પ્રજાના પૈસે જલસા:રોડ રિપેરિંગ માટે ફંડ ન હોવાનું ગાણું ગાતી AMC તમામ 192 કોર્પોરેટરને 75 હજારનું લેપટોપ, 15 હજારનું પ્રિન્ટર ફ્રીમાં આપશે

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ. 90000 સુધીના લેપટોપ અને પ્રિન્ટર કોર્પોરેટર અને અધિકારીઓ જાતે ખરીદીને બિલ મૂકવાનું રહેશે
  • આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં 192 કોર્પોરેટર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ માટેના લેપટોપની દરખાસ્ત મંજૂર
  • લેપટોપ અને પ્રિન્ટર માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા પરંતુ ડિસ્ક્વોલિફાય થતા મેયરે સૂચના આપી નવી નીતિ બનાવી
  • ગ્રેડ પે ધરાવતા અધિકારીઓને પણ યોજનાનો લાભ મળશે, કોર્પોરેટરોએ લેપટોપ ખરીદી મ્યુનિ.માં બિલ મુકવાનું રહેશે

અમદાવાદ મ્યુનિ. હાઇકોર્ટમાં પણ એવી રજૂઆત કરી ચૂકી છે કે, કોરોનાકાળમાં થયેલા ખર્ચને લીધે રોડ રિપેરિંગ માટે પણ પૂરતું ફંડ નથી. બીજી તરફ આજ મ્યુનિ. તમામ 192 કોર્પોરેટર તેમજ અધિકારીઓને રૂ.75 હજારની કિંમતનું લેપટોપ અને રૂ.15 હજારની કિંમતનું પ્રિન્ટર ફ્રીમાં આપશે. આ યોજના પાછળ મ્યુનિ. બે કરોડથી વધુ રકમનો ધુમાડો કરશે.અત્રે ઉલ્લેખનીય છે કે, ઉબડખાબડ રોડ અને રઝળતા ઢોર મામલે હાઇકોર્ટમાં થયેલી અરજીની સુનાવણીમાં મ્યુનિ. અધિકારીઓએ એવી રજૂઆત કરી હતી કે, હાલ ફંડનો અભાવ છે.

બીજી તરફ કોર્પોરેટર અને અધિકારીઓને લેપટોપ અને પ્રિન્ટર આપવાના કામને મંજૂરી આપવામાં આવી છે. કોર્પોરેટરો ચોક્કસ સ્પેશિફિકેશનના લેપટોપ ખરીદી શકશે અને મ્યુનિ.માં બિલ મુકશે એટલે તેને મંજૂર કરવામાં આવશે. જોકે આ લેપટોપ અને પ્રિન્ટરના રિપેરિંગ સહિતના 5 વર્ષ માટેનો પણ આ રકમમાં સમાવેશ થઈ જશે. આ રકમમાં પ્રિન્ટરની ઇંક બદલવી, સોફ્ટવેર લાયસન્સ વિગેરેનો પણ સમાવેશ થશે. આ ઉપરાંત ગ્રેડ પે ઘરાવતાં અધિકારીઓને પણ લેપટોપ આપવામાં આવશે. જેમાં ડે.મ્યુનિ. કમિશનર, આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનર, ટીડીઓ, ચીફ એકાઉન્ટન્ટસ, સોલિડ વેસ્ટ ડાયરેક્ટર સહિત અધિકારીઓને પણ લેપટોપ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અગાઉ પણ તમામ કોર્પોરેટરોને લેપટોપ અપાયા હતા તેનું શું કરવું તે અંગે કંઈ કહેવાયું નથી.

ખર્ચા પર કાપ મૂકવાને બદલે તમામ કોર્પોરેટર અને અધિકારીઓ માટે લેપટોપ
એકતરફ કોર્પોરેશન હાઇકોર્ટમાં આર્થિક સ્થિતિ નબળી હોવાનું જણાવે છે અને બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા નિમાયેલા ભાજપના શાસકોએ પ્રજાના પૈસે જલસા કરવાનું નક્કી કર્યું હોય તેમ ખર્ચ પર કાપ મૂકવાની જગ્યાએ ખર્ચ કરવા લાગ્યા છે. નવા નિમાયેલા ભાજપ, કોંગ્રેસ અમે AIMIMના કુલ 192 કોર્પોરેટર અને કોર્પોરેશનના ક્લાસ 1 અધિકારીઓ માટે રૂ. બે કરોડના ખર્ચે HD લેપટોપ ખરીદવા કોર્પોરેટરોએ જાતે લેપટોપ ખરીદી બિલ કોર્પોરેશનમાં મૂકવાનું રહેશે.

સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકો અને અધિકારીઓ હવે પ્રજાના પૈસે લહેર કરવા માટે ખોટા ખર્ચા કરવા જઈ રહી છે. એક તરફ ફ્લાવર શો પાછળ પણ રૂપિયા 2 કરોડના અંદાજિત ખર્ચ થઈ ચૂક્યો છે અને હવે કોર્પોરેશનને માથે પડ્યો છે. ત્યારે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં તમામ 192 કોર્પોરેટરો અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓને લેપટોપ આપવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. આ મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, રૂપિયા 75 હજારની મર્યાદામાં સારામાં સારું લેપટોપ અને રૂપિયા 15 હજારની મર્યાદામાં પ્રિન્ટર એમ કુલ રૂપિયા 90 હજાર સુધીની મર્યાદામાં ખરીદી કરવા માટેની દરખાસ્તને આજે મંજૂરી આપવામાં આવી છે

ઈ-ગવર્નન્સ વિભાગમાં બે ટેન્ડર ડિસ્ક્વોલિફાઈડ થયા
Windows 10 ઓપરેટિંગ સિસ્ટમ અને i7 પ્રોસેસરના એકદમ ટેક્નોલોજીયુક્ત લેપટોપ ખરીદવા માટે ઈ-ગવર્નન્સ વિભાગ દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. પરંતુ બંને ટેન્ડર ડિસ્ક્વોલિફાઈડ થતાં છેલ્લે મેયર કિરીટ પરમાર એ આપેલી સૂચના મુજબ આ લેપટોપ ખરીદવા માટે નીતિ બનાવી હતી. જેમાં કોર્પોરેટરોએ જાતે રૂપિયા 75 હજાર સુધીના લેપટોપ અને 15 હજારના પ્રિન્ટર તેથી શકે છે, ત્યારે જે પણ કર્મચારી કે અધિકારીને લેપટોપની જરૂર તેઓ મ્યુનિસિપલ કમિશનરની સ્પેશિયલ કેસમાં મંજૂરી મેળવી અને આ રીતે લેપટોપની ખરીદી કરી અને બાદમાં પગાર કે બધામાંથી રિ-એમ્બર્સમેન્ટ મેળવી શકે છે.

265 જેટલા HD લેપટોપ ખરીદાશે
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દર પાંચ વર્ષે ચૂંટણી યોજાય છે. જેમાં નવા નિમાયેલા કોર્પોરેટરોને લેપટોપ અને મોબાઈલ આપવાની પ્રથા વર્ષોથી ચાલી છે. લેપટોપ ફાળવ્યા બાદ તેને પરત કરવાની શરત મૂકાય છે. પરંતુ કોર્પોરેટરો તો પોતાના ઘરના લેપટોપ હોય તેમ દીકરા દીકરીને વાપરવા આપી દે છે અને પછી ઘરમાં જ રાખી મૂકે છે. કોરોનાકાળમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરી ખાલી થઈ ગઈ છે. માત્ર પ્રોપર્ટી અને પ્રોફેશનલ ટેક્સની જ આવકથી હવે કોર્પોરેશન ચાલે છે. ત્યારે ભાજપના નવા નિમાયેલા શાસકોએ પ્રજાના પૈસે જલસા કરવાનું નક્કી કરી લીધું છે. રૂ. બે કરોડના ખર્ચે ભાજપના 160, કોંગ્રેસના 24 અને AIMIMના 7 કોર્પોરેટર તેમજ મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આસિસન્ટ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ માટે 265 જેટલા HD લેપટોપ ખરીદવામાં આવશે.

કોરોના કાળમાં પ્રજાના પૈસા બચાવવા કોણ આગળ આવશે?
છેલ્લા પાંચેક વર્ષથી ટેક્નોલોજી એટલી આગળ વધી ગઈ છે કે લેપટોપ પર કરવામાં આવતા કામ હવે મોબાઈલ પર થઈ જાય છે. લેપટોપ પર થતાં કામ મોબાઈલથી થાય છે ત્યારે પ્રજાના પૈસે આવા કોરોનાકાળમાં કરોડો રૂપિયાના લેપટોપ ખરીદવા કેટલા યોગ્ય છે? મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયેલા કોર્પોરેટર પૈકી કેટલાક કોર્પોરેટર આર્થિક રીતે એટલા સધ્ધર છે કે તેઓ પોતાના ખર્ચે લેપટોપ અને મોબાઈલ ફોન ખરીદી શકે છે. ત્યારે શું આવા સધ્ધર કોર્પોરેટર અને અધિકારીઓ લેપટોપ ન લઈ બચતનું ઉદાહરણ પૂરું પાડશે? કોરોનાકાળમાં મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે એકતરફ આવકનું સાધન એકમાત્ર સ્ત્રોત પ્રોપર્ટી ટેક્સ હોઇ તેમાંથી અનેક કામો થાય છે. મ્યુનિસિપલ તંત્રમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ થકી મળતી કરોડો રૂપિયાની સહાયને પણ અસર પડી છે. અનેક પ્રોજેક્ટ પડતા મુકવા પડ્યા છે પરંતુ નવા નિમાયેલા ભાજપના શાસકો હવે કરોડોના કામો અને ખર્ચો કરી ફરી પ્રજાના પૈસે જલસા કરવાનું શરૂ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...