નાયબ મુખ્યમંત્રીએ સ્વીકાર્યું:નવી વ્યવસ્થા ઉભી કરીએ છીએ, તેની સામે જરૂરિયાત વધે છે, તમામ હોસ્પિટલ હાઉસફૂલ છે, 108માં 300-400 કોલ વેઈટિંગમાં છે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નીતિન પટેલની ફાઈલ તસવીર. - Divya Bhaskar
નીતિન પટેલની ફાઈલ તસવીર.
  • લોકો પોતાની જવાબદારી નહીં સમજે ત્યાં સુધી સંક્રમણ નહીં અટકે
  • કેન્સર હોસ્પિટલમાં પણ બીજા 30 બેડ વધારવામાં આવશે, જે આવતીકાલ સાંજ સુધીમાં શરૂ થશે

રાજ્યમાં કથળેલી કોરોનાની સ્થિતિને લઈ આજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. રોજ 9000થી વધુ કેસો આવે છે. બીજી લહેરમાં કોઈ જિલ્લા કે તાલુકામાં કેસ નથી એવું રહ્યું નથી. બેડ, ઓક્સિજન સહિતની સુવિધાઓ આપવામાં આવી રહી છે. દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. નવી વ્યવસ્થા ઉભી કરીએ છીએ તેના કરતાં જરૂરિયાત વધુ છે. દર્દીઓ માટે હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં જગ્યા ઓછી છે. 1200 બેડ હોસ્પિટલ કુલ થઈ ગઈ છે એક પણ નવા દર્દીને દાખલ કરી શકાય એમ નથી.

તમામ હોસ્પિટલ હાઉસફૂલ
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, બધી હોસ્પિટલમાં બેડ ભરેલા છે. ઓક્સિજન લેવલ 95થી ઘટી જાય તો જ હોસ્પિટલમાં દાખલ થાય તેવી વિનંતિ છે. 108માં 300થી 400 કોલ વેઈટીંગમાં છે. ક્યાં દર્દીને ક્યાં મોકલવા તેની વ્યવસ્થા IAS દિલીપ રાણાને સોંપી છે. બીજી હોસ્પિટલ દાખલ કરે કે ના કરે. જવાબદારી નિભાવે કે ન નિભાવે પણ સિવિલ હોસ્પિટલમાં આવેલા તમામ દર્દીઓને દાખલ કરવા પ્રયત્ન કરીએ છીએ.

સરકારી હોસ્પિટલો પર ખૂબ જ ભારણ આવ્યું
નીતિન પટેલે આગળ કહ્યું કે, સિવિલ મેડિસીટી હોસ્પિટલમાં વધુ વધુ બેડ, ઓક્સિજન વધારવા, વેન્ટિલેટર, ઇન્જેક્શન આપવા વગેરે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. તમામ સરકારી હોસ્પિટલો પર ખૂબ જ ભારણ આવ્યું છે. ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફને અભિનંદન આપું છું. રજા વગર 108, ડોક્ટરો અને સ્ટાફ રાત દિવસ કામ કરે છે. અત્યારે જે વેવ ચાલ્યો છે એ એટલે મોટા પ્રમાણમાં છે કે દર્દીઓ વધી રહ્યા છે. તમામ સુવિધા કરી રહ્યા છીએ.

કેન્સર હોસ્પિટલમાં વધુ 30 બેડ વધારાશે
આરોગ્ય મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, યુ.એન મહેતામાં રેસિડન્ટ ડોક્ટર હોસ્ટેલમાં 7 દિવસમાં 160 બેડ ઉભા કર્યા છે.યુ.એન.મહેતામાં હોસ્પિટલમાં 160 બેડ શરૂ થતાં હવે ત્યાં દાખલ કરીશું. ઓક્સિજન બેડ, વેન્ટિલેટર, ઓક્સિજન વગેરેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આજથી જ આ હોસ્ટેલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવામા આવશે. 1200 બેડમાં જ્યાં ભીડ થાય છે એ ઓછી કરવા હવે અહીં હોસ્ટેલમાં 108માં લાવવામાં આવશે. 80 બેડ મંજુશ્રી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યા છે.કેન્સર હોસ્પિટલમાં પણ બીજા 30 બેડ વધારવામાં આવશે. જે આવતીકાલ(19 એપ્રિલ) સાંજ સુધીમાં શરૂ થશે.

એક અઠવાડિયામાં GMDC ગ્રાઉન્ડમાં હોસ્પિટલ શરૂ થશે
AMC, સોલા મેડિકલ કોલેજમાં વ્યવસ્થા વધારવા પ્રયત્ન ચાલુ છે. એક અઠવાડિયામાં GMDC ગ્રાઉન્ડમાં હોસ્પિટલ શરૂ થશે. 900 બેડની હોસ્પિટલ કેન્દ્ર સરકાર હેઠળ શરૂ થશે. મોટા ભાગના શ્વાસની તકલીફ વાળા આવે છે. માટે ઝડપથી ઓક્સિજન સાથે બેડ આપવામાં આવે તેવી વ્યવસ્થા કરીએ છીએ.

108માં ઓક્સિજન ચાલુ રાખી, જગ્યા મળે એટલે દાખલ કરીશું
AMC, સરકારી અને ખાનગી હોસ્પિટલ બેડ ખાલી થાય એમ દાખલ કરી રહ્યા છીએ. ગમે તેટલી એમ્બ્યુલન્સની લાઈન લાગે બહાર 108માં ઓક્સિજન ચાલુ રાખી અને જગ્યા મળે એટલે દાખલ કરીશું. રાજ્યમાં લગભગ મહાનગરો અને 20 નગરમાં રાત્રી કર્ફ્યુ અમલમાં છે. 25 કે 30 ટકા લોકડાઉન ગણાય. ઘણા ગામડા, શહેરોમાં વેપારીઓ અને બજારો સ્વયંભુ બંધ રહે છે.

લોકડાઉન કરવું ઉપયોગી નહીં થાય. લોકો પોતાની જવાબદારી નહીં સમજે ત્યાં સુધી સંક્રમણ નહીં અટકે. અનેક જગ્યાએ સમાજ અને સંસ્થા તરફથી કોવિડ સેન્ટર બનાવવા રજુઆત કરવામા આવે છે. તમામ સમાજ સંસ્થાને અભિનંદન આપીએ છીએ.પરંતુ સ્ટાફ અને વ્યવસ્થા ઉભી કરવું પડે. ઓક્સિજન બેડ, વેન્ટિલેટર પણ જરૂર પડે. સારવાર માટે સ્ટાફ જોઈએ. જેમને શ્વાસની તકલીફ નથી એ હોમ આઇસોલેટ થાય. માત્ર ગંભીર પ્રકારના દર્દીઓ જ હોસ્પિટલમાં દાખલ થાય.

રાજ્યમાં દૈનિક 9 હજારથી વધુ કેસ
રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 9 હજારને પાર થયો છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 9,541 નવા કેસ નોંધાયા છે અને 3,783 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. સુરત શહેરમાં 26, અમદાવાદ શહેરમાં 25, રાજકોટ શહેરમાં 8, વડોદરા શહેરમાં 7, સુરેન્દ્રનગરમાં 6, મોરબીમાં 3, બનાસકાંઠા, ભાવનગર અને ભાવનગર શહેર, જામનગર, જામનગર શહેર, મહેસાણા, અને રાજકોટ જિલ્લામાં 2-2, ભરૂચ, બોટાદ, ડાંગ, ગાંધીનગર શહેર, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા અને વડોદરામાં 1-1 મળી રાજ્યમાં કુલ 97 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે.

અન્ય સમાચારો પણ છે...