નામ તેનું શ્લોક ગાંધી. એ અમદાવાદમાં અંજલિ ચાર રસ્તા પાસે રહે છે અને મેમનગરમાં આવેલી એચ.બી.કાપડિયા સ્કૂલમાં અભ્યાસ કરે છે. હમણાં જ 10th બોર્ડનું રિઝલ્ટ આવ્યું, એમાં શ્લોકને 94% અને 99.54 પર્સન્ટાઇલ આવ્યા. આટલા સારા પર્સન્ટાઇલ હોય તો સ્ટુડન્ટ કે તેના પેરેન્ટ્સ બે-ત્રણ જ રસ્તા વિચારે. કાં તો એન્જિનિયર બનીને મોટી IT કંપનીમાં જવું. કાં મેડિકલમાં જઇ ડોક્ટર બનવું અથવા તો UPSC ક્રેક કરીને IAS કે IPS બનવું. આવું ઘણું થઈ શકે, પણ શ્લોક ગાંધીએ અલગ જ રસ્તો નક્કી કરી લીધો છે. તેને ગાડરિયા પ્રવાહમાં નથી જવું, તેને પ્રવાહની સામે પડવું છે. શ્લોકને આર્મીમાં જોઇન થવું છે!
શા માટે આર્મીમાં જવું છે ?
શ્લોક ગાંધીના નાનાજી જગદીશભાઈ સોની છે. આ જગદીશભાઈના ભાઈ કેપ્ટન નિલેશ સોની દુશ્મનો સામે લડતાં લડતાં 12 ફેબ્રુઆરી 1987ના દિવસે સિયાચીનમાં શહીદ થયા. હું નાનપણથી મારા નાનાજીના ઘરે જતો ત્યારે તે તેમના ભાઈ શહીદ કેપ્ટન નિલેશ સોનીની વાતો કરતા. હું તેમને ફોટામાં જોતો અને નિલેશદાદા કહીને જ બોલાવતો. અત્યારે હું 10thમાં પાસ થયો, પણ હું સેકન્ડ સ્ટાન્ડર્ડમાં હતો ત્યારથી મને ઈચ્છા હતી કે આર્મીમાં જોડાવું.
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં શ્લોક કહે છે, નિલેશદાદા વિશે વાતો સાંભળ્યા પછી તેમનું ડિસિપ્લિન, ફૌજીની બોડી લેન્ગવેજ, ડાયટ આ બધું મને ખૂબ પસંદ હતું અને ખાસ તો દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના મારામાં પ્રબળ બનતી ગઈ. આ બધી બાબતો મને આર્મી જોઈન કરવાની પ્રેરણા આપતી ગઈ. 10thમાં સારા પર્સન્ટાઇલ છે એટલે મને કોઈપણ લાઈનમાં આગળ વધવાની સારી તક મળે. IT ફિલ્ડ બહુ મોટું છે. IAS કે IPS તરફ પણ આગળ વધી શકું પણ મારું દિલ તો એમ જ કહે છે કે હું આર્મીમાં જાઉં.
આર્મીમાં જોડાવા માટે હવે શું વિચાર્યું છે ?
શ્લોક કહે છે, હવે 12thમાં ખૂબ સારા પર્સન્ટાઇલ આવે એના માટે મહેનત કરીશ. સાયન્સ અને મેથ્સમાં વધારે ને વધારે માર્ક્સ લાવીશ. પછી NDA નેશનલ ડિફેન્સ એકેડમી જોઈન કરીશ. NDA કર્યા પછી દેહરાદૂનમાં IMA ઇન્ડિયન મિલિટરી એકેડમી છે એમાં જવું છે અને ત્યાંથી આર્મી ઓફિસર બનીને બહાર આવીશ. એકના એક પુત્રને ડિફેન્સમાં આગળ વધારવા માટે પિતા શૈવલભાઈ અને માતા નેહાબેન પણ સપોર્ટ કરે છે. શૈવલભાઈને પોતાનો બિઝનેસ છે. નાનાજી જગદીશભાઈ સોની પણ શ્લોકને આર્મી જોઇન કરવા મોટિવેટ કરતા રહે છે.
ચેસ અને રનમાં ઢગલાબંધ મેડલ મેળવ્યા છે
આર્મીમાં જોઇન થવાનું સપનું લઈને આગળ વધી રહેલા શ્લોક ગાંધીએ તમામ તૈયારીઓ શરૂ તો કરી જ દીધી હતી. તે રનમાં અને ચેસમાં એક્ટિવ છે. રનમાં 3 ગોલ્ડ અને એક સિલ્વર મેડલ અને ચેસમાં 6 ટ્રોફી, 4 ગોલ્ડ મેડલ અને બે બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. શ્લોક કહે છે, એજ્યુકેશન હોય કે સ્પોર્ટ્સ, મને મારી સ્કૂલ એચ.બી.કાપડિયાના સ્ટાફ અને ટીચર્સ તરફથી ખૂબ સપોર્ટ મળ્યો છે. 2020માં 26 જાન્યુઆરીએ નિર્માણ હાઇસ્કૂલમાં કમાન્ડર તરીકે પરેડ લીડ કરી હતી. શ્લોકે તો સૈનિક સ્કૂલમાં જવાની પણ તૈયારી કરી લીધી હતી, પણ સીટ અવેલેબલ ન હોવાથી એડમિશન મળી શક્યું નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.