રયાસ કરી રહ્યા છે.

તળાવની સફાઈ કરવામાં નથી આવતી
સોસાયટી ઓની બહાર અને મુખ્ય રોડ ઉપર કેટલીક જગ્યાએ માત્ર બહારથી સફાઈ કરી દેવામાં આવી હતી પરંતુ જેટલા અંદરના રોડ છે ત્યાં યોગ્ય સફાઈ કરવામાં આવી ન હતી.બોપલ રોડ પર બીકે હાઉસની બહાર જ કચરાના ઢગલા જોવા મળ્યા હતા.કેટલાક વિસ્તારમાં તપાસ કરતા જે પણ કન્સ્ટ્રક્શન સાઈડ ચાલતી હોય અથવા ઘરનું રીનોવેશન કે તેવું કોઈ કામ ચાલતું હોય તો તેના ઢગલા ત્યાં સોસાયટીઓની બહાર જ જોવા મળ્યા હતા. બોપલ વિસ્તારમાં જ્યાં તળાવ આવેલું છે ત્યાં તળાવની આસપાસ અને અંદર પણ ખૂબ જ ગંદકી જોવા મળી હતી તળાવની પણ યોગ્ય રીતે જે સફાઈ થવી જોઈએ તે કરવામાં આવી ન હતી.

મંદિર પાસે પણ કચરાનો ઢગલો જોવા મળ્યો
મંદિર પાસે પણ કચરાનો ઢગલો જોવા મળ્યો

ગૃહમંત્રી અમિત શાહને ગંભીર નોંધ લેવી પડી
ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન હિતેશ બારોટ દ્વારા બોપલ અને ગુમા વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી સફાઈ મામલે ઉચ્ચ અધિકારીઓ અને અધિકારીઓને ધ્યાન દોરવા છતાં પણ યોગ્ય સફાઈ ન થતા ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી આપવાની ફરજ પડી હતી. બોપલ અને ગુમા વિસ્તારમાં આ રીતે સફાઈ મામલે જ્યારે ભાજપના સત્તાધીશોને ઉપવાસ પર ઉતરવું પડે જેની દરમિયાનગીરી ખુદ ગાંધીનગર લોકસભાના સંસદ સભ્ય અને કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહ ને ગંભીર નોંધ લેવી પડી હતી અને તેઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાને સફાઈ મામલે સુખદ સમાધાન લાવવા માટે સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...