AMC કમિશનરનો આદેશ:ડેપ્યુટી મ્યુનિ. કમિશનરથી લઈ તમામ અધિકારીઓના નાઈટ રાઉન્ટ, સફાઈથી લઇ તમામ કામગીરીનું નિરીક્ષણ કરશે

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં નાગરિકોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓ અને થતી કામગીરી મામલે અધિકારીઓ અને કર્મચારીઓની લાલિયાવાડીને બંધ કરી યોગ્ય કામગીરી થાય તેના માટે મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારેસન દ્વારા હવે નાઈટ રાઉન્ડ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ વોર્ડ અને વિસ્તારમાં રાઉન્ડ લેવાનો રહેશે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી લઈ અને આસિસ્ટન્ટ પ્રિન્સિપલ કમિશનર કક્ષાના અધિકારીઓએ દર મહિનાની નક્કી કરેલી તારીખો મુજબ નાઇટમાં રાઉન્ડ લેવાનો રહેશે અને જે વિસ્તારમાં અધિકારીઓ અને કર્મચારીઓને સાથે હાજર રાખી કામગીરી પર નજર રાખવાની રહેશે દર મહિનાનો અને દરેક બાબતનો વિગતવાર રિપોર્ટ પણ મ્યુનિસિપલ કમિશનરને સોંપવાનો રહેશે.

શહેરમાં નાઈટ રાઉન્ડની શરૂઆત
મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારેસન દ્વારા જ્યારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાર્જ સંભાળ્યા બાદ શહેરના દરેક વિસ્તારમાં રાઉન્ડ લેવામાં આવ્યો હતો. રાઉન્ડ દરમિયાન તેઓને કોર્પોરેશનમાં ચાલતી લાલિયાવાડી અને કર્મચારીઓની નબળી કામગીરીને ધ્યાનમાં રાખી અને અનેક નિર્ણયો લીધા હતા. દરેક બાબતોમાં ક્યાંકને ક્યાંક બેદરકારી સામે આવતા હવેથી મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરમાં નાઈટ રાઉન્ડની શરૂઆત કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક પરિપત્ર કરી અને આજે તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી લઈ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે.

રાત્રી કામોનું આકસ્મિક ચેકીંગ
જેમાં જણાવ્યું છે કે મ્યુનિસિપલ હોસ્પિટલો, પ્લોટસ, બગીચાઓ, બ્રીજ નીચેની જગ્યાઓ, રેનબસેરા, શેલ્ટર હોમ, વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન / વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ડ્રેનેજ પંમ્પીગ સ્ટેશન, કાંકરીયા, રીવરફ્રન્ટ જેવા જાહેર સ્થળો, પરિવહન સેવાઓ, શહેરના જાહેર માર્ગો વગેરે જગ્યાએ રાઉન્ડ લેવાનો રહેશે અને સફાઈથી લઈ અને યોગ્ય કામગીરી અંગેની જાણકારી મેળવવાની રહેશે. નાઈટ રાઉન્ડ દરમ્યાન ઝોનમા સ્કેપીંગ, સફાઈ વિગેરેના ચાલતા રાત્રી કામો (કોન્ટ્રાક્ટર અને ડીપાર્ટમેન્ટલી)નુ આકસ્મિક ચેકીંગ કરવાનુ રહેશે. મ્યુનિસિપલ મિલકતોની ચકાસણી, સ્ટાફની હાજરીની ચકાસણી, મિલકતમાં સાફ-સફાઇ, સ્ટ્રીટ લાઇટની ચાલુ-બંધની સ્થિતિ, ફર્નિચર-ફીકસચરની પરિસ્થિતિની ચકાસણી કરવાની રહેશે. નવા બનતા રોડનું પણ મોનીટરીગ કરવાનું રહેશે.

મ્યુનિસિપલ મિલકતોની સ્વચ્છતાની ચકાસણી
કચરો વધુ ભેગો થતો હોય તેવી જગ્યાઓ, કોમર્શિયલ કોમ્પલેક્ષ પાસે, પ્લોટો તેમજ જાહેર રસ્તા ઉપર પડેલ કચરો, કન્ટેઇનર બહારનો કચરો, કન્ટેઇનર ન ઉપડેલ હોય તો તેની તેમજ ન્યુસન્સ સ્પોટની ચકાસણી કરવાની રહેશે. સિકયુરીટી પોઇન્ટની પણ ચકાસણી કરવાની રહેશે. મ્યુનિસિપલ હોસ્પિટલો તેમજ અન્ય મ્યુનિસિપલ મિલકતમાં રાત્રિ દરમિયાન ફરજ બજાવતા કર્મચારીની હાજરી, તેમજ મિલકતોની સ્વચ્છતાની ચકાસણી કરવાની રહેશે.

રીપોર્ટ ભરી મ્યુનિ. કમિશનરને મોકલવાનો
ઉપરોકત મિલકતો પૈકી રાઉન્ડ લીધેલા સ્થળોની વિગતો તેમજ અન્ય ધ્યાનમાં આવેલી બીજી કોઇ વિગતો અંગેની નોંધ કરી તે અંગેની જાણ ઇ-મેઇલ મારફતે સબંધિત ખાતાના અધિકારીને અને તેની નકલ BCC મારફતે મ્યુનિસિપલ કમિશનરને કરવાની રહેશે. તે જ રીતે સબંધિત ખાતા દ્વારા કરવામાં આવેલી કામગીરીની જાણ રાઉન્ડ લેનાર અધિકારીને ઇ-મેઇલ મારફતે કરવાની રહેશે તેમજ રાઉન્ડનો વિગતવાર રીપોર્ટ ભરી મ્યુનિસિપલ કમિશનરને ઈ મેઈલથી કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...