રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે ગુજરાત સરકાર કોરોનાની તમામ પરિસ્થિતીઓ સામે લડત આપવા કરાયેલી તૈયારીની માહિતી આપી હતી. જેમાં તેમણે દવાઓ, હોસ્પિટલમાં બેડ, ઓક્સિજનની સુવિધા તથા રસીકરણ અંગેની માહિતી આપી હતી. સાથે જ તેમણે રાજ્યમાં હોસ્પિટલાઇઝેશન રેટ 2.50 ટકા તથા ઓક્સિજનની જરૂર પડે તેવા દર્દીઓના રેટ 0.39 ટકા હોવાની માહિતી આપી હતી. કોવિડ મહામારી સામે નિયંત્રણ મેળવવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ 14 વિષયોને સમાવિષ્ટ તબીબી નિષ્ણાંતોની ટીમ બનાવવામાં આવી છે.
કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં હેલ્થ સર્વીસ મેનેજમેન્ટ સેન્ટર કાર્યરત કરીને દરેક જિલ્લામાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ એક્ટિવ કર્યા છે. સાથે જ કોમ્યુનિટી મેડિસીનનાં નિષ્ણાંત પ્રાધ્યાપકોનું એપિડમિક ઇન્ટેલીજન્સ યુનીટ તૈયાર કરાયું છે. જે વિશ્વ અને રાષ્ટ્રીય સ્તરે મહામારીની અસરો પરનું વિશ્વેલ્ષણ કરીને રાજ્યની કોવિડ ટાસ્ક ફોર્સને કોવિડ સામેની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે માર્ગદર્શન પ્રદાન કરે છે.
રાજ્યમાં હોસ્પિટલાઇઝેશન રેટ 2.50 ટકા
આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં 43 હજાર જેટલા એક્ટિવ કેસ હોવા છતા હોસ્પિટલાઇઝેશન દર 2.50 ટકા અને ઓક્સિજનની જરૂરિયાતનો દર 0.39 જેટલો છે. હોસ્પિટલાઇઝેશન દર ખૂબ જ ઓછો હોવા છતા પણ વાયરસના સ્વરૂપને ગંભીરતાથી લઇ કોવિડ અનૂરૂપ સરકારી દિશાનિર્દેશોનું પાલન કરવા અને રસીકરણ કરાવવા તેમણે નાગરિકોને અનુરોધ કર્યો છે. ઉપરાંત તેમણે સરકારની તૈયારી અંગે પણ માહિતી આપી હતી.
18 વર્ષથી વધુના 98 ટકાને પ્રથમ ડોઝ
અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાની રસીના 9.42 કરોડ ડોઝ આપવામાં આવ્યા. 18 વર્ષથી વધુની વયના 98 ટકા લોકોને પ્રથમ ડોઝ જ્યારે 94.5 ટકા લોકોને બીજો ડોઝ સફળતાપૂર્વક આપવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “હર ઘર દસ્તક” અભિયાન અંતર્ગત રાજ્યના 1 કરોડ લોકોને ઘરે ઘરે જઇને રસીકરણના ડોઝ લગાવવામાં આવ્યા છે. તાજેતરમાં શરૂ થયેલા 15 થી 18 ની વય જૂથના રસીકરણમાં 57 ટકા તરૂણોને કોરોનાની રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. 10મી જાન્યુઆરીથી વયસ્કો, કોવિડ અને ફ્ર્ટલાઇન વર્કસ માટે આરંભાયેલા પ્રિકોશન ડોઝના અભિયાનમાં પણ મોટા પ્રમાણમાં લાભાર્થીઓએ ડોઝ લગાવડાવ્યો છે.
138 લેબમાં કોરોના ટેસ્ટિંગ
રાજ્યમાં હાલ 43 હજાર જેટલા કોવિડ એક્ટિવ કેસ છે અને કોવિટ ટેસ્ટીંગમાં અંદાજીત 9.5 ટકા પોઝીટીવીટી રેટ છે. ટેસ્ટિંગની વાત કરીએ તો રાજ્યમાં 138 ટેસ્ટીંગ લેબ કાર્યરત કરીને ટેસ્ટીંગ ફેસીલીટીને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. આવનારા સમયમાં 40 સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલોમાં પણ ટેસ્ટીંગ લેબ કાર્યરત બનશે.
