AMC કહે છે ગભરાશો નહીં:અમદાવાદમાં કોરોનાના રોજ 1600 કેસ, બજારોમાં માસ્ક વિનાની ભીડ છતાં કોઈ નવા પ્રતિબંધો નહીં

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યારે દરરોજ 14000 જેટલા ટેસ્ટ કરવામાં આવે છે

અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસો વધતા રાજ્ય સરકારે વાઇબ્રન્ટ અને ફલાવર શો સહિતના મેળાવડા બંધ કર્યા છે. અમદાવાદમાં પણ રોજ 1600થી વધુ કોરોનાના કેસો આવી રહ્યાં હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ્યાં પણ ભીડ ભેગી થાય છે એવા જાહેર સ્થળોએ ક્યાંય નિયંત્રણ મુકવાની હજી સુધી વિચારણા કરી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને મ્યુનિસિપલ કમિશનર માત્ર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું લોકો પાલન કરે તેના માટે કાર્યવાહી કરીશું એવી વાતો કરે છે. જાહેર સ્થળો જેવા કે શાકમાર્કેટ, પાનના ગલ્લા, ચાની કિટલીઓ, કાંકરિયા, બાગ બગીચાઓ પર હજી કોઈ નિયંત્રણ લાવવા અંગે ચર્ચા કરાઇ નથી.

134 દર્દી જ હોસ્પિટલમાં, 97 ટકા હોમ આઇસોલેશનમાં
આજે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે અમદાવાદમાં જાહેર સ્થળોએ ફરજિયાત માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવશે. કોરોનાના કેસોમાં ઓમિક્રોન અને ડેલ્ટા વેરિઅન્ટ બંને આવી રહ્યા છે. ઓમીક્રોનના કેસો ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના કુલ કેસોમાં 97 ટકા લોકો હોમ આઇસોલેશનમાં છે. કોરોનાના કેસો વધતા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન વધારવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં કુલ 5500થી વધુ એક્ટિવ કેસો છે. જેમાં 5335 દર્દી હોમ આઇસોલેશનમાં છે. જ્યારે 134 દર્દી જ હોસ્પિટલમાં દાખલ છે. જેમાં વેન્ટિલેટર પર 4 લોકો છે. 24 ઓક્સિજન પર અને 4 ICUમાં છે.

અત્યારે દરરોજ 14000 જેટલા ટેસ્ટ કરવામાં આવે છે. માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં કડક પગલા લેવામાં આવે છે. જાહેર સ્થળોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે. ફલાવર શોને પણ રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

51 હોસ્પિટલમાં 4000 જેટલા બેડ ઉપલબ્ધ
શહેરીજનોને અપીલ છે કે કોરોનામાં પેનિક કરવાની જરૂર નથી. ઓક્સિજન બેડ ડબલ કરતા વધુ હવે ઉપલબ્ધ છે. 1860 બેડ AMC સંચાલિત હોસ્પિટલમાં છે. હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને સંજીવની રથ મારફતે સારવાર કરવામાં આવશે. અમદાવાદમાં પૂરતા બેડ છે. 51 હોસ્પિટલમાં 4000 જેટલા બેડ ઉપલબ્ધ છે.

અમદાવાદમાં કેસો વધતા કેટલાક નિયંત્રણો લાવવા જરૂરી હોવાથી મ્યુનિસિપલ કમિશનરે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે તેમજ કાબુમાં લેવા અંગે ચર્ચા કરી હતી.

સોસાયટીઓએ કોવિડ કો-ઓર્ડિનેટર નિમવા પડશે
અમદાવાદ શહેર વિસ્તારના સોસાયટી, ફ્લેટ, કોમ્પ્લેક્સ અને અન્ય એકમોના ચેરમેન કે પ્રતિનિધિને કોરોના કો-ઓર્ડિનેટર નિમવા પડશે. કોરોના કો-ઓર્ડિનેટરે તેમના ફ્લેટ, કોમ્પ્લેક્સ કે અન્ય એકમોમાં તમામ લોકોએ વેક્સિનના પ્રથમ કે બંને ડોઝ લીધા છે કે કેમ તેમજ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવાની જવાબદારી કોરોના કો-ઓર્ડિનેટરની રહેશે. આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કો-ઓર્ડિનેટરને કઈ કઈ કામગીરી આપવામાં આવી છે તે નીચે મુજબ છે.

AMTS-BRTS 50 ટકા જ સિટિંગ કેપેસિટી સાથે દોડશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 5 જાન્યુઆરીએ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખીવા માટે AMTS અને BRTSની બસો 50% સિટિંગ કેપેસિટી સાથે 6 જાન્યુઆરી 2022થી દોડાવવામાં આવશે.

5 જાન્યુ.એ શહેરમાં 1637 કેસ
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, 5 જાન્યુઆરીએ શહેરમાં નવા 1637 અને જિલ્લામાં 23 મળીને અમદાવાદમાં કુલ 1660 કેસ નોંધાયા હતા. 19મે પછી પહેલીવાર કોરોનાના કેસોએ 1600નો આંકડો કુદાવ્યો હતો. 19 મે, 2021ના રોજ શહેર અને જિલ્લામાં 1324 કેસ આવ્યા હતાં. જ્યારે શહેરમાં 52 અને જિલ્લામાં 10 મળીને કુલ 62 દર્દી ડિસ્ચાર્જ કરાયા હતા. જોકે શહેર અને જિલ્લામાં એકપણ મોત નોંધાયું નહોતું. તેમજ ઓમિક્રોનના 34 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 23 નવા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...