સુનાવણી:હાઇકોર્ટની 5 નોટિસ છતાં વન વિભાગે જવાબ ન આપ્યો, કોર્ટે કહ્યું- હવે જો નોટિસનો જવાબ નહીં આપો તો નોન બેલેબલ વોરન્ટ ઇસ્યુ કરીશું

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટની ફાઈલ તસવીર
  • 2019માં થયેલી પિટિશનમાં હાઇકોર્ટે વન વિભાગને નોટિસ મોકલી જવાબ માગ્યો હતો
  • હાઇકોર્ટે નોડલ ઓફિસરને રૂપિયા 5000નો દંડ ફટકાર્યો

હાઇકોર્ટમાં 2019માં શિવુબેન વસાણીએ તેમના રોજગારને લગતી બાબતને લઈને વન વિભાગ સામે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. આ કેસમાં અગાઉ એડવોકેટની રજુઆત બાદ અલગ અલગ મુદ્દા પર ચર્ચા થઈ હતી. જેથી આ રજુઆતની સામે વનવિભાગે તેનો જવાબ રજૂ કરવા માટે સમય માંગ્યો હતો. જોકે 5 વાર હાઇકોર્ટના આદેશ બાદ પણ વિભાગ તરફથી જવાબ રજૂ કરાયો ન હતો.

સરકારી અધિકારીઓની બેદરકારીથી હાઇકોર્ટ નારાજ
આજે જસ્ટિસ સુપેહિયા સમક્ષ આ મામલો સુનવણી માટે આવ્યો, ત્યારે ફરી જાણવા મળ્યું કે, વન વિભાગ દ્વારા કોઈ જવાબ દાખલ કરવામાં આવ્યો નથી. જસ્ટિસ એ.એસ. સુપેહિયાએ સરકારી અધિકારીને નારાજ કર્યા અને ટિપ્પણી કરી કે, હાઇકોર્ટના સિંગલ લાઇન ઓર્ડરનું સન્માન કરવું જોઇએ. તેમણે કહ્યું, 'મને લાગે છે કે તેઓ તેને માત્ર ડસ્ટબિનમાં ફેંકી દે છે. તમે ફક્ત આ કોર્ટના આદેશોને અવગણી શકતા નથી. આ કારણે કોર્ટનો સમય પણ બગડે છે.'

નોડલ અધિકારીને ફટકાર્યો દંડ
આ અંગે કોર્ટે નોડલ ઓફિસર સામે કડક ટિપ્પણી કરી રૂ. 5000નો દંડ ફટકાર્યો હતો. જસ્ટિસ સુપેહિયાએ વધુમાં કહ્યું કે, સંબંધિત વિભાગના અધિકારીની ફરજ છે કે તે કેસને ટ્રેક કરે અને જવાબ દાખલ કરે. AGP (મદદનીશ સરકારી પ્લીડર) તેમના ઘરે જઈને તમને જવાબ દાખલ કરવા અને જરૂરી કામ કરવા માટે કહેશે તેવું આંકલન ન કરી શકાય. કોઈ પણ કેસની તપાસ કરવાની જવાબદારી તેમની છે. ફાઇલને ટ્રેક કરવાની અધિકારીની ફરજ છે અને બધું નેટ પર છે. તેઓએ જવાબ દાખલ કરવા માટે પાંચ વખત સમય માંગ્યો હોવાથી છ વખત મામલો સ્થગિત કરવામાં આવ્યો છે. ફાઇલ સાથે કામ કરતા આવા અધિકારીને રાજ્યને નુકશાન ન થવું જોઈએ. તમે કોર્ટના આદેશોને અવગણી શકતા નથી. તેનું સન્માન થવું જોઈએ.