હોમ આઇસોલેશનના દર્દીઓ માટે સુવિધા
રાજ્યમાં હોમ આઇસોલેશનમાં રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે સરાકર દ્વારા 600 જેટલા સંજીવની રથ કાર્યરત કરવામાં આવ્યા છે. જે હોમ આઇસોલેશનમાં સારવાર મેળવી રહેલા દર્દીઓના ઘરે ઘરે જઇને સ્વાસ્થ્ય તપાસ કરે છે.
ટેલીમેડિસીન એન્ડ હેલ્પલાઇનની સુવિધા
કેન્દ્ર સરકારની ઇ-સંજીવની ટેલીમેડિસીન સેવા અંતર્ગત હોમ આઇસોલેશન અને અન્ય દર્દીઓને ઘરે બેઠા જ નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા કાઉન્સેલીંગ અને વાતચીત કરાવવામાં આવે છે. આ કાઉન્સેલીંગના આધારે તબીબો દ્વારા લખવામાં આવતા ઇ- પ્રીસ્ક્રીપશનની દવાઓને પણ હોમ ડિલીવરીથી ઉપલબ્ધ કરાવવાની દિશામાં સરકાર પ્રયત્નશીલ છે. રાજય સરકારની 1100 ટેલી મેડીસીન હેલ્પ લાઈન અને 104 ફિવર હેલ્પ લાઈન સેવા અંતર્ગત પણ કોરોનાગ્રસ્ત દર્દીઓ અને અન્ય દર્દીઓને કોવીડની જાણકારી, માર્ગદર્શન અને સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
97000 બેડ ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા
કોવિડની તમામ આક્સમિક પરિસ્થિતીઓનો સામનો કરવા યુધ્ધના ધોરણે 97,000 થી વધુ કોરોના સારવાર માટેના અલાયદા બેડ ઉપલબ્ધ થઇ શકે તે પ્રકારની વ્યવસ્થા હાથ ધરાઇ. જેમાં 70,000 ઓકસીજન બેડ અને 15,000 ક્રીટીકલ બેડ અને 8,000 વેન્ટીલેટરી બેડનો સમાવેશ થાય છે. સાથો સાથ આકસ્મિક પરિસ્થિતિઓમાં DRDOની મદદથી પણ યુધ્ધના ધોરણે હોસ્પિટલ શરૂ કરવા રાજ્યની તૈયારીઓ છે.
પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 3840 બેડ તૈયાર કરાશે
ECRP Phase-II ના અંતર્ગત રાજ્યના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 3840 નવા બેડ તૈયાર કરવામાં આવશે. ડિસ્ટ્રીક્ટ અને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલોમાં 872 પીડીયાટ્રીક બેડ અને 900 આઇ.સી.યુ. બેડમાં વધારો થશે. 9 જિલ્લાઓમાં 100 બેડની ક્ષમતા ધરાવતી 9 બેડ ફીલ્ડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે. જિલ્લા સ્તરીય હોસ્પિટલોમાં લિક્વીડ મેડિકલ ઓક્સિજન (એલએમઓ) સ્ટોરેજ ટેન્ક સ્થાપિત કરવામાં આવી છે.
વેબસાઈટ પર હોસ્પિટલમાં ખાલી બેડની જાણકારી મળશે
નાગરિકોને કોવિડ હોસ્પિટલ સહિતના અન્ય સ્વાસ્થ્ય કેન્દ્રોમાં ખાલી બેડની ઉપલબ્ધતા, નજીકના સ્થળે ડાયગ્નોસ્ટીક ટેસ્ટીંગની ઉપલબ્ધતાની જાણકારી ઉપલબ્ધ કરાવવા માટે ગુજરાત એપીડેમીક રિસ્પોન્સ મેનેજ્મેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ-જર્મીસ (GERMIS) પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે.
દવાઓનો સ્ટોક તૈયાર
કોરોના સામેની લડતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના માટે કેન્દ્ર સરકાર દ્વારા સુચિત દવાઓનો સ્ટોક પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. માસ્ક, પીપીઈ, ગ્લોઝ, સેનીટાઇઝરનું પણ બફર સ્ટોક રાજ્ય સરકારે તૈયાર રાખ્યો છે. દર્દીઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે આયુષ દવાઓનો પણ અસરકારક ઉપયોગ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.